તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
સિવિલ હોસ્પિટલ ખાતે આધુનિક ઉપકરણો આઇઆઇટીવી અને સોનોગ્રાફી મશીનના લોકાર્પણ
ઓર્થોપેડિક વિભાગમાં નવીનત્તમ તબીબી સુવિધાઓનો ઉમેરો

રાજકોટઃ દર્દીઓને સમયસર, સચોટ અને ગુણવત્તાસભર સારવાર પૂરી પાડવાના હેતુથી રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં આજે નવીનતમ આઇઆઇટીવી મશીન તથા સોનોગ્રાફી મશીનનું વિધિવત્ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. કમલસિંહ ડોડીયા, પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડો. મોનાલી મકાડિયા, ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. શૈલેષ રામાવત, ર્નસિંગ સુપરિન્ટેન્ડન્ટ નિરવ દુધરેજિયા, પ્રકાશ પ્રજાપતિ, ઓટી ઇન્ચાર્જ સિસ્ટર નીતાબેન પટેલ તથા સિસ્ટર હંસાબેન સહિત તબીબી અને ર્નસિંગ સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો.
આઇઆઇટીવી મશીન હાડકાંની સર્જરી દરમિયાન શરીરના અંદરના ભાગોની રિયલ-ટાઇમ ઈમેજિંગ સુવિધા પુરી પાડશે, જેથી ઓપરેશન વધુ ચોકસાઈપુર્વક થઈ શકશે. જ્યારે સોનોગ્રાફી મશીન દર્દીઓની જરૂરી તમામ પ્રાથમિક તપાસ હોસ્પિટલમાં જ સમયસર અને સરળતાથી શકય બનશે. નવા સાધનોના આગમનથી દર્દીઓને બહારની ખાનગી લેબોરેટરી કે હોસ્પિટલ પર નિર્ભર રહેવું નહીં પડે. સમયસર સચોટ નિદાન થવાથી યોગ્ય સારવાર ઝડપથી શરૂ કરી શકાશે, જે દર્દીઓ અને તેમના પરિવારજનો માટે મોટો રાહતનો વિષય બનશે. આ સુવિધા માત્ર આધુનિક મશીનરીનો ઉમેરો નથી પરંતુ દર્દીઓના આરોગ્ય, સમય અને સુવિધાને કેન્દ્રમાં રાખીને સેવાઓ વધુ મજબૂત બનાવવાનો નમ્ર પ્રયાસ છે. પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ દ્વારા ‘દર્દી પ્રથમ'ની ભાવનાને સાકાર કરતી આ એક મહત્વપુર્ણ પહેલ છે. તેમ ડો. કમલસિંહ ડોડીયાએ જણાવ્યું હતું.
(3:03 PM IST)










