News of Friday, 16th October 2026
તારી દિકરી મારે'ય નથી જોઇતી, તેને મારી નાંખીશ પણ તને તો નહિ જ આપું, પૂનમે ધમકી સાચી ઠેરવી!
શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં બે વર્ષની દિકરીને પાંચમા માળેથી ફેંકી હત્યા કરનારી નિષ્ઠુર જનેતા પૂનમ સાકરીયાની બી-ડિવીઝન પોલીસે ધરપકડ કરી-કોર્ટહવાલે કરવા તજવીજ : પૂનમ દિકરીના જન્મ બાદ રિસામણે ગઇ પછી પતિ સંજયએ અવાર-નવાર સમાધાનના પ્રયાસ કર્યા પણ તે પરત સાસરે ન આવીઃ સંજય દિકરી માંગતો ત્યારે દિકરી આપવાની પણ ના પાડી દેતી હતીઃ તેણે દિકરીને મારી નાંખવાની વાત કરી હતી, એવુ જ કર્યુઃ પીઆઇ જી.આર. ચોૈહાણ, એએસઆઇ હીરાભાઇ રબારીએ પતિ સંજય સાકરીયાની ફરિયાદ પરથી તેની પત્નિ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧૬: કુવાડવા રોડ ડી માર્ટ પાછળ શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં બે વર્ષની બાળકી સ્નેહલની પાંચમા માળેથી ફેંકી દઇ તેની જ માતા પૂનમે હત્યા કર્યાનું ખુલતાં પોલીસે આ બનાવમાં હવે હત્યાનો ભોગ બનેલી બાળાના પિતા દૂધ સાગર રોડ શક્તિ સોસાયટી-૨ની બાજુમાં રહેતાં અને કૂરિયરમાં નોકરી કરતાં સંજયભાઇ વશરામભાઇ સાકરીયા (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી તેની પત્નિ પૂનમ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી કોર્ટ હવાલે કરવા તજવીજ હાથ ધરી છે. દોઢેક વર્ષથી રિસામણે ગયેલી પૂનમ પરત સાસરે જવા તૈયાર નહોતી, પતિ તેની પાસે વારંવાર દિકરીને સોંપી દેવા માંગણી કરતો હતો, પણ પૂનમ કહેતી કે હું તેને મારી નાંખીશ પણ તને તો નહિ જ આપું. અંતે તેણીએ દિકરીની હત્યા કરી નાંખી હતી.
સંજયભાઇ સાકરીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારા લગ્ન બે વર્ષ પહેલા શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં રહેતાં જગદીશભાઇ પરસોડાની દિકરી પૂનમ સાથે થયા હતાં. એ પછી એક દિકરી સ્નેહલનો જન્મ થયો હતો. અમારુ લગ્નજીવન બરાબર ચાલતુ હતું. એ દરમિયાન વર્ષ ૨૦૨૪માં મારા પિતાજીનું અવસાન થયા બાદ મારો કામધંધો છુટી ગયો હતો. પછી મારે પત્નિ સાથે નાની મોટી વાતે ઝઘડા થતાં હતાં. ઝઘડા વધી જતાં પૂનમ આજથી દોઢ વર્ષ પહેલા તેના માવતરે રિસામણે જતી રહી હતી. અમે કુટુંબીજનો, સમાજના આગેવાનો મારફત પૂનમને પરત મારા ઘરે લઇ આવવા પ્રયાસ કર્યા હતાં. પણ તે આવવા તૈયાર નહોતી.
પૂનમ મારા ઘરે આવતી ન હોઇ મેં મારી દિકરી સ્નેહલને મને સોંપી દેવા કહ્યું હતું. પરંતુ પૂનમ મને દિકરી પણ સોંપવા તૈયાર નહોતી. મેં ઘણા પ્રયાસ કર્યા પણ તે ના પાડી દેતી હતી. હું જ્યારે પણ દિકરી સોંપી દેવાનું કહેતો ત્યારે પૂનમ કહેતી કે-તારી દિકરી મારે પણ જોઇતી નથી અને તને આપવી નથી, હું એને મારી નાંખીશ પણ તને તો નહિ જ સોંપું. આથી મેં તેને કહેલું કે તારે દિકરી ન જોઇતો હોય તો મને આપી દે, તું અજુગતું પગલુ ભરતી નહિ. મેં આ વાત મારા પરિવારજનોને પણ કહી હતી. આથી અમે ફરી વખત સમાધાનના પ્રયાસ કર્યા હતાં. પરંતુ તે સફળ રહ્યા નહોતાં. આ દરમિયાન ૧૨/૧૦ના રાતે મારા મોટા ભાઇ રવિભાઇ દ્વારા મને જાણ થઇ હતી કે મારી દિકરી પાંચમા માળેથી પડી જતાં મૃત્યુ થયું છે.
મને ત્યારે જ શંકા ઉપજી હતી કે મારી દિકરી સરખી ચાલી પણ શકતી નહોતી તો તે કઇ રીતે ઉપરથી પડી જાય? અગાઉ મારી પત્નિએ દિકરીને મારી નાખવાની ધમકી દીધી હોઇ મને તેના પર શંકા ઉપજી હતી. અંતે પોલીસ તપાસ બાદ મને ખબર પડી હતી કે મારી દિકરીને મારી પત્નિએ જ નીચે ફેંકી દઇ હત્યા કરી છે. તેમ વધુમાં સંજયભાઇએ જણાવતાં પીઆઇ જી. આર. ચોૈહાણ, રાઇટર હીરાભાઇ રબારી સહિતે ગુનો નોંધી ધરપકડ કરી કોર્ટ હવાલે કરવા તજવીજ કરી હતી. દિકરીની હત્યા કર્યા બાદ ઢોંગ કરનાર જનેતા પૂનમ હવે જેલની હવા ખાશે. બીજા લગ્નમાં દિકરી નડશે, મારો મગજ ભમતો હતો, મને ખબર નહોતી હું શું કરી રહી છું...આવા અલગ અલગ કારણોનું તેણીએ રટણ કર્યુ હતું.ધરપકડ બાદ તે ગુમસુમ બેસી રહી હતી અને ક્યારેક અચાનક રડવાનું ચાલુ કરી દેતી હતી.
(2:50 PM IST)










