<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

મેં અભિ માટે સર્વસ્‍વ લૂંટાવી દીધું, તેના કારણે જિંદગી બગડીઃ વિડીયો બનાવ્‍યા બાદ કલ્‍યાણીએ જીવ દઇ દીધો

જામનગર રોડના તોપખાનામાં પ્રેમીની દગાખોરીને કારણે યુવતિ મરવા મજબૂર થઇ : હું અભિને પ્રેમ કરતી હતી, તેની સાથે જીવવા માંગતી હતી, લવમેરેજ કરવા માંગતી હતી પણ તે બીજી છોકરી સાથે વાતો કરતો હતોઃ મેં વાંધો ઉઠાવતાં કહ્યું-મારે આવા જ લફરા રહેવાના છે, તને ના ગમતું હોઇ તો તું તારી રીતે જીંદગી જીવઃ અભિએ સાથે જીવવા મરવાના વાયદા કર્યા પછી ત્રાસ ગુજાર્યો છે, માટે મારી જિંદગીનો અંત આણુ છું : પ્ર.નગર પોલીસે મૃતક કલ્‍યાણીના પિતા ગોવિંદભાઇ વાઘેલાની ફરિયાદ પરથી પાડોશી અભિ મકવાણા વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨: પ્રેમમાં પ્રેમીની દગાખોરીને કારણે જામનગર રોડ તોપખાનાની યુવતિ મરી જવા મજબૂર થઇ છે. નોકરીએ ગયેલા પિતાને તેણીએ ફોન કરી હવે હું દુનિયા છોડી જાઉ છું, મારી ભુલચુક માર કરજો તેમ કહી ગળાફાંસો ખાઇ લેતાં સારવારમાં મોત થયું છે. તેણીના મોબાઇલમાંથી એક વિડીયો મળી આવ્‍યો હતો. જેમાં તેણીએ પડોશમાં જ રહેતાં પ્રેમી અભિની દગાખોરીને કારણે પોતે આ પગલુ ભરી રહ્યાની અને અભિ બીજી કોઇ છોકરી સાથે પણ લફરૂ ધરાવતો હોવાની હકિકત જણાવી છે. પોલીસે આ વિડીયોને આધારે તેણીને મરવા મજબૂર કરનારા પ્રેમી સામે ગુનો નોંધ્‍યો છે.

તોપખાનામાં રહેતી કલ્‍યાણી ગોવિંદભાઇ વાઘેલા (ઉ.વ.૨૦) નામની યુવતિએ ૨૩/૧૦ના ગળાફાંસો ખાઇ લેતાં સારવાર દરમિયાન ૩૧/૧૦ના શનિવારે મૃત્‍યુ થતાં પરિવારમાં શોક વ્‍યાપી ગઇ છે. તેણીના આપઘાત પાછળ પ્રેમીની દગાખોરી, ત્રાસ કારણભુત હોવાનું ખુલ્‍યું છે. આ બનાવમાં પ્ર.નગર પોલીસે જામનગર રોડ પર તોપખાના શેરી નં. ૩માં કરીમભાઇના ગેરેજ સામે રહેતાં ગોવિંદભાઇ લક્ષમણભાઇ વાઘેલા (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી અભી  કાળુભાઇ મકવાણા વિરૂધ્‍ધ ગોવિંદભાઇની દિકરીને પ્રેમસંબંધમાં દગો દઇ લગ્નની ના પાડી દઇ મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગોવિંદભાઇ વાઘેલા પરિવાર સાથે રહે છે અને વોર્ડ નં. ૫-અમાં સફાઇ કામદાર તરીકે કામ કરી ગુજરાન ચલાવે છે. તેમણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે મારા પ્રથમ લગ્ન તોપખાનામાં રહેતા બાબુભાઈ ટપુભાઈ પરમારની દીકરી વનીતાબેન સાથે થયેલ હતા અને લગ્ન જીવન દરમીયાન એક દિકરી કલ્‍યાણી હતી, જે મારા ભેગી રહેતી હતી. પતિ-પત્‍નિ વચ્‍ચે મનમેળ ન આવતા ૨૦૦૯માં છુટાછેડા લીધા હતાં. ૨૦૧૯મા મેં બીજા લગ્ન રૈયા ધાર ખાતે રહેતા બટુકભાઈ વશરામભાઈ રાઠોડની દિકરી શોભનાબેન સાથે સમાજ રાહે કર્યા છે. તેના થકી એક દિકરો છે જે છ વર્ષનો છે. ગઇ તા. ૨૩/૧૦ના રોજ સવારના સાડા છએક વાગ્‍યે મારી નોકરીના સ્‍થળે રણછોડદાસ આશ્રમ પાસે ગયો હતો.

એ દરમિયાને સાંજના આશરે પાંચેક વાગ્‍યે દિકરી કલ્‍યાણી નો મને ફોન આવેલ અને મને જણાવેલ કે હું આ દુનીયા છોડી જાઉ છુ મારી ભુલચુક માફ કરજો. તેમ વાત કરી ફોન કાપી નાખેલ જેથી હું તાત્‍કાલીક મારા મીત્ર દેવજીભાઈ વાઘેલા જેઓ અમારા ભેગા નોકરી કરતા હોઈ તેઓને સાથે લઈ ઘરે પહોંચ્‍યો હતો. ત્‍યારે ઉપરના માળે છતની દિવાલના લોખંડના એંગલમાં હુક સાથે સાડી વડે ગળે ફાંસો ખાઈ લટકતી હાલતમાં દિકરી કલ્‍યાણી જોવા મળી હતી. મેં અને મારા મિત્રએ તેણીને તુરંત નીચે ઉતારી જોતાં તે બેભાન હતી. આ પછી મારા પત્‍નિ શોભનાબેન રૈયાધાર હોઇ તેણીને ફોન કરી બોલાવેલ અને ૧૦૮ને પણ જાણ કરી હતી.

બાદમાં દિકરીને સારવાર માટે દાખલ કરેલ અને તેની સારવાર દરમીયાન તા.૩૧/૧૦ના રોજ સાંજના ચારેક વાગ્‍યાના અરસામા ડોક્‍ટરે મૃત જાહેર કરી હતી. પોલીસ કાર્યવાહી બાદ અતિંમવિધી કરી અમે ઘરે આવ્‍યા હતાં. આ વખતે મેં દિકરી કલ્‍યાણીનો મોબાઇલ ફોન જોતાં તેણીએ વિડીયો બનાવ્‍યો હતો તે જોવા મળ્‍યો હતો. જેમાં તે બોલતી હતી કે-હું અભી કાળુભાઈ મકવાણાને પ્રેમ કરતી હતી અને હુ તેની સાથે જીંદગી જીવવા માંગતી હતી. હું તેની સાથે લવ મેરેજ કરવા માંગતી હતી, અભી મકવાણા જે આપણા ઘરની નજીકની શેરીમા રહે છે. પણ તે બીજી કોઈ છોકરીઓ સાથે ફોન ઉપર વાતચીત કરતો હતો.

 હું તેને આ બાબતે વાત કરતી તો તે કહેતો હતો કે મારે તો બીજી છોકરીઓ સાથે આવાજ લફરા રહેવાના છે અને તને ના ગમતુ હોઈ તો તું તારી રીતે જીંદગી જીવી શકે છે. પણે અભિ મકવાણા સાથે સર્વસ્‍વ લૂંટાવી દીધુ હોઇ મારી જીંદગી તેના કારણે બગડી છે, તેણે મારી સાથે મરવા જીવવાના વાયદા કર્યા છે,  છતા મને અવાર-નવાર મારઝુડ કરી માનસીક તેમજ શારીરિક હેરાનગતી કરતો હોઈ મને મરવા સુધી મજબૂર કરતા મે મારી જીંદગીનો અંત આણવા આ પગલું ભર્યુ છે...તેવુ વીડીયોમાં મારી દિકરીએ જણાવ્‍યું હતું.

ગોદિંભાઇએ વધુમાં જણાવ્‍યું છે કે અગાઉ મારી દિકરીએ મને અભિ સાથે તેણીને લગ્ન કરવા છે તેવુ કહેતાં મેં તેને હા પણ પાડી હતી. આમ છતાં અભિએ તેણીની સાથે દગો કરી તેણીને શારીરિક માનસિક ત્રાસ આપ્‍યો હોઇ તેણી મરી જવા મજબૂર થઇ છે. પી.આઇ. એમ. ડી. મકવાણાની રાહબરીમાં પીએસઆઇ બી. વી. ભગોરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એકની એક દિકરીના આ પગલાથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

(2:53 PM IST)