તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
જગન્નાથજીની રથયાત્રાએ શહેરમાં ભક્તિ, આનંદ, આધ્યાત્મિકતાનો સંદેશ પ્રસરાવ્યો : વૈષ્ણવ સેવાદાસ
ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા જગન્નાથ રથયાત્રાની ભવ્ય અને ભક્તિમય ઉજવણી

રાજકોટ : અષાઢી બીજના પાવન અવસરે ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા ૨૪મી શ્રી જગન્નાથ રથયાત્રાની ભવ્ય, ભક્તિમય અને ઉત્સાહભરી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી જગન્નાથ, બળદેવજી અને સુભદ્રા મહારાણીની આ દિવ્ય નગરચર્યામાં હજારો હરિભક્તો અને શહેરીજનોએ ભાગ લઈને ભગવાનના દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો હોવાનું સંસ્થા જણાવે છે. રામકળપા ડેરી, કોટેચા ચોક ખાતેથી રથયાત્રાનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. સતત વરસતા વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શ્રી જગન્નાથજીના રથને ખેંચવા માટે ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.
રથયાત્રાના પ્રારંભે મુખ્ય મહેમાનો તરીકે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા, રાજકોટના મેયર ડૉ. નેહલભાઈ શુક્લ, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, દર્શિતાબેન શાહ, વિશ્વ હિંદુ પરિષદના આગેવાનોઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડીસીપી શ્રીમતી હેતલબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રાના દિવસે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયાએ આરતીમાં ભાગ લીધો હતો. રથયાત્રા સમગ્ર માર્ગ દરમિયાન મુખ્ય ચોક ખાતે સ્થાનિક અગ્રણીઓ, સંસ્થાઓ તથા ભક્તજનો દ્વારા ભગવાન શ્રી જગન્નાથ, બળદેવજી અને સુભદ્રાજીની આરતી, પૂજન અને પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
મંદિર દ્વારા પાંચ ટન બુંદીના એક લાખ પ્રસાદ પેકેટો ભક્તો અને શહેરીજનોમાં વિતરણ કરવામાં આવ્યા હતા. ભંડારા પ્રસાદમાં ૨૫,૦૦૦ ભક્તો અને દર્શનાર્થીઓએ મહાપ્રસાદનો લાભ લીધો હોવાનું મંદિર જણાવે છે. ઇસ્કોન મંદિર રાજકોટના પ્રમુખ વૈષ્ણવસેવા દાસે રથયાત્રાના સફળ આયોજન માટે સહુકોઇનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી જગન્નાથ રથયાત્રાએ સમગ્ર રાજકોટ શહેરમાં ભક્તિ, આનંદ અને આધ્યાત્મિકતાનો દિવ્ય સંદેશ પ્રસરાવ્યો હોવાનું શ્રી વૈષ્ણવ સેવાદાસે જણાવ્યું છે
(2:12 PM IST)










