તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
દારૂ પીવાની ના પાડતાં પતિ કરણ ઉશ્કેરાયોઃ પત્નિને છરી ઝીંકી દીધી
પિતૃકૃપા સોસાયટીનો બનાવઃ પદ્દમાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૫: રાજકોટ-મોરબી હાઇવે પર હડાળા અને કાગદડી ગામ વચ્ચે આવેલી પિતૃકૃપા સોસાયટીમાં રહેતી મહિલાએ તેના પતિને દારૂ પીવાની ના પાડતાં ઉશ્કેરાયેલા પતિએ ઝઘડો કરી વાંસામાં છરીનો ઘા ઝીંકી દેતાં તેણીને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ હડાળા-કાગદડી ગામ વચ્ચેના રસ્તે આવેલી પિતૃકૃપા સોસાયટીમાં રહેતી પદ્દમાબેન કરણ ભંડારી (ઉ.વ.૪૧) નામની મહિલાને રાતે અગીયારેક વાગ્યે તેણીના પતિ કરણે ઝઘડો કરી પીઠમાં છરી મારી દેતાં દેકારો મચી ગયો હતો. બૂમાબૂમ સાંભળી પાડોશી મહિલા દોડી આવતાં હુમલો કરનાર કરણ ભાગી ગયો હતો. પાડોશીએ પદ્દમાબેનને સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.
પદ્દમાબેને જણાવ્યું હતું કે પોતાનો પતિ કરણ જેસીબી ડ્રાઇવર તરીકે કામ કરે છે. પોતાને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પતિને દારૂ પીવાની આદત હોઇ રાતે પણ તે પીને ઘરે આવતાં તેને દારૂ પીવાની ના પાડતાં માથાકુટ ચાલુ કરી હતી અને પોતાને પીઠના ભાગે છરી મારી દીધી હતી. પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી
(3:52 PM IST)










