<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

રાજકોટના જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચમાં ગેરરીતિઃ અધિકારી ઉનાવા સસ્પેન્ડ

અંતે તપાસ રિપોર્ટ જાહેરઃ ડો. જયેશ વકાણી સહિત બે અધિકારીઓ સામે ખાતાકીય તપાસઃ એજન્સીઓના રૂ.૧૮ લાખથી વધુના બિલમાં કપાત, રૂ.૨ લાખથી વધુની રિકવરી

રાજકોટઃ જંગલેશ્વરમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલિશનની કામગીરી પાછળ થયેલા ખર્ચમાં ગેરરીતિ અને વહીવટી પ્રક્રિયામાં ક્ષતિઓ સામે આવતાં અંતે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા જવાબદારો સામે શિસ્તભંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

તપાસ રિપોર્ટના આધારે સાંસ્કૃતિક વિકાસ વિભાગના અધિકારી ઉનાવાને ફરજમોકૂફ કરવામાં આવ્યા છે. જ્યારે આરોગ્ય વિભાગના અધિકારી ડો. જયેશ વકાણી તથા સેન્ટ્રલ વર્કશોપ વિભાગના અધિકારી સામે ખાતાકીય તપાસ હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે.

 

ડિમોલિશન દરમિયાન ચા-નાસ્તો, ભોજન, પાણી, પેસેન્જર વાહનો, ઇલેક્ટ્રિક કામગીરી, એલ.ઈ.ડી. ટીવી, મંડપ, વીડિયોગ્રાફી અને ડ્રોન સહિતની કામગીરીના ખર્ચની તપાસમાં વિવિધ ક્ષતિઓ સામે આવી છે.

 

દોશી ઇલેક્ટ્રિક, ગ્લોબલ કોમ્યુનિકેશન, ઉમિયાજી મંડપ, બાલાજી વીડિયો અને એન.પી. વીડિયો સહિતની એજન્સીઓ સામે બિલમાં કપાત તથા રિકવરીની કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. રૂ.૧૮ લાખથી વધુની રકમના બિલમાં કપાત અને રૂ.૨ લાખથી વધુની રિકવરી કરવામાં આવશે.

(5:01 PM IST)