તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
‘ઇન્ડીકેટર' માંગતા ‘ઇનીંગ્સ' શરૂ થઇ : કારખાનેદાર સહિત બે ને કાર ચાલકે ક્રિકેટ બેટથી ધોઇ નાખ્યા
હરીધવા રોડ પર પટેલ ચોક પાસે રોડ પર બાકાજીકી : એકાએક કારવાળી લેતા કારખાનેદાર સાગરભાઇએ ‘ઇન્ડીકેટર તો મરાય ને' કહેતા કારચાલક વિક્રમે બેટ કાઢી લમધાર્યાઃ વિડીયો શુટીંગ કરતા ફોન પણ તોડી નાખતા ભકિતનગર પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા.૨૭: રાજકોટની ભાગોળે ખોખડદળ ગામ પ્લોટ વિસ્તારમાં રહેતા અને સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં શેરી નં.૪માં ખોખડદળ નદીના પુલપાસે આજી રીંગ રોડ પર વૃંદાવન નામે કારખાનુ ચલાવતા સાગરભાઇ વલ્લભાઇ ખુંટ (ઉ.વ.૩૨)ેતેના કારીગર અજયભાઇ માંડકણા સાથે બાઇક પર જઇ રહયા હતા ત્યારે હરીધવા રોડ પર પટેલ ચોક પાસે સાઇડ કાપી એકાએક ડાબીબાજુ વાળી લેનાર કાર ચાલકને ઇન્ડીકેટર બાબતે સમજાવતા ઉશ્કેરાઇ બને પર બેટ વડ હુમલો કરી અજયભાઇનો ફોન તોડી નાખ્યાની ભકિતનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
સાગરભાઇ ખુંટ (ઉ.વ.૩ર) એ આ મામલે કાર ચાલક વિક્રમ રબારી સામે ભકિતનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ કે, ગઇકાલે સાંજે તે તેના કારીગર અજયભાઇ સાથે બાઇક લઇને કારખાનેથી આહીર ચોક પાસે જલારામ હાર્ડવેરમાં માલ લેવા માટે જઇ રહ્યા હતા ત્યારે હરી ધવા રોડ પર પટેલ ચોક પાસે કારના ચાલકે તેની બાજુમાંથી નિકળી એકાએક ડાબી બાજી વાળી લેતા તેનું બાઇક કાર સાથે અથડાતા રહી ગયુ હતું.
જેથી તેણે હાથ ઉંચો કરી ‘ઇન્ડીકેટર તો મરાયને' કહેતા ચાલકે કાર ઉભી રાખી' શું કહેશ તું?' તેમ કહેતા તેને ફરી ‘ઇન્ડીકેટર તો મરાયને ભાઇ પાછળ કોઇક આવતુ હોય અડી જાય' તેમ કહેતા કાર ચાલકે ‘મારે ઇન્ડીકેટર મારવું હોય તો મારૂ' તેમ કહી બોલચાલી કરી કારની પાછળ ડેકીમાંથી ક્રિકેટનું બેટ કાઢી બેટના બે ઘા ઝીંકી દીધા હતા. તેણે સાથેના કારીગર અજયભાઇને વિડીયો ઉતરવાનું કહેતા તેણે ફોનમાં વિડીયો શુટીંગ શરૂ કરતા તેને પણ કાર ચાલકે બેટના ત્રણેક ઘા ઝીંકી દેતા હાથમાંથી ફોન પડી ગયો હતો. તેને બેટથી તોડી નાખ્યો હતો. ઘટનાને પગલે લોકો એકઠા થઇ જતા ચાલક ત્યાંથી કાર લઇને જતા રહ્યો હતો. આ ઘટનામાં તેને ડાબા ખંભે અને કોણીના ભાગે જયારે તેના કારીગર અજયભાઇને જમણા હાથ, માથામાં અને વાસામાં ઇજા થઇ હતી. ત્યારબાદ તેમણે કાર નંબરના આધારે માહિતી મેળવતા ચાલક વિક્રમ રબારી હોવાનું જાણવા મળતા અંતે ફરીયાદ નોંધાવી હતી.
ભકિતનગર પોલીસના પીઆઇ જે. ડી. પરમારની રાહબારીમાં પીએસઆઇ વી. એલ. રાઠોડે આ મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે
(2:13 PM IST)










