તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા ૨૪મી જગન્નાથ રથયાત્રાની પુરજોશમાં તૈયારી
૧૬મીએ ગુરુવારે સાંજે ૪ વાગે ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાની સાથે નગરચર્યાએ નીકળશેઃ ગામેગામ રથયાત્રાનું આયોજન

રાજકોટ : આ વર્ષે ૧૬મી જુલાઈએ અષાઢી બીજ આવે છે. ઇસ્કોન મંદિર દ્વારા વર્ષ ૨૦૦૩ થી દર વર્ષે ભગવાન શ્રી શ્રી જગન્નાથ, બળદેવ, સુભદ્રાને નગરચર્યાએ નીકાળવામાં આવે છે અને શહેરભરમાં રથયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે પણ ઇસ્કોન મંદિર દ્વારા શહેરભર ખુબજ ઉત્સાહ અને ભકિતભાવ પૂર્વક ૨૪મી રથયાત્રા કાઢવામાં આવશે.
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ખૂબ જ અનેરું મહત્વ છે સામાન્ય રીતે ભકતો ભગવાનના દર્શન કરવા માટે મંદિરે જતા હોય છે પરંતુ ભગવાન જગન્નાથજી એટલા દયાળુ છે કે તેઓ ભકતોને દર્શન આપવા માટે સ્વયં શહેરના માર્ગોમાં ભ્રમણ કરે છે અને ભકતોને દર્શન આપે છે.
આ અંગે વધુ માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે, આ વર્ષે ૧૬મી જુલાઈના ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસથી ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા રથયાત્રા કાઢવામાં આવશે. રથયાત્રા બપોરે ૪ કલાકે રામકૃપા ડેરી કોટેચા ચોક ખાતેથી શરુ થશે અને યુનિવર્સીટી રોડ પર ઇન્દિરા સર્કલ, પંચાયત ચોક, આકાશવાણી ચોક, જે કે ચોક થઇ કાલાવડ રોડ પર એજી ચોક, જડ્ડુસ સર્કલથી રંગોલી પાર્ક ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસેથી પસાર થઇને જીનિયસ રોડ પાસેથી ઇસ્કોન મંદિરે આવશે. રાત્રે ૮ વાગે રથયાત્રાના સમાપન બાદ સૌ દર્શનાર્થીઓ માટે મંદિરે ભંડારા પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.
ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા છેલ્લા થોડા વર્ષથી એક નવી પહેલ શરુ કરાઈ છે જે અંતર્ગત ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા સૌરાષ્ટ્રભરના વિવિધ શહેરોમાં ભગવાનની રથયાત્રા કાઢવામાં આવે છે. જેમાં રાજકોટ મંદિર સ્થિત જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રાજીને વિવિધ શહેરોમાં લઈ જઈને ભગવાનની રથયાત્રા કાઢવામાં આવે છે. જેમાં દ્વારકા, સોમનાથ, જુનાગઢ, પોરબંદર અને ખંભાળિયામાં તો ઘણા વર્ષોથી આ અભિગમ અંતર્ગત રથયાત્રા નીકળે છે. પરંતુ આ વર્ષે પ્રથમ વખત ગોંડલ અને જેતપુર આ બે શહેરોમાં પણ રથયાત્રા નીકળશે.
૧૬ જુલાઈ - રાજકોટ, ૧૭ જુલાઈ - ખંભાળિયા, ૧૮ જુલાઈ - પોરબંદર, ૧૯ જુલાઈ - દ્વારકા, ૨૧ જુલાઈ - સોમનાથ, ૨૨ જુલાઈ - જૂનાગઢ, ૨૩ જુલાઈ - જેતપુર, ૨૪ જુલાઈ - ગોંડલથી રથયાત્રા નીકળશે.
રાજકોટ શહેરમાં રથયાત્રા દરમિયાન શહેરભરના ભકતજનોને પ્રસાદ મળી રહે તે હેતુથી મંદિર દ્વારા આશરે પાંચ હજાર કિલો બુંદીના એક લાખ જેટલા પેકેટ બનાવવામાં આવશે. જેનું રથયાત્ર દરમિયાન શહેરભરમાં વિતરણ કરવામાં આવશે. આ માટે બુંદી પેકિંગની સેવા પણ ત્રણ ચાર દિવસ પહેલા શરૂ થઈ જશે. ધર્મપ્રેમીજનોને રથયાત્રામાં જોડાવવા તેમજ સાંજે ભંડારા પ્રસાદનો લાભ લેવા પણ નિમંત્રણ અપાયું છે.
(3:57 PM IST)










