News of Monday, 16th November 2026
‘કોઇનો વાંક નથી, કંટાળી ગઇ છું, મારી અંતિમવિધી મમ્મીના ઘરે કરજો': ચિઠ્ઠી લખી રીન્કલબેનનો આપઘાત
ઝેરી ટીકડીઓ પી જીવ દીધોઃ ૧૫૦ રીંગ રોડ શીતલપાર્ક પાસે શહિદ ભગતસિંહ ટાઉનશીપમાં બનાવઃ માસુમ પુત્ર મા વિહોણો થયોઃ પતિ હિતેષભાઇ વડાલીયા જામટીંબડી ગામે ખેતીવાડી ધરાવે છેઃ રીન્કલબેન ફાયનાન્સ પેઢીમાં નોકરી કરી મદદરૂપ થતાં : ૧૫ નવેમ્બર ૨૦૨૫ના રોજ રીન્કલબેનના સગા મોટા બહેન તૃષાબેનની નાગેશ્વરમાં તેણીના પતિએ હત્યા કરી હતી, ૧૫ નવેમ્બર-૨૦૨૬ના રોજ રીન્કલબેને મોટા બહેનની પ્રથમ પૂણ્યતિથીના દિવસે જ આત્મહત્યા કરી લીધી!

રાજકોટ તા. ૧૬: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર શીતલ પાર્ક નજીક ઝૂડીયો શો રૂમવાળી શેરીમાં શહિદ ભગતસિંહ ટાઉનશીપમાં રહેતી પરિણીતાએ ઝેરી ટીકડીઓ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરશંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આપઘાત પુર્વે તેણીએ એક ચિઠ્ઠી લખી હતી. જેમાં લખ્યું હતું કે-આમાં કોઇનો વાંક નથી, હું કંટાળી ગઇ છું એટલે જાતે પગલુ ભરુ છું, મારી અંતિમવિધી મારા મમ્ીના ઘરે કરજો. પોલીસે ચિઠ્ઠી કબ્જે કરી તપાસ યથાવત રાખી હતી. આપઘાતનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પોલીસના કહેવા મુજબ એક વર્ષ પહેલા આ પરિણીતાના મોટા બહેનની નાગેશ્વરમાં તેણીના પતિએ હત્યા કરી હતી અને પોતે આપઘાત કર્યો હતો. મોટા બહેનની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથીના દિવસે જ તેણીએ આ પગલુ ભર્યુ હતું.
જાણવા મળ્યા મુજબ શહિદ ભગતસિંહ ટાઉનશીપમાં રહેતી રીન્કલબેન હિતેષભાઇ વડાલીયા-પટેલ (ઉ.વ.૩૫) નામના પરિણીતાએ રાતે નવેક વાગ્યે ઘરે ઘઉંમાં રાખવાની ટીકડીઓ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ટુંકી સારવારને અંતે તેણીનું મોડી રાતે મૃત્યુ થયું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. સી. જે. ઝાલાએ કરતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એએસઆઇ જયદિપસિંહ જાડેજાએ હોસ્પિટલ ખાતે અને ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
આપઘાત કરનારા રીન્કલબેનના માવતર જેતપુર રહે છે. તેણીના લગ્ન બાર વર્ષ પહેલા હિતેષભાઇ વડાલીયા સાથે થયા હતાં. સંતાનમાં અગીયાર વર્ષનો એક દિકરો છે. પતિ હિતેષભાઇ વડાલીયા ઉપલેટાના જામટીંબડી ગામે ખેતીવાડી ધરાવે છે. રીન્કલબેન પોતે ફાયનાન્સ કંપનીમાં નોકરી કરી પતિને મદદરૂપ થતાં હતાં. રાતે નવેક વાગ્યે ઘટના બની ત્યારે પતિ હાજર નહોતાં. બાદમાં જાણ થતાં તેઓ આવી પહોંચ્યા હતાં.
પોલીસે તપાસ કરતાં આપઘાત પુર્વે રીન્કલબેને લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેમણે લખ્યું છે કે-આમાં કોઇનો વાંક નથી, હું કંટાળી ગઇ છું, મારા દિકરાનું ધ્યાન રાખજો, બધા હળીમળીને રહેજો, મને કોઇનો દુઃખ ત્રાસ નથી. મારી અંતિમવિધી મારા મમ્મીના ઘરે કરજો. પોલીસે આ ચિઠ્ઠી કબ્જે કરી તપાસ યથાવત રાખી હતી. પોલીસ સુત્રોના કહેવા મુજબ એક વર્ષ પહેલા ૧૫ નવેમ્બર-૨૦૨૫ના રોજ આપઘાત કરનારા રીન્કલબેનના મોટા બહેન તૃષાબેનની નાગેશ્વર સોસાયટીમાં તેણીના પતિ લાલજીભાઇ પઢીયારે હત્યા કરી હતી, બાદમાં લાલજીભાઇએ પણ આપઘાત કરી લીધો હતો. ૧૫મીએ આ મોટા બહેનની પૂણયતિથીના દિવસે જ રીન્કલબેને આ પગલુ ભર્યુ હતું. બહેનના વિયોગમાં તો પગલુ ભર્યુ નથી ને? તે અંગે પણ તપાસ કરવામાં આવશે. પતિ હિતેષભાઇએ પણ આપઘાત પાછળ કોઇ કારણ પોતે જાણતાં ન હોવાનું કહ્યું હતું. હાલ પોલીસે તપાસ યથાવત રાખી છે. આ ઘટનાથી અગીયાર વર્ષનો દિકરો મા વિહોણા થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. (૧૪.૬)
(3:02 PM IST)










