તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
નોકરીમાંથી કાઢી મુકાતાં વેરાવળના ઇસ્માઇલે જુનાગઢ રેલ્વે સ્ટેશને આવી મુસાફરનો થેલો ચોર્યોઃ ધરપકડ
રાત્રીના સમયે પ્લેટફોર્મ પર સુતેલા મુસાફરનો થેલો ઉઠાવી બાથરૂમમાં લઇ જઇ રોકડ, દાગીના, ફોન કાઢી થેલો મુકી દીધો'તો રાજકોટ રેલ્વે એલસીબીના પીએસઆઇ જે. એમ. પરમાર અને ટીમને સફળતાઃ હેડકોન્સ. પૃથ્વીરાજસિંહ અને કોન્સ. ભુપતભાઇની બાતમીઃ રૂા. ૧.૩૬ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૨૨: જુનાગઢ રેલ્વે સ્ટેશનમાં દ્વારકા જવા માટે ટ્રેનની રાહ જોઇ રહેલા યાત્રીઓ રાત્રીના પ્લેટફોર્મ પર સુતા હોઇ તેમના થેલાની કોઇએ ચોરી કરી તેમાંથી સોનાનો ચેઇન, વીંટી, મોબાઇલ ફોન અને રોકડ મળી રૂા. ૧,૩૬,૩૪૦ની મત્તા ચોરી લીધી હતી. આ ગુનાનો ભેદ રાજકોટ રેલ્વે એલસીબી રાજકોટની ટીમે ઉકેલી ગીર સોમનાથના વેરાવળ ખાતે ગરીબ નવાઝ કોલોનીમાં રહેતાં ઇસ્માઇલ ઇકબાલભાઇ તુરક (ઉ.વ.૨૩)ને ઝડપી લઇ તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે.
જુનાગઢ રેલ્વે સ્ટેશન પર રાત્રીના સુતેલા દ્વારકાના મુસાફર મહિલાનો થેલો ચોરાઇ ગયો હતો. આ થેલો બાદમાં રેલ્વે સ્ટેશનના બાથરૂમમાંથી મળી આવ્યો હતો. પણ તેમાંથી રોકડ, દાગીના, મોબાઇલ ફોન સહિતની માલમત્તા ગાયબ હતી. રેલ્વે એલસીબી પીઆઇ જે. આર. દેસાઇએ ગુનો ઉકેલવા સુચના આપતાં રાજકોટ રેલ્વે એલસીબીના પીએસઆઇ જે. એમ. પરમાર અને ટીમે તપાસ શરૂ કરી હતી. રેલ્વેના કોચમાં આવેલા સીસીટીવી ફુટેજ ચેક કરતાં એક શકમંદ નજરે ચડતાં તેના આધારે તપાસ કરી આ શખ્સને વેરાવળ ગરીબ નવાઝ કોલોનીમાંથી પકડી લીધો હતો. પુછતાછમાં તેણે પોતાનું નામ ઇસ્માઇલ ઇકબાલભાઇ તુરક (ઉ.વ.૨૩) જણાવ્યું હતું.
પોલીસે તેની આકરી પુછતાછ કરતાં તેણે થેલામાંથી ચોરેલો રૂા. ૮૦૭૩૦નો ચોરાઉ ચેઇન, રૂા. ૪૭૬૧૦ની સોનાની વીંટી, રૂા. ૫ હજારનો મોબાઇલ ફોન અને ૩૦૦૦ રોકડા મળી કુલ રૂા. ૧,૩૬,૩૪૦ કબ્જે કર્યા હતાં અને આરોપીને જુનાગઢ રેલ્વે પોલીસને સોંપ્યો હતો.
ઝડપાયેલો ઇસ્માઇલ અગાઉ વાહન ચોરીમાં પકડાયો હતો. તે અગાઉ વેરાવળ જીઆઇડીસીમાં કારખાનામાં મજૂરી કરતો હતો. પણ કોઇ કારણોસર તેને કાઢી મુકાતાં પૈસાની ખેંચ ઉભી થઇ હોઇ જુનાગઢ રેલ્વે સ્ટેશને આવી મુસાફરના થેલામાંથી ચોરી કરી હતી. સુતેલા મુસાફરનો થેલો ઉઠાવી બાથરૂમમાં લઇ ગયો હતો અને તેમાંથી રોકડ, દાગીના, મોબાઇલ કાઢી લઇ થેલો રેઢો મુકી દીધો હતો. રેલ્વેના પોલીસ મહાનિર્દેશક કે. એન. ડામરો, પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાની સુચના અને પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં રાજકોટ રેલ્વે એલસીબીના પીએસઆઇ જે. એમ. પરમાર, એએસઆઇ હરપાલસિંહ સરદારસિંહ, બલભદ્રસિંહ રણજીતસિંહ, હેડકોન્સ. પૃથ્વીરાજસિંહ જયવંતસિંહ, કોન્સ. ભુપતભાઇ કાનાભાઇ, જયેશભાઇ નાથાભાઇ, દિવ્યરાજસિંહ વાઘુભા, શૈલેષભાઇ લાલજીભાઇએ આ ગુનો ઉકેલ્યો હતો. જેમાં આરપીએફ ભાવનગરના પીઆઇ નાસીર હુશેન, એએસઆઇ કનુભાઇ, હેડકોન્સ. જગદીશભાઇની ટીમે પણ મદદ કરી હતી.
(1:32 PM IST)










