News of Wednesday, 6th May 2026
કિશોરાવસ્થામાં વધતી અપરાધવૃત્તિ અને જાતીય અપરિપક્વતાઃ મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ
શારીરિક પુખ્તતા વહેલી પણ માનસિક પરિપક્વતા મોડીઃ સગીરોમાં વધતા જઘન્ય ગુનાઓ પાછળ જવાબદાર પરિબળોનું પોસ્ટમોર્ટમ

રાજકોટ, તા. પઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા ૧૦ કેસ સ્ટડીઝના આધારે કિશોરોમાં વધતા અપરાધોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અહેવાલ મુજબ, વહેલી શારીરિક પુખ્તતા સામે માનસિક અપરિપક્વતા, સોશિયલ મીડિયાનો નકારાત્મક પ્રભાવ અને વાલીઓ સાથેના સંવાદના અભાવે ૧૨ થી ૧૫ વર્ષના સગીરો ગંભીર ગુનાઓ તરફ વળી રહ્યા છે. નૈતિક મૂલ્યોનું સિંચન અને યોગ્ય મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન જ આ સમસ્યાનું સમાધાન છે.
આજની યુવા પેઢી અને ખાસ કરીને ૧૨ થી ૧૬ વર્ષના કિશોરોમાં વધતી જતી ગુનાહિત પ્રવળત્તિઓ સમાજ માટે લાલબત્તી સમાન છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા ૧૦ જેટલા ચકચારી કિસ્સાઓનો ઊંડો અભ્યાસ કરીને એક હૃદયદ્રાવક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. આ સંશોધન દર્શાવે છે કે આધુનિક જીવનશૈલી, ડિજિટલ એક્સપોઝર અને ‘અર્લી પ્યુબર્ટી' (વહેલી શારીરિક પુખ્તતા) કિશોરોને ગુનાની ગર્તામાં ધકેલી રહ્યા છે.
સંશોધન દરમિયાન શાપર-વેરાવળ, પોરબંદર, અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં બનેલી ઘટનાઓનું પળથ્થકરણ કરવામાં આવ્યું. જેમાં ૧૨ થી ૧૫ વર્ષના કિશોરો દ્વારા આચરવામાં આવેલા જાતીય ગુનાઓ અને અપરિપક્વ વયે ગર્ભાવસ્થા જેવા કિસ્સાઓ મુખ્ય છે. મહારાષ્ટ્રના પુણેમાં યુટયુબ જોઈને જાતે ડિલિવરી કરવાનો પ્રયાસ કે જામનગરમાં મોબાઈલ ગેમ દ્વારા થયેલું શોષણ એ બાબતની સાબિતી આપે છે કે બાળકો માહિતીના ખોટાસ્ત્રોતનો ભોગ બની રહ્યા છે.
નિષ્ણાતોનું મંતવ્ય
મનોવિજ્ઞાન ભવનના પ્રો. ડો. યોગેશ એ. જોગસણ જણાવે છે કે, બદલાતા આહાર અને જીવનશૈલીને લીધે બાળકોમાં હોર્મોનલ ફેરફારો વહેલા થાય છે, પરંતુ સારા-નરસાનો વિવેક કરવાનું તેમનું મગજ હજુ વિકસિત હોતું નથી. આ ‘ગેપ' જ ગુનાખોરીનું મૂળ છે. બીજી તરફ, ડો. ધારા આર. દોશીના મતે, ઇન્ટરનેટ પર પોર્નોગ્રાફીની સરળ ઉપલબ્ધતા અને વાલીઓ સાથેના સંવાદના અભાવે કિશોરોમાં વિકળત કુતૂહલ જન્મે છે.
અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે માત્ર સજા કરવાથી ગુનાખોરી અટકશે નહીં. શાળાઓમાં ‘લાઈફ સ્કીલ એજ્યુકેશન' અને જાતીય શિક્ષણ વૈજ્ઞાનિક ઢબે આપવું અનિવાર્ય છે. વાલીઓએ બાળકોને મોંઘા ગેજેટ્સ આપવાને બદલે ‘ક્વોલિટી ટાઈમ' આપવો જોઈએ અને તેમના ડિજિટલ વ્યવહાર પર પ્રેમાળ દેખરેખ રાખવી જોઈએ.
(3:59 PM IST)










