<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

હું પ્રસંગમાંથી નવરો પડુ પછી તારો વારો..ધમકી આપનાર બંટીએ સંતોષનો પગ ભાંગી નાંખ્‍યો

રૈયાધાર ઇન્‍દિરાનગરનો બનાવઃ યુનિવર્સિટી પોલીસે ફરિયાદ દાખલ કરી

રાજકોટ તા. ૨: રૈયાધાર વિસ્‍તારમાં આવેલ ઇન્‍દિરાનગરમાં રહેતા એક યુવક પર જૂની અદાવત રાખીને લોખંડના પાઇપ વડે હુમલો કરી પગ ભાંગી નાંખવામાં આવ્‍યો છે. આ યુવાનને હુમલાખોરે અગાઉ હું મારા પ્રસંગમાંથી નવરો થાવ પછી તારો વારો કાઢવો છે તેવી ધમકી દીધી હતી. હવે તેણે હુમલો કરી આ ધમકી સાચી ઠેરવી છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયાધાર હનુમાનજીના મંદિર પાસે ઇન્‍દિરાનગરમાં મજુરી કરી ગુજરાન ચલાવતાં સંતોષભાઈ નરશીભાઈ વાળા (ઉ. વ. ૨૭) નામના યુવાનની ફરિયાદ પરથી તેના જ વિસ્‍તારના બંટી સોલંકી વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. ફરિયાદ મુજબ રાત્રે નવેક વાગ્‍યે સંતોષભાઇ પોતાની શેરીમાં હતો ત્‍યારે બંટી સોલંકી નામનો શખ્‍સ ત્‍યાં આવ્‍યો હતો. બંટીએ સાથે લાવેલ લોખંડના પાઇપ વડે સંતોષભાઈ પર હુમલો કર્યો હતો અને આજે તારા ટાંટિયા ભાંગી નાખવા છે તેમ કહી જમણા પગના નળાના ભાગે જોરદાર ફટકો માર્યો હતો.

હુમલાખોર બંટી સોલંકી અને સંતોષભાઈ વચ્‍ચે અંદાજે એક વર્ષ પહેલા મારામારી થઈ હતી. ત્‍યારથી બંટી અવારનવાર સંતોષભાઈને જોઈને મોટરસાઈકલના હોર્ન વગાડી ઉશ્‍કેરણી કરતો હતો. આ પછી ગત ૨૭ એપ્રિલના રોજ પણ બંટીએ ફોન કરીને ધમકી આપી હતી કે તે પોતાના પ્રસંગમાંથી નવરો થઈને  ટાંટિયા ભાંગી નાખશે. આ ધમકી મુજબ જ હુમલો કરી પગ ભાંગી નાંખ્‍યો હતો. તબીબી તપાસમાં તેમના જમણા પગના નળાના ભાગે ગંભીર ફ્રેક્‍ચર હોવાનું બહાર આવ્‍યું હતું. તબિબે તત્‍કાળ ઓપરેશનની સલાહ આપી હતી. પીઆઇ સી. એન. દવેની રાહબરીમાં હેડકોન્‍સ. જી. એસ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:16 PM IST)