<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

શહેરના ૮૮ કોન્‍સ્‍ટેબલ, હેડકોન્‍સ્‍ટેબલ, અને એએસઆઇની આંતરિક બદલી

એસઓજી, ક્રાઇમ બ્રાંચ, પીસીબીના કોઇપણ કર્મચારી સામેલ નથી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ બદલીનો ઘાણવો કાઢયો

રાજકોટ તા. ૨૯:  શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ બદલીનો ઘાણવો કાઢી શહેરના પોલીસ સ્‍ટેશનોમાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવતાં ૮૮ કર્મચારીઓની અરસ પરસ બદલી કરી છે. આંતરિક બદલીઓમાં કોન્‍સ્‍ટેબલથી માંડી એએસઆઇ સુધીના કર્મચારીઓ સામેલ છે. હોસ્‍પિટલ પોલીસ ચોકી સહિતના સ્‍ટાફનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો છે.

 શહેર પોલીસ કમિશનર દ્વારા તાજેતરમાં ૪૯ પોલીસ કર્મચારીઓની હેડ ક્‍વાર્ટર ખાતે બદલી કરવામાં આવી હતી અને હેડક્‍વાર્ટરના કર્મચારીઓને અલગ અલગ ડીવીઝનો, ટ્રાફિક બ્રાંચમાં મુકાયા હતાં. હવે એક સાથે ૮૮ કર્મચારીઓની આંતરીક બદલીનો ઘાણવો કાઢયો હતો. પોલીસ કમિશનરર બ્રજેશકુમાર ઝા દ્વારા છેલ્લા ચાર વર્ષ કે તેથી વધુ સમયથી એક જ પોલીસ મથકમાં ફરજ બજાવી રહ્યા હોય તેવા તમામ કર્મચારીઓની યાદી તૈયા કરાવાઇ હતી અને તેમની બદલીનો ઘાણવો કાઢી તમામને તાકીદે બદલીના સ્‍થળે હાજર થવા આદેશ કર્યો હતો.

૮૮ કર્મચારીઓની બદલી થઇ તેમાં પોલીસ કોન્‍સ્‍ટેબલ, પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ અને એએસઆઈ પણ સામેલ છે. આ તમામ કર્મચારીઓને અલગ-અલગ પોલીસ સ્‍ટેશનોમાં નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. શહેરમાં પોલીસ કર્મચારીઓની બદલીનો આ સિલસિલો નવો નથી. આ પહેલાં પણ ડિસિપ્‍લિનરી એક્‍શન અને વહીવટી સુધારાના ભાગરૂપે ૪૯ પોલીસ જવાનોને તાત્‍કાલિક અસરથી  હેડ ક્‍વાર્ટરમાં બદલી કરી દેવામાં આવ્‍યા હતા. અગાઉની આ મોટી કાર્યવાહી બાદ હવે વધુ ૮૮ કર્મચારીઓની બદલી ગઈકાલે કરવામાં આવી હતી. જો કે જે બદલીઓ થઇ છે તેમાં માત્ર પોલીસ સ્‍ટેશનો, ટ્રાફિક બ્રાંચના કર્મચારીઓ જ સામેલ છે. એસઓજી, ક્રાઇમ બ્રાંચ, પીસીબીના કોઇપણ કર્મચારીઓની બદલીઓ થઇ નથી.

(3:07 PM IST)