તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
રોજગારી આપનારા ઉદ્યોગપતિઓ જ દેશનું અસલી ગૌરવ, સરકાર તમારી ભાગીદાર છે, શાસક નહીં
રાજકોટમાં ડો.મનસુખભાઇ માંડવિયાની સિંહગર્જના : એન્જિનિયરિંગ એસોસિએશન હોલમાં કેન્દ્રીય મંત્રીનું ધારદાર વક્તવ્યઃ ‘PMVBRY' અને ‘PMIS' યોજનાઓથી દેશ આખો ઇન્ડસ્ટ્રિયલ હબ બનશેઃ ડો. મનસુખભાઇ માંડવીયાએ ઉદ્યોગકારોની પીઠ થાબડી

રાજકોટઃગઈકાલે સાંજે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન હોલ ખાતે પોરબંદર લોકસભા ક્ષેત્રના ઉદ્યોગપતિઓ સાથે યોજાયેલા વિશેષ સંવાદમાં કેન્દ્રીય શ્રમ, રોજગાર અને રમતગમત મંત્રીશ્રી ડૉ. મનસુખભાઇ માંડવિયા પૂરેપૂરા ફોર્મમાં જોવા મળ્યા હતા. મંત્રીએ પોતાના વક્તવ્યની શરૂઆત જ ધમાકેદાર અંદાજમાં કરી હાજર રહેલા સૌ કોઈના દિલ જીતી લીધા હતા અને સ્પષ્ટ કર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતળત્વમાં સરકાર દેશના ઉદ્યોગકારો અને શ્રમિકોના હિત માટે કટિબદ્ધ છે.
પોતાના કડક અને સ્પષ્ટ વક્તવ્યમાં ડૉ. મનસુખ માંડવિયાએ ગર્જના કરતા જણાવ્યું હતું કે, ‘‘દેશમાં સંપત્તિ અને રોજગારનું સર્જન કરનારા આ મહાજનો (ઉદ્યોગપતિઓ) જ સાચા અર્થમાં દેશની પ્રગતિના એન્જિન છે. સરકાર તમારી કામગીરીમાં કોઈ અડચણ નહીં બને, પરંતુ એક મજબૂત પાર્ટનર તરીકે ઉભી રહેશે.''
વધુમાં, મંત્રાલયની નવી નીતિઓ અંગે બોલતા તેમણે ડો.મનસુખભાઇ માંડવીયાએ, ‘‘આજે વિપક્ષો ગમે તેટલો હોબાળો મચાવે, પણ અમે લાવેલા નવા લેબર રિફોર્મ્સ અને ‘PMVBRY' (પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના) તેમજ ‘PMIS' (પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ) ઉદ્યોગો માટે કરોડરજ્જુ સાબિત થશે. તેનાથી યુવાનોને સ્કીલ અને રોજગારી મળશે અને ઉદ્યોગપતિઓને સક્ષમ માનવબળ મળશે.''
‘‘ન્યાય અને સમાનતા જ ઉદ્યોગોના વિકાસનો પાયો છે. શ્રમિકોનું શોષણ ન થાય અને ઉદ્યોગપતિઓને ખોટી રીતે હેરાન ન થવું પડે, તેવી મજબૂત સિસ્ટમ અમે ઊભી કરી દીધી છે. હવે કોઈ આડોડાઈ કરશે તો તેને સાંખી લેવામાં નહીં આવે!''
તેમણે રાજકોટ અને સૌરાષ્ટ્રના ખમીરને બિરદાવતા કહ્યું કે અહીંના એન્જિનિયરિંગ ઉદ્યોગોએ વૈશ્વિક સ્તરે પોતાની તાકાત બતાવી છે. મંત્રીશ્રીના આ આક્રમક અને આત્મવિશ્વાસથી સભર વક્તવ્ય દરમિયાન આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. પ્રશ્નોત્તરી દરમિયાન પણ મંત્રીશ્રીએ કાગળિયા બાજુ પર મૂકીને વેપારીઓના પ્રશ્નોના સ્થળ પર જ સણસણતા અને હકારાત્મક જવાબો આપી વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી દીધી હતી.
આ હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમમાં લોકસભા વિસ્તારના ટોચના ઉદ્યોગપતિઓ, વિવિધ એસોસિએશનના પ્રમુખો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:38 PM IST)










