<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

‘રૂપીયા નહી આપો તો દિવાળી નહી જોવા દઇએ' બે વ્‍યાજખોરો દ્વારા બે ભાઇઓને ખુનની ધમકી અપાઇ

કોઠારીયાના સ્‍વાતી પાર્કમાં રહેતા શુભમભાઇ ભાલાળા અને તેના ભાઇ નિકુંજે ૮ અને ૧૦ ટકા લેખે વ્‍યાજે રકમ લીધી હતીઃ વધુ રકમ લેવા છતા વધુ ૧૭ લાખની પઠાણી ઉઘરાણી કરતા આજી ડેમ પોલીસમાં ગુન્‍હો

રાજકોટ, તા., ૫ : કોઠારીયામાં સ્‍વાતી   પાર્કમાં રહેતા અને પડવલામાં પ્રભાત ટ્રેડર્સમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા શુભમ જેન્‍તીભાઇ ભાલાળા (ઉ.વ.૩૩) અને તેનાભાઇ નીકુંજે વ્‍યાજે લીધેલ રકમની સામે મોટી રકમ લઇ લેવા છતા બંને ભાઇઓ પાસેથી વધુ ૧૭ લાખની વ્‍યાજખોર રોહીત હિરાભાઇ બસીયા (રહે. પુરૂષાર્થ સોસાયટી, હરીધવા રોડના છેડે) અને સોહમ પરમારે પઠાણી ઉઘરાણી કરી રૂપીયા નહી આપો તો દિવાળી નહી જોવા દઇએ કહી ધમકી આપ્‍યાની આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.

આ મામલે શુભમભાઇ ભાલાળાએ પોલીસ ફરીયાદમાં જણાવ્‍યું કે, તેને સંતાનમાં  એક પુત્રી અને પુત્ર છે. એકાદ વર્ષ પહેલા તેને હાર્ડવેરનો ધંધો શરૂ કરવો હોવાથી મિત્ર આરોપી રોહીત પાસેથી સાંઇબાબા સર્કલ નજીક ૮ ટકા લેખે દોઢ લાખ રૂપીયા વ્‍યાજે લીધા હતા. જેનું તે વ્‍યાજ ભરતા હતા. તેનો નાનો ભાઇ નિકુંજ ચેક બાઉનસના કેસમાં ફેબ્રુઆરી-ર૦ર૬ માં બે માસ ગયો હોવાથી અને તેને કારખાનામાં ખોટ જતા ટેન્‍શનમાં લીધે માતા ચંપાબેને ઘરે ઘઉંમાં રાખવાના ટીકડા પી લેતા હોસ્‍પીટલમાં દાખલ કરાયા હતા. આ સમયે પણ તેણે આરોપી પાસેથી રૂા. બે લાખ વ્‍યાજે લીધા હતા. ત્‍યાર બાદ અઢી લાખ મળી કુલ ૬ લાખ રૂપીયા આપતા ૮ ટકા લેખે તે રેગ્‍યુલર વ્‍યાજ ભરતા હતા. મે -જુન ર૦ર૬ માં તેને આર્થિક ભીંસના કારણે બે માસનું વ્‍યાજ ચુકવી નહી શકતા આરોપી રોહીત રર જુન ર૦ર૬ના હિસાબ કરી વ્‍યાજના અને બીજી રૂપીયા ઓનલાઇન આપ્‍યા હતા. જે સહીત બીજા રૂા.૩ લાખ મળી કુલ રૂા. ૯ લાખ રૂપીયા વ્‍યાજે ચડાવ્‍યા હતા. આથી ૯ લાખના ૮ ટકા લેખે દર મહિને રૂા. ૭ર હજાર વ્‍યાજ ચુકવવાનું આરોપીએ કહયું હતું. તેણે ૩ માસ તે પ્રમાણે વ્‍યાજ ચુકવ્‍યુ હતું. પરંતુ બાદમાં વ્‍યાજ ચુકવી શકયા ન હતા. તેણે અત્‍યાર સુધીમાં ગુગલ પેથી અને કટકે કટકે સાડા ચાર લાખ આરોપીને ચુકવ્‍યા હતા.

 અગાઉ પણ દોઢક વર્ષ પહેલા તેના મિત્ર દિપકભાઇ બુસા (રહે. મોરબી રોડ) એ આરોપી પાસેથી વ્‍યાજે રકમ લીધી હતી. તેમાં તેને જામીન તરીકે રાખેલ હતો. જેથી તેણે આરોપીને વ્‍યાજના રૂા.બે લાખ આરોપીને આપ્‍યા હતા છતા આરોપી રૂબરૂ અને ફોન ઉપર અવાર નવાર રૂપીયા પઠાણી ઉઘરાણી કરી તેને કોઇ પણ કાળે આ રૂપીયા આપવા પડશે. જો રૂપીયા નહી આપે તો જીવવા નહી દઉ કહી ધમકી આપતા તેને રૂપીયા ચુકવ્‍યા હતા.

બીજી તરફ તેના નાનાભાઇ નિકુંજે અગાઉ દોઢેક વર્ષ પહેલા આરોપી પાસેથી કટકે કટકે ૧૦ ટકા લેખે રૂા. ૩.૬૦ લાખ વ્‍યાજે લીધા હતા. જેને નિકુંજ પણ વ્‍યાજ ચુકવતો હતો. રૂપીયાનો હવાલો સોહમ  પરમાર નામના શખ્‍સને અપાયો હતો. જેથી સોહમ નિકુંજને અવાર નવાર ફોન કરી પૈસાની ઉઘરાણી કરતા નિકુંજે ૧૧ લાખ જેટલી રકમ આરોપીઓને ચુકવી હતી.

છતા આરોપીઓએ તેને પણ ઘરે જઇ અને ફોનમાં રૂપીયા નહી આપે તો દિવાળી નહિ જોવા દઇએ કહી ગાળો દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પાસે વધુ ૯ લાખની અને તેના ભાઇ નિકુંજ પાસે ૮ લાખની અવાર નવાર પઠાણી ઉઘરાણી કરતા હોવાથી ફરીયાદ નોંધાવી હતી.

(4:41 PM IST)