<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

શ્રી ગિરિરાજ હોસ્‍પિટલ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશેઃ રાજકોટમાં યોજાશે વિશાળ સમૂહ યોગ કાર્યક્રમ

આત્‍મીય યુનિવર્સિટી, ઈશા ફાઉન્‍ડેશન, આઈએમએ અને રોટરી ક્‍લબના સંયુક્‍ત ઉપક્રમે ૨૧ જૂને આત્‍મીય કેમ્‍પસ ખાતે નિઃશુલ્‍ક આયોજનઃ ‘ઈલનેસ કેરથી વેલનેસ કેર' તરફ આગળ વધવાનું વિઝનઃ ૫૦૦થી વધુ ભાઈ-બહેનો ભાગ લેશે

રાજકોટઃ ઉજ્જવળ ભારતના સ્‍વપ્નદ્રષ્ટા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ ભારતના ગર્ભમાં છુપેલા યોગ વિષે દુનિયાને જાગૃત કરી અને દેશ તેમજ દુનિયાને ૨૧ જૂને યોગ દિવસ તરીકે મનાવવાનું આહવાન કર્યું હતું. વડાપ્રધા શ્રીની આ પ્રેરણાથી ત્‍યારથી સમગ્ર વિશ્વમાં ‘યોગ ડે' ખુબ જ ભવ્‍યતાથી ઉજવવામાં આવે છે.

આ જ ઉપલક્ષમાં રાજકોટની ગિરિરાજ હોસ્‍પિટલ દ્વારા ‘‘સર્વાંગી સુખાકારી માટે યોગ'' થીમ પર અને From Illness Care to Wellness Care ના વિઝન સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્‍ય ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્‍યું છે.

આ ઉજવણી અંતર્ગત આત્‍મીય યુનિવર્સિટી, ઈશા ફાઉન્‍ડેશન, ઇન્‍ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) તેમજ રોટરી મેઈન, રોટરી પ્રાઈમ, રોટરી રોયલ, રોટરી ગ્રેટર, રોટરી મીડટાઉન અને રોટરી મેટ્રોના સંયુક્‍ત ઉપક્રમે આત્‍મીય યુનિવર્સિટી કેમ્‍પસ ખાતે એક વિશાળ સમૂહ યોગ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્‍યું છે. Yoga for Well-being  Balance Mind, Body & Emotions થીમ આધારિત આ કાર્યક્રમનો મુખ્‍ય હેતુ સમાજને બીમારીની સારવારથી મુક્‍ત કરી પ્રિવેન્‍ટિવ હેલ્‍થકેર એટલે કે સર્વાંગી સુખાકારી તરફ દોરી જવાનો હોવાનું આગેવાનોએ જણાવ્‍યું હતું.

અત્‍યારના આધુનિક સમયમાં ખરાબ વાતાવરણ અને બદલાયેલા ખાન-પાનના કારણે ડાયાબિટીસ, હૃદયરોગ, બ્‍લડપ્રેશર, સ્‍થૂળતા અને માનસિક તણાવ જેવી ગંભીર સમસ્‍યાઓ ખૂબ ઝડપથી વધી રહી છે. આવા કટોકટીના સમયમાં યોગ માત્ર એક શારીરિક વ્‍યાયામ નથી, પરંતુ તે શરીર, મન અને ભાવનાઓ વચ્‍ચે અદભુત સંતુલન સ્‍થાપિત કરતું એક વૈજ્ઞાનિક સાધન સાબિત થયું છે. દૈનિક યોગ કરવાથી જીવનના વ્‍યવહારિક કામો ખુબ જ સરળતાથી અને કોઈપણ શારીરિક અડચણ વગર સંભવ બને છે, તેમજ નિયમિત યોગ દીર્ઘાયુષ્‍ય માટે આશીર્વાદ સમાન છે. આ જ કલ્‍યાણકારી સંદેશને સમાજ સુધી પહોંચાડવા માટે આ વિશાળ યોગ અભિયાન શરૂ કરાયું છે.

ઉલ્‍લેખનીય છે કે, આ કાર્યક્રમની મુખ્‍ય આયોજક ગિરિરાજ હોસ્‍પિટલ સતત ૧૮ વર્ષથી દરિદ્રનારાયણ દર્દીઓની સેવામાં નિષ્ઠાપૂર્વક તત્‍પર રહી છે. હવે આધુનિકતા તરફ કદમ વધારી રહેલી આ હોસ્‍પિટલ લોકોને જીવનભર 'ફિટ અને ફાઈન' રાખવાના મંત્ર સાથે પ્રિવેન્‍ટિવ હેલ્‍થકેર, વેલનેસ, યોગ અને સ્‍વસ્‍થ જીવનશૈલીને પ્રોત્‍સાહન આપી સમાજના સર્વાંગી આરોગ્‍ય માટે એક નવી પહેલ તરફ આગળ વધી રહી છે.

ઈશા ફાઉન્‍ડેશન દ્વારા ખાસ ડિઝાઇન કરાયેલો આ કાર્યક્રમ સમાજના દરેક વર્ગ જેવા કે વિદ્યાર્થીઓ, ડોક્‍ટર્સ, હેલ્‍થકેર પ્રોફેશનલ્‍સ, શિક્ષકો, ઉદ્યોગ કર્મચારીઓ, ગૃહિણીઓ, વરિષ્ઠ નાગરિકો અને તમામ સામાન્‍ય નાગરિકો માટે આયોજિત કરવામાં આવ્‍યો છે. કાર્યક્રમ તા.૨૧ જૂન,  રવિવાર સવારે ૬ થી ૭ વાગ્‍યા દરમિયાન આત્‍મીય યુનિવર્સિટી કેમ્‍પસ, રાજકોટ ખાતે યોજાશે. જે નિઃશુલ્‍ક હોવાનું જણાવાયું છે.

આ યોગ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ નાગરિકોને પ્રોત્‍સાહન રૂપે ટી-શર્ટ પણ એનાયત કરવામાં આવશે. આ વિશાળ યોગ શિબિરમાં જોડાવા અથવા વધુ માહિતી મેળવવા માટે ઈચ્‍છુકો મો.૭૬૦૦૦ ૭૫૬૭ર્૫ં પર સંપર્ક કરવા જણાવાયું છે.તસ્‍વીરમાં ડો.મયંક ઠક્કર (ગિરીરાજ હોસ્‍પિટલ), ગૌરાંગ ઠક્કર (ગીરીરાજ હોસ્‍પિટલ), મહેશભાઇ પરમાર (રોટરી પ્રાઈમ), જીગ્નેશભાઈ રાઠોડ (આત્‍મીય યુનીવર્સિટી), શૈલેષભાઈ ગોરી (રોટરી મીડટાઉન), ટ્‍વીંકલ મહેતા (રોટરી મીડટાઉન), મીનલબેન રાજગુરુ (ઈશા ફાઉન્‍ડેશન), ધીરેન પટેલ (ઈશા ફાઉન્‍ડેશન), નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:18 PM IST)