<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

અહિ ધંધો કરવો હોય તો હપ્‍તો દેવા પડશેઃ ભીમનગરમાં ભંગારના ધંધાર્થીને છરી બતાવી ખંડણી પડાવી ધોકા-પાઇપ-બોટલથી હુમલો

થોરાળા મનહર સોસાયટીમાં રહેતાં ભીનગરના ભગારના ડેલાવાળા અરમાન ફુફારની ફરિયાદ પરથી તાલુકા પોલીસે રવિ, તેના ભાઇ સુનિલ, માતા શાંતાબેન, પત્‍નિ ધારાબેન, પિતા બાબુભાઇ વઘેરા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો ડેલા પાસે જાહેરમાં લઘુશંકા કરવાની રઉફ ઉર્ફે મુન્‍નાને ના પાડતાં રઉફ, તેના ભાઇ રિયાઝ, પુત્ર અરમાને ધોકા-પાઇપ-બોટલથી હુમલો કરી જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કર્યાની રવિ બાબુભાઇ વઘેરાની વળતી ફરિયાદઃ એટ્રોસીટી નોંધાઇ

રાજકોટ તા. ૮: નાના મવા રોડ પર જય ભીમનગરમાં ભંગારનો ડેલો ધરાવતાં થોરાળા મનહર સોસાયટીના યુવાનના ડેલે આ વિસ્‍તારના બે ભાઇઓએ આવી તમારે અહિ અમારા વિસ્‍તારમાં ધંધો કરવો હોય તો હપ્‍તો દેવા પડશે નહિતર તમારા ટાંટીયા ભાંગી જશે કહી છરી બતાવી ધમકી આપી રૂા. ૧૫ હજાર પડાવી લેતાં ચકચાર જાગી છે. માથે જતાં આ શખ્‍સે તેના ભાઇ, માતા-પિતા-પત્‍નિ સાથે મળી ડેલા પર સોડા બોટલોના ઘા કરી તેમજ ધોકા-પાઇપથી હુમલો કર્યાનો આરોપ મુકયો છે. બીજી તરફ આ જેના વિરૂધ્‍ધ હપ્‍તો માંગ્‍યાની ફરિયાદ નોંધાઇ છે એ યુવાને પણ ડેલાવાળા  યુવાન, તેના પિતા, કાકા, માતા વિરૂધ્‍ધ એટ્રોસીટીનો ગુનો દાખલ કરાવ્‍યો છે. તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદ પરથી કાર્યવાહી કરી છે.

આ બનાવમાં તાલુકા પોલીસે અરમાન રઉફભાઇ ઉર્ફે મુન્‍નાભાઇ ફુફાર-મેમણ (ઉ.વ.૨૧-રહે. થોરાળા પોલીસ સ્‍ટેશન સામે ભાવનગર રોડ મનહર સોસાયટી-૨)ની ફરિયાદ પરથી રવિ વઘેરા, તેના પત્‍નિ ધારાબેન રવિ, ભાઇ સુનિલ વઘેરા, માતા શાંતાબેન અને પિતા બાબુભાઇ વઘેરા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. અરમાને જણાવ્‍યું છે કે હું અને મારા પિતા તથા ભાઇ વસીમ ભીમનગર-૨ની બાજુમાં  ભંગારનો ડેલો ચલાવીએ છીએ. ૧૦મીએ હું ડેલે બેઠો હતો ત્‍યારે ભીમનગરનો રવિ અને તેનો ભાઇ સુનિલ અમારા ડેલે આવ્‍યા હતાં. આ વખતે સુનિલ બહાર ઉભો હતો અને રવિ અંદર આવ્‍યો હતો અને કહ્યું હતું કે-તારે હપ્‍તો આપવાનો છે કે કેમ? જો અહિ તમારે રહેવું હોય તો અમને હપ્‍તો આપવો પડશે નહિતર તમારી ઉપર ખોટી એટ્રોસીટી લગાડી ફીટ કરી દઇશું.

તેમ કહી રવિએ નેફામાંથી છરી કાઢવી બતાવી હતી અને આ સગી નહિ થાય, જો રૂપિયા નહિ આપ તો તમારા બધાના ટાંટીયાભાંગી નાંખીશ. અહિ ધંધો કરવા જેવો નહિ રહેવા દઉ તેમ કહી ધમકવાતાં હું ગભરાઇ ગયો હતો. જેથી મેં ગભરાઇને ભંગારના ધંધાના રૂા. ૧૫ હજાર ગલ્લામાં હતાં તે કાઢીને રવિને આપી દીધા હતાં. એટલામાં મમારા પિતા રઉફભાઇ અને કાકા રીયાઝભાઇ ડેલે આવી જતાં મેં તેને વાત કરી હતી. બાદ હું અને મારા કાકા રીયાઝભાઇ રવિ પાસે મેં દીધેલા રૂપિયા પાછા લેવા અને રવિના પિતા સાથે વાત કરવા જતાં તેના માતા શાંતાબેને કહેલું કે અત્‍યારે રવિના પિતા બાબુભાઇ સુતા છે, જાગે એટલે તમારે ત્‍યાં મોકલીશ.

આ પછી સાંજે સાડા ચારેક વાગ્‍યે રવિના પિતા બાબુભાઇ લોખંડનો પાઇપ લઇ અમારા ડેલે આવેલા અને કહેલું કે-તું મારા દિકરાને પૈસા આપવાની કેમ ના પાડે છે? હું ભીમનગરનો આગેવાન છું, તમારે ધંધો કરવો હોય તો રૂપિયા આપવા જ પડશે તેમ કહી બાબુભાઇએ મને ગાળો દીધી હતી. આ વખતે મારા પિતા, કાકા પણ હોઇ તેણે બાબુભાઇને ગાળો બોલવાની ના પાડતાં બાબુભાઇએ ઉશ્‍કેરાઇ જઇ વધુ ગાળો દીધી હતી. ત્‍યાં રવિ, સુનિલ, બાબુભાઇના પત્‍નિ શાંતાબેન સહિતના ધોકા-પાઇપ-કાચની બોટલો સાથે આવ્‍યા હતાં અને અમારા ડેલા પર બોટલોના ઘા કર્યા હતાં. બાબુભાઇએ મને પાઇપનો ઘા મારી દીધો હતો. અમે ડરીને ડેલા અંદર પુરાઇ ગયા હતાં. દરમિયાન મારા માતા નસીમબેન આવી જતાં તેની સાથે શાંતાબેન અને ધારાબેને ઝપાઝપી કરી ફડાકા મારી દીધા હતાં. બાબુભાઇ જતાં જતાં પણ કહેતાં ગયા હતાં કે-હવે તમે ભંગારનો ડેલો ખોલ્‍યો છે તો જાનથી મારી નાંખશું. તેમ વધુમાં અરમાને જણાવ્‍યું હતુ.

સામા પક્ષે પણ એટ્રોસીટીની ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં તાલુકા પોલીસે નાના મવા મેઇન રોડ પર જય ભીમનગર-૮માં રહેતાં અને મજુરી કરી ગુજરાન ચલાવતાં રવિરાજ બાબુભાઇ વઘેરા (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી રઉફ ઉર્ફ મુન્‍નો ફુફાર, રીયાઝ, અરમાન, નસીમબેન વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

રવિરાજ વઘેરાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે અમારા વિસ્‍તારમાં રઉફ ઉર્ફે મુન્‍નો ફુફારનો ભંગારનો ડેલો આવેલો હોઇ જેથી હું તેને ઓળખુ છું. ૧૦મી તારીખે બપોરે અઢી ત્રણ આસપાસ હું ભીમનગર ગેઇટ-૨ના ખુણે રઉફ ઉર્ફે મુન્‍નાના ડેલાની બાજુમાં ઉભો હતો. આ વખતે રઉફ જાહેરમાં પેશાબ કરતો હોઇ જેથી મેં તેને આ રીતે પેશાબ કરવાની ના પાડતાં તે ઉશ્‍કેરાઇગયો હતો અને મારી સાથે ઝઘડો કરવા માંડયો હતો.  તેની પાસે છરી હોઇ કાઢીને મને મારવાની કોશિષ કરતાં તે વખતે જ મારા પિતાજી બાબુભાઇ આવી જતાં અમને છોડાવ્‍યા હતાં  અને મને ઘરે લઇ ગયા હતાં.

બાદમાં સાંજે ચારેક વાગ્‍યે રઉફ ઉર્ફે મુન્‍નાનો છોકરો અરમાન અમારા ઘરે આવ્‍યો હતો અને તમારે બાધવું હોય તો મારા ડેલે આવી જાજો તેમ કહેતાં મારા પિતાજી બાબુભાઇ અને મારો ભાઇ સુનિલભાઇ તથા માતા શાંતાબેન તેમજ લત્તાના માણસો સમાધાનની વાત કરવા તેના ડેલે ગયા હતાં.  આ વખતે રઉફ ઉર્ફે મુન્‍નો, તેનો ભાઇ રીયાઝ, પુત્ર અરમાન, પત્‍નિ નસીમબેન ત્‍યાં હાજર હતાં. રઉફના હાથમાં છરી અને રીયાઝના હાથમાં ધોકો તથા અરમાનના હાથમાં પાઇપ હતો. વાતચીત વચ્‍ચે ઉગ્રતા થઇ જતાં મુન્‍નાની પત્‍નિ નસીમબેને મારા માતા સાથે ઝપાઝપી કરી હતી. બાદમાં આ બધાએ અમારી જ્ઞાતિ વિરૂધ્‍ધ અપશબ્‍દો બોલી માવરા દોડતાં અમે ભાગીને અમારી શેરીના ખુણે પહોંચી જતાં આ લોકોએ અમારા પર સોડા બોટલોના ઘા કરતાં એક બોટલ દિવાલમાં અથડાઇ તુટીને મારા માતા શાંતાબેનના ડાબા કાન પર લાગી ગઇ હતી. તેમ વધુમાં રવિરાજે જણાવતાં તાલુકા પોલીસે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. તાલુકા પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એમ. એચ. મહારાજે બંને પક્ષની ફરિયાદ નોંધી હતી. એટ્રોસીટીના કેમસાં એસીપી વી. બી. જાડેજા વધુ તપાસ કરે છે.

(2:15 PM IST)