<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

શાપરના ઇલાબેન નેનાને રાજકોટમાં પગના ઓપરેશન માટે દાખલ કરાયા બાદ મૃત્‍યુઃ ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ

૨૮મીએ બપોરે ઇન્‍જેક્‍શન અપાયા બાદ બેભાન થઇ ગયાઃ બીજી ખાનગી હોસ્‍પિટલમાં રીફર કરાયાઃ ત્‍યાં ગત મોડી રાતે દમ તોડી દીધોઃ મુળ ટોબરા-પ્રાંચીના પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૧: શાપર વેરાવળમાં રહેતાં મહિલાને પગના ઓપરેશન માટે રાજકોટની દોઢસો ફુટ રોડ પરની ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા બાદ તેમને એનેસ્‍થેસીયાનું ઇન્‍જેક્‍શન અપાયા પછી બેભાન થઇ જતાં અન્‍ય હોસ્‍પિટલમાં ખસેડાયા બાદ સારવારમાં મૃત્‍યુ થતાં મુળ   જુનાગઢના ટોબરા ગામના સોરઠીયા પ્રજાપતિ પરિવારજનોમાં ગમગીની વ્‍યાપી ગઇ છે. મૃત્‍યુનું ચોક્કસ કારણ જાણવા પરિવારજનોએ ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવવાની માંગણી કરી હતી.

જાણવા મળ્‍યા મુજબ શાપર વેરાવળ શાંતિધામ-૨ શેરી નં. ૬માં રહેતાં ઇલાબેન શૈલેષભાઇ નેના (ઉ.વ.૩૯)ને પગમાં દુઃખાવો થતો હોઇ રાજકોટની દોઢસો ફુટ રોડ પરની હોસ્‍પિટલમાં ઓપરેશન માટે દાખલ કરાયા બાદ ત્‍યાંથી બેભાન હાલતમાં અન્‍ય ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત મોડી રાતે મૃત્‍યુ થતાં પરિવારજનમાં કલ્‍પાંત સર્જાયો હતો. બનાવની જાણ થતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. પણ સ્‍વજનોએ મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવવાની રજૂઆત કરતાં પોલીસે તે મુજબની કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર ઇલાબેનને સંતાનમાં જુડવા દિકરો-દિકરી છે. પતિ શૈલેષભાઇ નેના કંપનીમાં નોકરી કરે છે. સગાએ જણાવ્‍યું હતું કે ઇલાબેનને પગમાં દુઃખાવો થતો હોઇ રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં બતાવ્‍યું હતું. અહિ નિદાન સારવાર બાદ પગમાં ઓપરેશન કરાવવું પડશે તેમ કહેવાતાં અમે ઇલાબેનને ૨૮મીએ સોમવારે સવારે દાખલ કર્યા હતાં. અહિ બપોરે તેમને એનેસ્‍થેસીયાનું ઇન્‍જેકશન અપાયું હતું. એ પછી તેઓ સાંજ સુધી ભાનમાં ન આવતાં રાતે અગીયારેક વાગ્‍યે બીજી ખાનગી હોસ્‍પિટલમાં રીફર કરાયા હતાં. અહિ સારવાર દરમિયાન ગત રાતે પોણા બાર પછી મૃત્‍યુ થયું હતું. ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ બાદ પોલીસ આગળ તપાસ કરશે.

(10:54 AM IST)