<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

દારૂની મહેફિલમાં મહત્‍વના મુદાઓને અવગણી, તથ્‍યો છૂપાવી આરોપીઓને મદદરૂપ થવા મુદે ફરજમાં બેદરકારીઃ કોંગ્રેસ

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર, વગદારો માટે કાયદો કેમ બને છે લાચાર?: કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી, રોહિત રાજપુત, અશોકસિંહ વાઘેલાની પોલીસ કમિશનરને રજુઆત

રાજકોટ તા.૨: રાજકોટના કાલાવાડ રોડ સ્‍થિત સરાઝા હોટલના બેન્‍કવેટ હોલમાં LCB દ્વારા કરવામાં આવેલી દારૂની મહેફિલની રેડ સમગ્ર રાજ્‍યમાં ચર્ચાનો વિષય બની છે. આ ઘટનામાં પોલીસની કામગીરી અને આરોપીઓને આપવામાં આવેલી ટ્રીટમેન્‍ટ અનેક શંકાઓ ઊભી કરે છે. સૌરાષ્‍ટ્ર ઝોન કોંગ્રેસ પ્રવક્‍તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્‍યું હતું કે, આરોપીઓને સિવિલ હોસ્‍પિટલ લઈ જતી વખતે તેમના મોઢા પર માસ્‍ક અને ખુરશીનાં કવર પહેરાવી ઓળખ છુપાવવાનો પ્રયાસ શા માટે કરવામાં આવ્‍યો? સામાન્‍ય નાગરિક કોઈ નાનો ગુનો કરે તો પોલીસ આરોપીને ઘૂંટણિયે બેસાડીને મીડિયા સામે વાહવાહી મેળવે છે, પરંતુ વગદાર બિલ્‍ડરો અને ઉદ્યોગપતિઓના કિસ્‍સામાં અલગ વ્‍યવહાર કેમ? પોલીસ પાસે છુપાવવા જેવું કંઈ ન હોય તો બેન્‍કવેટ હોલ અને સિવિલ હોસ્‍પિટલમાં બ્‍લડ સેમ્‍પલ લેવાની પ્રક્રિયાના CCTV ફૂટેજ જાહેર કરવામાં શું વાંધો છે?

આ ઉપરાંત, હોટલમાં રેડ દરમિયાન ACP કક્ષાના અધિકારીએ શરૂઆતમાં એક પણ દારૂની બોટલ મળી ન હોવાનું અને માત્ર ગ્‍લાસમાં દારૂ હોવાનું જણાવ્‍યું હતું, જ્‍યારે ત્‍યારબાદ DCP દ્વારા ૧૧ બોટલો મળી હોવાની વિગતો આપવામાં આવી હતી. આશરે ૧૦૦ લોકોની હાજરી વચ્‍ચે માત્ર ૧૧ બોટલનો મુદ્દામાલ દર્શાવવો, મહિલાઓ સામે એક પણ ફરિયાદ ન થવી અને મોંઘીદાટ લક્‍ઝુરિયસ ગાડીઓને મુદ્દામાલમાં ન દર્શાવવી જેવા મુદ્દાઓ તપાસની પારદર્શિતા સામે સવાલો ઊભા કરે છે. ૨૫ લિટરથી વધુ દારૂનો મુદ્દામાલ ન દર્શાવી આરોપીઓને કાયદાકીય રાહત મળે તેવો કોઈ પ્રયાસ થયો છે કે કેમ તેની નિષ્‍પક્ષ તપાસ થવી જોઈએ. ઘટનાસ્‍થળે રેડની કાર્યવાહી દરમિયાન અમુક કલાકો માટે વિજ પુરવઠો શા માટે બંધ કરી દેવામાં આવ્‍યો હતો? તે સહિતના મુદાની તપાસ કરી હોટલનું લાયસન્‍સ રદ કરવા સાથે માલિક વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ.

રોહિતસિંહ રાજપૂતે વધુમાં સવાલ ઉઠાવ્‍યો હતો કે, ગુજરાત પોલીસ અને ગળહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવીએ જનતાને જવાબ આપવો જોઈએ કે દારૂ પીનારાઓને પકડવા પોલીસ તાત્‍કાલિક પહોંચી જાય છે, પરંતુ દારૂ સપ્‍લાય કરતા મોટા બુટલેગરો અને સંગઠિત નેટવર્ક સુધી પોલીસ કેમ પહોંચી શકતી નથી? સરાઝા હોટલમાં ૧૦૦થી વધુ લોકોની હાજરીમાં દારૂની મહેફિલ યોજાઈ શકતી હોય તો આટલી મોટી માત્રામાં દારૂ આવ્‍યો કયાંથી, કોણે સપ્‍લાય કર્યો અને કયા માર્ગે ગુજરાતમાં પ્રવેશ્‍યો તેની તપાસ કેમ થતી નથી? માત્ર પાર્ટી કરતા લોકોને પકડીને વાહવાહી મેળવવાથી દારૂબંધી સફળ થવાની નથી. દારૂની સપ્‍લાય ચેઇન, મોટા સપ્‍લાયરો અને સરહદો પરની દેખરેખ અંગે જવાબદારી નક્કી થવી જોઈએ. ગેરકાયદેસર વેપારમાં હપ્તાવસૂલી કે સાંઠગાંઠ થતી હોવાની ફરિયાદો હોય તો તેની પણ નિષ્‍પક્ષ તપાસ થવી જોઈએ. દારૂ પીનારને પકડવો એ કાયદાકીય કાર્યવાહી છે, પરંતુ દારૂ બનાવનાર, સપ્‍લાય કરનાર અને સમગ્ર નેટવર્ક ચલાવનાર સુધી પહોંચવું એ જ દારૂબંધીની સાચી કસોટી છે.

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર રહી ગઈ છે, તો તેના નામે આટલો મોટો વહીવટી ખર્ચ અને ભ્રષ્ટાચાર શા માટે?. રોહિતસિંહ રાજપૂતે વધુમાં જણાવ્‍યું હતું કે, ગુજરાતના છેવાડાના ગામડાં સુધી દેશી દારૂથી લઈને મોંઘીદાટ વિદેશી દારૂની વિવિધ બ્રાન્‍ડ સરળતાથી ઉપલબ્‍ધ હોવાની વાસ્‍તવિકતાને નકારી શકાય તેમ નથી.

જો સરકાર દારૂબંધીનો અસરકારક અમલ કરાવી શકતી ન હોય તો આ નીતિ અંગે ખુલ્લી ચર્ચા કરી પુનર્વિચાર કરવો જોઈએ. દારૂબંધીના નામે ગેરકાયદેસર દારૂનું નેટવર્ક, પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચાર અને વહીવટી ખર્ચ સતત ચાલુ રહે તે કેટલું યોગ્‍ય છે?.

(3:34 PM IST)