<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

‘કેમ છો રાજકોટ'થી જયા કિશોરીજીએ શ્રોતાઓને કર્યા ભાવવિભોર, ‘દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ'ના કીર્તનથી ગુંજી ઊઠ્‍યું રેસકોર્સ

રાજકોટમાં ગુંજી ઊઠ્‍યું ‘સનાતન'નું ગૌરવગાન, જયા કિશોરીજીની કથામાં ઉમટયો માનવ મહેરામણ સાયરામ દવે સહિતના કલાકારોની ગીતોની રમઝટ બાદ પોથીપૂજન સાથે કથાનો પ્રારંભ, મોડી રાત સુધી ધર્મપ્રેમી જનતાએ માણ્‍યો કથાનો રસ

રાજકોટઃ રેસકોર્સ મેદાનમાં ગઈકાલે જયા કિશોરીજીની ‘સનાતન યુવા કથા'નો ભવ્‍ય પ્રારંભ થયો હતો. પરમ દિવસે મોડી રાત્રે રાજકોટમાં આગમન કર્યા બાદ જયા કિશોરીજીએ કથાના પ્રથમ દિવસે જ ધર્મપ્રેમી રાજકોટવાસીઓ સાથે આધ્‍યાત્‍મિક સંવાદ સાધ્‍યો હતો. કથા સ્‍થળે મોટી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં રેસકોર્સ મેદાન જાણે ભક્‍તિના રંગે રંગાઈ ગયું હતું.

કથાના પ્રારંભ પૂર્વે સાયરામ દવે સહિતના સાથી કલાકારોએ ગીતો અને ભજનોની રમઝટ બોલાવી હતી. ત્‍યારબાદ પોથીપૂજનની ધાર્મિક વિધિ સંપન્ન થયા બાદ જયા કિશોરીજીની કથાનો પ્રારંભ થયો હતો. જયા કિશોરીજીએ પોતાના આગવા વક્‍તવ્‍ય અને ભક્‍તિરસથી શ્રોતાઓને મંત્રમુગ્‍ધ કર્યા હતા.

‘કેમ છો રાજકોટ'ના સંબોધન સાથે જયા કિશોરીજીએ રાજકોટવાસીઓ સાથે આત્‍મીયતા સાધી હતી. ત્‍યારબાદ ‘દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ' સહિતના કીર્તનથી સમગ્ર કથાસ્‍થળ ભક્‍તિમય બની ગયું હતું. કીર્તનના સૂર સાથે શ્રદ્ધાળુઓ પણ ભક્‍તિમાં લીન બની ગયા હતા અને મોટી સંખ્‍યામાં લોકોએ ઝૂમીને કીર્તનનો આનંદ માણ્‍યો હતો. રેસકોર્સ મેદાનમાં અભૂતપૂર્વ જનમેદની વચ્‍ચે યોજાયેલી આ કથાને રાજકોટવાસીઓનો ઉત્‍સાહભર્યો પ્રતિસાદ મળ્‍યો હતો. મોડી રાત સુધી મોટી સંખ્‍યામાં લોકો કથાસ્‍થળે ઉપસ્‍થિત રહ્યા હતા. જયા કિશોરીજીના કીર્તનો અને વાણી સાથે શ્રદ્ધાળુઓએ મન ભરીને ભક્‍તિરસ માણ્‍યો હતો. સમગ્ર વાતાવરણમાં સનાતન સંસ્‍કળતિ, ભક્‍તિ અને આધ્‍યાત્‍મિકતાની અનોખી છટા જોવા મળી હતી

(3:34 PM IST)