તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
પ્લોટ ખરીદ કર્યાના ૧૦ દિવસ બાદ વેપારી આટો મારવા ગયા તો બે ઘુસણખોર ચણતર કરતા'તાઃ ખાલી કરવાના માંગ્યા ૨૨ લાખ!
ચુનારાવાડ લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતાં ઇમિટેશનના વેપારી પ્રશાંતભાઇ જાદવ-પ્રજાપતિની ફરિયાદ પરથી ગુનો દાખલ પીઆઇ શક્તિસિંહ પી. સોઢાએ ભુપત ખાચર અને તેના પુત્ર રવિ ખાચર વિરૂધ્ધ ગુનો દાખલ કર્યોઃ એસીપી બી. વી. જાધવ અને ટીમે આરોપીઓને સકંજામાં લઇ તપાસ શરૂ કરીઃ વેપારીને પહેલા તો પ્લોટમાં આવશો તો ટાંટીયા ભાંગી નાંખશુ તેવી ધમકી દીધીઃ પછી ઘરે જઇ ખંડણી માંગી હતી

રાજકોટ તા. ૨૧: શહેરના દૂધ સાગર રોડ પર આવેલી લાખોની કિંમતની માલિકીની જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી, પ્લોટ ખાલી કરવાના બદલામાં ૨૨ લાખ રૂપિયાની ખંડણી માંગનાર પિતા-પુત્ર વિરૂધ્ધ થોરાળા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. સિવિલ અને સેસન્સ કોર્ટમાં લાંબી કાનૂની લડત બાદ, અદાલતે આદેશ આપતા પોલીસે ઈમિટેશનના વેપારીની ફરિયાદ પરથી તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે. આગળની તપાસ એસીપી દ્વારા હાથ ધરવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ આ બનાવમાં શહેરના ચુનારાવાડ શેરી નં. ૦૧, લાખાજીરાજ ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતાં અને ઈમિટેશનનો વેપાર કરતા પ્રશાંતભાઈ સુરેશભાઈ જાદવ-પ્રજાપતિ કુંભાર (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી થોરાળા પોલીસે ભૂપત અનકભાઇ ખાચર અને રવિ ભૂપતભાઇ ખાચર વિરૂધ્ધ ઘુસણખોરી અને ધમકીનો ગુનો દાખલ કર્યો છે. ફરિયાદ મુજબ પ્રશાંતભાઇ જાદવે ગત તા. ૦૭/૦૨/૨૦૨૩ના રોજ લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં-૧માં આવેલો આશરે ૨૮૧ ચોરસ વારનો પ્લોટ (સીટી સર્વે મુજબ ૨૩૫.૬૪ ચો.મી.) યોગેશભાઈ જીવરાજભાઈ જાદવ પાસેથી કાયદેસર દસ્તાવેજ કરી ખરીદ્યો હતો. ખરીદી સમયે પ્લોટમાં માત્ર એક કાચી ઓરડી હતી અને પ્લોટનો સંપૂર્ણ કબ્જો પ્રશાંતભાઈ પાસે હતો.
આ પ્લોટ ખરીદ્યાના દસેક દિવસ બાદ જ્યારે પ્રશાંતભાઈ અને તેમના પિતા સુરેશભાઈ પ્લોટ પર આંટો મારવા ગયા ત્યારે ત્યાં પ્લોટમાં ગેરકાયદેસર રીતે પાકું બાંધકામ ચાલતુ હતું. આથી ત્યાં હાજર બે શખ્સની પુછતાછ કરતાં તેણે પોતાના નામ ભૂપતભાઈ અનકભાઈ ખાચર અને રવિભાઈ ભૂપતભાઈ ખાચર હોવાનું તેમજ બંને બાપ-દિકરો હોવાનું કહ્યું હતું. આથી પ્રશાંતભાઈએ આ પ્લોટ પોતાની માલિકીનો હોવાનું કહેતાં આ બંને પિતા-પુત્ર ઉશ્કેરાઈ ગયા હતા. આ પછી અચાનક બંને ખુબ ઉશ્કેરાઇ ગયા હતાં અને ધમકી આપી હતી કે-જો તમારે ચુનારાવાડ વિસ્તારમાં રહેવું હોય તો આ પ્લોટ બાજુ દેખાતા નહીં, નહીંતર તમારા ટાંટીયા ભાંગી નાખીશું!
આથી ગભરાઇને પ્રશાંતભાઇ અને તેમના પિતા ત્યાંથી નીકળી ગયા હતાં અને ઘરે જતાં રહ્યા હતાં. ત્યારબાદ થોડા દિવસો બાદ રાત્રિના સમયે રવિ ખાચર તેના સાગરીતો સાથે પ્રશાંતભાઈના ઘરે ધસી આવ્યો હતો. તેણે ધમકીભર્યા અવાજે કહ્યું હતું કે-મારી પાસે કોણ પ્લોટ ખાલી કરાવે છે તે હું જોઈ લઉં છું. જો તારે તારો પ્લોટ પાછો જોઈતો હોય તો રૂપિયા ૨૨,૦૦,૦૦૦ આપવા પડશે, નહીંતર તને જાનથી મારી નાખીશ.
ત્યાર પછી આ મામલે પ્રશાંતભાઈએ કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરી હતી. દરમિયાન આરોપી ભૂપત ખાચરે પ્લોટમાં ગેરકાયદેસર વીજ કનેક્શન પણ મેળવી લીધું હતું, જે પ્રશાંતભાઈએ પીજીવીસીએલ માં અરજી કરી કપાવી નાંખ્યું હતું. સામે પક્ષે આરોપીઓએ પોતે ભાડુઆત હોવાનું જણાવી સિવિલ કોર્ટમાં મનાઈ હુકમ મેળવવા દાવો કર્યો હતો, જે કોર્ટે રદ કર્યો હતો. અંતે કલેક્ટર કચેરીમાં અરજી પડતી મુકાતા પ્રશાંતભાઈએ રાજકોટની સ્પેશિયલ લેન્ડ ગ્રેબિંગ કોર્ટમાં ફોજદારી ઈન્કવાયરી દાખલ કરી હતી. કોર્ટે તમામ પુરાવા અને દસ્તાવેજો ચકાસીને ભૂપતભાઈ ખાચર અને રવિભાઈ ખાચર વિરૂધ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પ્ર પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા હુકમ કર્યો હતો.
થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ શક્તિસિંહ પી. સોઢાએ એફઆઇઆર દાખલ કરતાં આગળની તપાસ એસીપી પુર્વ બી. વી. જાધવે હાથ ધરી છે. હાલ બંને આરોપી પિતા-પુત્રને સકંજામાં લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પારકી જમીનમાં ઘુસણખોરી કરી ચણતર કરી લેનારા પિતા-પુત્ર સામે પોલીસે આકરી કાર્યવાહી કરી શરૂ કરી છે.
(3:51 PM IST)










