<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

વાંકાનેરથી ૭.૮૨ લાખનું અફીણ લાવી સણોસરા-રાજકોટમાં વેંચે એ પહેલા ઇન્‍દુ ભુંડીયા ઝડપાયો

હુડકો ચોકડીથી ખોખડદડના પુલ તરફના સર્વિસ રોડ પર કાર આંતરી લેવાઇ : છુટક પડીકીઓ બનાવી વેંચાણ કરતોઃ અગાઉ પણ ખેપ મારી હતીઃ વાંકાનેરના સપ્‍લાયરનું નામ ખુલતાં શોધખોળઃ પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ અને ટીમ દ્વારા હરદેવસિંહ, યોગરાજસિંહ અને અનોપસિંહની બાતમી પરથી કામગીરી

રાજકોટ તા. ૨૦: માદક પદાર્થની હેરાફેરીનો વધુ એક વખત એસઓજીની ટીમે પર્દાફાશ કર્યો છે. રાજકોટના સણોસરાના ભરવાડ શખ્‍સને હુડકો ચોકડીથી ખોખડદડના પૂલ તરફ સર્વિસ રોડ પરથી કારમાં રૂા. ૭,૮૦,૫૦૦ના ૧ કિલો ૫૬૫ ગ્રામ અફીણ સાથે ઝડપી લેવાયો છે. વાંકાનેરના શખ્‍સ પાસેથી તે આ અફીણ લાવ્‍યાનું અને છુટક પડીકીઓ બનાવીને વેંચતો હોવાનું રટણ કરતો હોઇ તેની વિશેષ તપાસ  કરવા આજીડેમ પોલીસને સોંપાયો છે.

જાણવા મળ્‍યા મુજબ યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા સે નો ટુ ડ્રગ્‍સ ઝુંબેશ હેઠળ એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. હરદેવસિંહ, યોગરાજસિંહ અને કોન્‍સ. અનોપસિંહને બાતમી મળતાં હુડકો ચોકડથી ખોખડદડ નદીના પૂલ તરફના સર્વિસ રોડ પર વોચ રાખી આપા ટી સ્‍ટોલ નજીક એક અલ્‍ટો કારને આંતરી લેવાઇ હતી. આ કારમાં બેઠેલા શખ્‍સની પુછતાછ કરતાં પોતાનું નામ  ઇન્‍દુ જીવાભાઇ ભુંડીયા-ભરવાડ (ઉ.વ.૩૭) હોવાનું અને પોતે રાજકોટના સણોસરામાં રહી ડ્રાઇવીંગ કામ કરતો હોવાનું જણાવ્‍યું હતું.

આ શખ્‍સ પાસે માદક પદાર્થ હોવાની પાક્કી બાતમી હોઇ તલાશી લેતાં તેની પાસેથી શંકાસ્‍પદ પદાર્થ મળી આવ્‍યો હતો. એફએસએલ અધિકારી કે. એમ. તાવીયા પાસે આ પદાર્થની ચકાસણી કરાવતાં તે અફીણ હોવાનું ખુલ્‍યું હતું. પોલીસે રૂા. ૭,૮૨,૫૦૦નું અફીણ, અલ્‍ટો કાર, મોબાઇલ ફોન અને અફીણ જેમાં હતું તે કોથળીઓ કબ્‍જે કરી ઇન્‍દુ ભુંડીયા સામે એનડીપીએસ એક્‍ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ માટે આજીડેમ પોલીસને સોંપ્‍યો હતો.

પ્રાથમિક પુછતાછમાં ઇન્‍દુએ રટણ કર્યુ હતું કે વાંકાનેરના ઘોઘાજી નામના શખ્‍સ પાસેથી આ અફીણ લાવ્‍યો છે. પોતે અગાઉ પણ બે ત્રણ ખેપ મારી આવ્‍યાનું અને રાજકોટ, સણોસરા સહિતના બંધાણીઓને ૨૦-૨૦ ગ્રામની પડીકીઓ એક-એક હજાર રૂપિયામાં વેંચતો હોવાનું પણ રટણ કર્યુ હતું. જો કે તેની આ કેફીયત કેટલી સાચી છે? તેની વધુ તપાસ કરવા રિમાન્‍ડ મેળવવા આજીડેમ પોલીસ તપાસ કરશે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ, એએસઆઇ અરૂણભાઇ, વિરેન્‍દ્રસિંહ, હેડકોનસ. હરદેવસિંહ, યોગરાજસિંહ, છત્રપાલસિંહ, અનોપસિંહ, વિરભદ્રસિંહ, અજયસિંહ અને ડ્રા. કોન્‍સ. નિર્મળસિંહ તથા નરેશભાઇએ આ કામગીરી કરી હતી.

(3:42 PM IST)