તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
સદર ખાટકીવાસમાં ભેંસોની ગેરકાયદે કતલઃ મહિલા સહિત ૮ પકડાયાઃ ૧૪૦૦ કિલો માંસ, રિક્ષા કબ્જે
પયુર્ષણ પર્વમાં કતલખાના બંધ રાખવાનું જાહેરનામુ હોવા છતાં બેખોફ કતલ કરતા હતાં : ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાને મળેલી માહિતી પરથી ડીસીબી, પ્ર.નગરના સ્ટાફે દરોડો પાડી રઝાક, ઇકબાલ, બનાન, ફીરોઝ, સાજીદ, હેમદ, કાસમ અને ઝરીનાબેન સામે ગુનો નોંધવામાં આવ્યો

રાજકોટ તા. ૧૦: હાલમાં પર્યુષણ પર્વ ચાલી રહ્યું હોઇ કતલખાના બંધ રાખવાનું જાહેરનામુ અમલી હોવા છતાં ભીલવાસ પાસે ખાટકીવાસમાં ઇગલ પેટ્રોલ પંપ નજીકની શેરીમાં ગેરકાયદેસર રીતે ભેંસ વંશના પશુઓની કતલ કરી માંસ વેંચવામાં આવી રહ્યું હોઇ પ્ર.નગર અને ડીસીબીની ટીમે દરોડો પાડી કાર્યવાહી કરી એક મહિલા સહિત ૮ સામે ગુનો નોંધી અટકાયતની તજવીજ કરી હતી. પોલીસને માંસનો જથ્થો પણ મળી આવ્યો હતો. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાને મળેલી માહિતીને આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો.
આ મામલે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક દિવ્યેશભાઇ દિનેશભાઇ જાદવની ફરિયાદ પરથી સદર બજાર ખાટકીવાસ ઇગલ પંપવાળી શેરીમાં રહેતાં રઝાક આમદભાઇ ખાટકી, ઇકબાલ ઇસ્માઇલભાઇ તરકબાણ, અંકુર સોસાયટી જંગલેશ્વરના બનાન હારૂનભાઇ લીંગડીયા, ખાટકીવાસના ફીરોઝ ફકીરમહમદ બેલીમ, સાજીદ મહમદભાઇ બેલીમ, હેમદ હુશેનભાઇ શેખ, કાસમ હુશેનભાઇ ચોૈહાણ અને ઝરીનાબેન જમાલભાઇ ચોૈહાણ વિરૂધ્ધ બીએનએસ અને પશુ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાની કલમો તેમજ પશુ સંરક્ષણ અધિનિયમ તથા પોલીસ કમિશનરના જાહેરનામાનો ભાંગ કરી પરમીટ આધાર વગર અલગ અલગ ત્રણ મકાનોમાં તથા મકાનની બહાર ભેંસ વંશના પશુઓની કતલ કરી વેંચાણ કરવા રાખવા અંગે ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે.
લોક રક્ષક દિવ્યેશભાઇ જાદવ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ પોલીસની ટીમે ખાટકી વાસ સ્થિત અલગ-અલગ ત્રણ મકાનો અને તેની બહાર આવેલા ખુલ્લા આંગણામાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી લોહીથી ખરડાયેલી હાલતમાં ભેંસ વંશના પશુઓના મળતદેહ, મસ્તક, ચામડા અને વેંચાણ માટે તૈયાર કરાયેલ માંસનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી જુદી જુદી જગ્યાએથી મળીને કુલ ૧૪૦૦ કિલોથી વધુ આશરે ૧૦૦-૧૫૦ કિલો, ૩૦૦ કિલો, અને બે જગ્યાએથી ૫૦૦-૫૦૦ કિલો પશુ માંસ જપ્ત કર્યું હતું. આ ઉપરાંત માસની ગેરકાયદે હેરફેર માટે વપરાતી લીલા અને પીળા રંગની સીએનજી ઓટો રિક્ષા નંબર જીજે૦૩બીયુ-૬૧૬૬ પણ કબજે કરવામાં આવી છે.
ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની સુચનાથી પીએસઆઇ કે. કે. ચાવડા, ડીસીબી પીએસઆઇ એ. એમ. પરમાર, વી. ડી. રાવલીયા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. પીઆઇ એમ. ડી. મકવાણાની રાહબરીમાં વધુ તપાસ પીએસઆઇ કે. કે. ચાવડા ચલાવી રહ્યા છે. હાલમાં પર્યુષણ પર્વ નિમીતે કતલખાના બંધ રાખવાનુ જાહેરનામુ હોઇ છતાં પણ આ તમામ પશુઓની કતલ કરી વેંચાણ કરતાં હોઇ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાને મળેલી બાતમી પરથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.
(2:28 PM IST)










