News of Wednesday, 18th November 2026
આઇસ્ક્રીમ છે કે ફ્રોઝન ડેઝર્ટ ? વેચાણ કેન્દ્રો તથા પેકેજીંગમાં ઉલ્લેખ ફરજીયાત
શહેરીજનોના હિતમાં મેયર નેહલ શુકલનો મહત્વપૂર્ણ હેલ્ધી નિર્ણય : ખાદ્ય પદાર્થ વિક્રેતાઓએ સાઇન બોર્ડ લગાડવું પડશેઃ નિયમનો ભંગ કરનાર સામે પગલા લેવાશે : આઇસ્ક્રીમ દૂધની મલાઇમાંથી બનાવવામાં આવે છે જયારે ફ્રોઝન ડેઝર્ટમાં વનસ્પતિ તેલ/ફેટનો ઉપયોગ થાય છે

રાજકોટ, તા.૧૮: ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા સંચાલિત ‘ઈટ રાઈટ ઈનિશિએટિવ' અંતર્ગત નાગરીકોને સુરક્ષિત, પૌષ્ટિક અને યોગ્ય માહિતીસભર આહાર મળી રહે તે માટે ફૂડ & ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA), ગુજરાત રાજ્ય, ગાંધીનગર તથા મનપાના મેયર નેહલ શુકલ દ્વારા જાહેર હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
જેમાં ગ્રાહકોમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેના તફાવત અંગે સ્પષ્ટતા જળવાઈ રહે અને ગ્રાહકો ગેરમાર્ગે ન દોરાય તે હેતુથી તમામ ઉત્પાદકો, વિક્રેતાઓ, રિટેલર્સ, પાર્લર સંચાલકો તેમજ કેટરિંગ સર્વિસ આપનારાઓ માટે સૂચનાઓનું પાલન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છેઃ
સ્પષ્ટ સાઈન બોર્ડ લગાવવું: આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટનું વેચાણ કરતાં દરેક આઈસ્ક્રીમ પાર્લર, ડેરી, દુકાન તેમજ વેચાણ કેન્દ્ર પર ગ્રાહકોને સરળતાથી અને સ્પષ્ટપણે દેખાય તે રીતે મોટા અક્ષરોમાં સાઈન બોર્ડ લગાવવાનું રહેશે, જેમાં તેમના દ્વારા વેચવામાં આવતી કે ઉપયોગમાં લેવાતી પ્રોડક્ટ ‘આઈસ્ક્રીમ' છે કે ‘ફ્રોઝન ડેઝર્ટ' તેનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જરૂરી છે.
ગુણવત્તાની સ્પષ્ટતા કરવી મહત્વપૂર્ણ છેઃ આઈસ્ક્રીમ દૂધની મલાઈમાંથી બનાવવામાં આવે છે, જ્યારે ફ્રોઝન ડેઝર્ટમાં વનસ્પતિ તેલ/ફેટ (Vegetable Oil/Fat) નો ઉપયોગ થાય છે. ગ્રાહક પોતે શું ખરીદી રહ્યા છે તેની સચોટ જાણકારી મેળવી શકે તે તેમનો અધિકાર છે.
મેનુ કાર્ડ અને પેકેજિંગ પર ઉલ્લેખઃ હોટેલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ સંચાલકોએ પણ તેમના મેનુ કાર્ડમાં પીરસવામાં આવતી વાનગી આઈસ્ક્રીમ છે કે ફ્રોઝન ડેઝર્ટ તેની સ્પષ્ટ નોંધ કરવાની રહેશે.
તમામ ખાદ્ય પદાર્થના ઉત્પાદકો અને વિક્રેતાઓને આ નિયમનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવે છે. જો કોઈ વેપારી કે ઉત્પાદક દ્વારા ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવશે અથવા નિયમ મુજબ સાઈન બોર્ડ લગાવવામાં નહીં આવે, તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઉપરાંત જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવે છે કે આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટની ખરીદી કરતી વખતે સાઈન બોર્ડ અને પેકેજિંગ પરની વિગતો અવશ્ય તપાસે.
(2:59 PM IST)










