News of Thursday, 23rd July 2026
જનસંઘથી લઈને ગુજરાતના મુખ્યમંત્રીપદ સુધીઃ ખેડૂતો, પશુપાલકો અને સક્ષમ ગુજરાત માટે કેશુભાઈનું પ્રદાન અવિસ્મરણીય
કોઠાસૂઝ, દીર્ઘદ્રષ્ટિ અને લોકસેવાના મસીહાઃ સ્વ.કેશુભાઈ પટેલની કાલે જન્મજયંતિ પર શ્રદ્ધાસુમન : ગોકુળગ્રામ યોજના, મહી-પરીએજ યોજના અને રાજકોટ-અમદાવાદ હાઈવેને ફોરટ્રેક બનાવવાની ઐતિહાસિક કામગીરી મોરબી હોનારત વખતે રાહતકાર્ય અને દૂષ્કાળના સમયે પશુધનની રક્ષા કાજે ભગીરથ કાર્યો કર્યા

રાજકોટઃ કોઠાસૂઝ, દીર્ઘદ્રષ્ટિ અને અપ્રતિમ કર્તવ્યનિષ્ઠાના પ્રતીક એવા સ્વ. કેશુભાઈ પટેલને તેમની જન્મજયંતિ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી આદરપૂર્વક યાદ કરીને શ્રદ્ધાંજાલિ અર્પણ કરવામાં આવી રહી છે. ભલે તેઓ આજે આપણી વચ્ચે સશરીર હાજર નથી, પરંતુ તેમણે દેશ અને રાજ્ય માટે કરેલા સેવાકાર્યો આજે પણ યુગો સુધી બોલી રહ્યા છે.
જનસંઘની સ્થાપના અને ખેડૂતોના હિત માટે સંગ્રામ
ઈ.સ. ૧૯૭૧થી કેશુભાઈ પટેલ સાથે નજીકનો સંપર્ક ધરાવતા સાથીઓ અને વરિષ્ઠોના જણાવ્યા મુજબ, ૧૯૬૨માં જ્યારે જનસંઘના 'દીપક'ના નિશાન પર વંકડા (વાંકાનેર) અને રાજકોટ-૧ ની સીટ પરથી તેઓ ચૂંટણી લડ્યા ત્યારે કોંગ્રેસના દબદબા વચ્ચે હાર થઈ હતી. પરંતુ તેમની સતત સક્રિયતાને કારણે સમગ્ર ગુજરાતમાં પક્ષ મજબૂત બન્યો હતો. એ સમયે ગામડાઓમાં જનસંઘ વિશે ખેડૂતવિરોધી હોવાની જે છાપ હતી, તેને કેશુભાઈએ પોતાના સતત કાર્ય અને ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓથી ભંસી નાખી હતી.
તેમણે ખેડૂતોને કનડતા વિવિધ પ્રશ્નો જેવા કે ગુન્ડાીગીરી, વીજળી-પાણીની અછત, પાક પર લેવાતી લેવી અને ખેતપેદાશ રાજ્યબહાર વેચવા પરના પ્રતિબંધો સામે મોરચો મંડ્યો હતો. મગફળી પર ૧૫૦ મણની મર્યાદા અને કાયદાકીય કનડગત સામે પણ તેમણે જાગૃતિ લાવી સફળ લડત આપી હતી.
સરકારમાં મહત્વના હોદ્દા અને પ્રજાલક્ષી કાર્યો
૧૯૭૭માં રાજકોટ-૧ થી જીતીને બાબુભાઈ જશભાઈ પટેલની સરકારમાં કેશુભાઈ કૃષિ અને સિચાઈ જેવા મહત્વના ખાતાના મંત્રી બન્યા. એ સમયે ગામડાઓની જરૂરિયાત મુજબ રસ્તા, પાણી અને વીજળીના પ્રશ્નો ઉકેલ્યા. તેમના સમયમાં ઉર્જામંત્રી શ્રી મકરંદભાઈ દેસાઈના સહયોગથી ૨૪ કલાકમાં ત્રણ-ત્રણ ગામોને વીજળી આપીને સેંકડો ગામડાંઓને પ્રકાશીત કરાયા હતા. આ ઉપરાંત નાના અને મધ્યમ કદના સિચાઈ ડેમો બનાવી ખેડૂતોને આર્થિક સમૃદ્ધ કર્યા.
મુખ્યમંત્રી તરીકેની ઐતિહાસિક સિદ્ધિઓ
ગોકુળગ્રામ યોજનાઃ ૧૯૯૫માં મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ ગામડાઓને શહેરી જેવી સુવિધાઓ અને સ્વચ્છતા આપવા 'ગોકુળગ્રામ યોજના' શરૂ કરી.
મહી-પરીએજ યોજના (સૌરાષ્ટ્ર માટે વરદાન): ૧૯૯૮ના દૂષ્કાળ સમયે સૌરાષ્ટ્રના માનવજીવન અને પશુધનને બચાવવા નર્મદા ડેમથી ૫૫૦ કિમીની પાણીની પાઇપલાઇન (૨ મીટર પહોળાઈ) અને પમ્પીંગ સ્ટેશનો ટૂંકાગાળામાં તૈયાર કરાવી મહી પરીએજ યોજના હેઠળ પાણી પહોંચાડી દૂષ્કાળમાંથી ઉગાર્યા.
રાજકોટ-અમદાવાદ હાઈવે ટ્રેકઃ અમદાવાદ-રાજકોટ ગોઝારા રોડ તરીકે ઓળખાતો હતો, જ્યાં રોજના અકસ્માતો થતા. કેશુભાઈએ આ રોડને ફોરટ્રેક બનાવીને અસંખ્ય માનવ જિદગીઓ બચાવી.
પશુધન રક્ષાઃ ૧૯૮૬, ૮૭ અને ૮૮ના દુષ્કાળ સમયે પશુધનને બચાવવા ‘જનકલ્યાણ સેવા ટ્રસ્ટ' બનાવી દક્ષિણ ગુજરાતમાંથી શેરડીના આઘરા (ચારો) લાવીને રૂ. ૧માં ૨૦ કિલો આઘરા આપી ઐતિહાસિક પશુબચાવ ઝુંબેશ ચલાવી હતી.
મોરબી જળહોનારતમાં ભગીરથ રાહતકાર્ય
જ્યારે મોરબીમાં મચ્છુ-૨ ડેમ તૂટ્યો ત્યારે તે કપરા સમયે મોરબીની જનતાને ફરીથી બેઠી કરવામાં અને રાહત-પુનઃવસનની કામગીરી કરવામાં કેશુભાઈએ અગ્રણી ભૂમિકા ભજવી હતી. પંડિત દીનદયાલ ઉપાધ્યાયના ‘અંત્યોદય' (છેવાડાના માનવી સુધી પહોંચવું)ના વિચારને ચરિતાર્થ કરીને તેમણે ગરીબ અને સામાન્ય જનતાનો સતત ખ્યાલ રાખ્યો હતો.
પોતાના સ્વાર્થ કે ભૌતિક વળતરની આશા વિના રાત-દિવસ જનસેવામાં આપેલું યોગદાન અને તેમની કાર્યપ્રણાલી આજે પણ અવિસ્મરણીય છે.(૪૦.૪૪)
ગોવિંદભાઈ પટેલ
પૂર્વ મંત્રી, પૂર્વ ધારાસભ્ય રાજકોટ
(મો.૭૦૬૯૫ ૫૧૫૫૬)

(2:33 PM IST)










