તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
છૂટાછેડા કરવા માટે વકીલની સલાહ લેતાં જયશ્રીબેનનો પતિ હાર્દિકે હાથ ભાંગી નાંખ્યો
અગાઉ પણ માથાકુટને પગલે મહિલા દિકરીને લઇ મુંબઇ જતાં રહ્યા હતાં: સમાધાન થતાં પરત આવ્યા બાદ ફરી ડખ્ખોઃ માલવીયાનગર પોલીસે એફઆઇઆર નોંધી

રાજકોટ તા. ૬: શહેરના કૃષ્ણનગર મેઈન રોડ પર આવેલા ગોકુલધામ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતાં હાર્દિક સોલંકીએ વધુ એક વખત ઘરમાં ડખ્ખો કર્યો છે. થોડા દિવસો પહેલા આ શખ્સ વિરૂધ્ધ તેની જ દિકરીએ ફરિયાદ કરી હતી. હવે તેણે છુટાછેડાની સલાહ લેવા વકિલ પાસે ગયેલી પત્નિને બેફામ માર મારી માથામાં ઇજા કરતાં અને હાથ ભાંગી નાંખતા ફરિયાદ થઇ છે.
આ બનાવમાં માલવીયાનગર પોલીસે ગોકુલધામ આવાસ ક્વાર્ટર બ્લોક નં. ૧૯, ક્વાર્ટર નં. ૧૫૨૩માં રહેતાં જયશ્રીબેન હાર્દિકભાઇ સોલંકી (ઉ.વ.૪૪)ની ફરિયાદ પરથી તેણીના પતિ હાર્દિક હરેશભાઇ સોલંકી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ફરિયાદ મુજબ જયશ્રીબેનને ચાર મહિના પહેલા પતિ સાથે ઝઘડો થતા તેઓ પોતાની મોટી દીકરી સાથે મુંબઈ રહેવા જતા રહ્યા હતા. તે સમયે તેમણે પતિથી છૂટાછેડા લેવા માટે વકીલની સલાહ લીધી હતી. પણ ૧૫ દિવસ પહેલા જ્ઞાતિના આગેવાનો અને પરિવાર દ્વારા સમાધાન થતા તેઓ પરત રાજકોટ ઘરે આવ્યા હતા. દરમિયાન સોમવારે ચોથી તારીખના રોજ સાંજે જ્યારે પતિ હાર્દિકભાઈ ઘરે આવ્યા, ત્યારે તેમને ખબર પડી કે પત્નિએ અગાઉ છૂટાછેડા માટે વકીલનો સંપર્ક કર્યો હતો. તેથી આ વાતનો ખાર રાખીે ગાળાગાળી શરૂ કરી હતી. પત્નિએ ગાળો બોલવાની ના પાડતા પતિએ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. બાદમાં પતિએ હાથમાં પહેરેલી લક્કી વડે જયશ્રીબેનના માથામાં જમણી બાજુ -હાર કરતા લોહીલુહાણ હાલતમાં તેઓ બેભાન જેવા થઈ ગયા હતા. વધુમાં પતિએ પાટું મારતા જયશ્રીબેનના જમણા હાથમાં ગંભીર ઈજા થઈ હતી. બૂમાબૂમ થતા નાની દીકરી પ્રિયંકાએ પડોશી ભરતભાઈ બોળીયાને બોલાવ્યા હતા, જેમણે વચ્ચે પડી જયશ્રીબેનને છોડાવ્યા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં તેમને તાત્કાલિક દોશી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટ બીજી હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. જ્યાં નિદાન થયું કે તેમના જમણા હાથમાં ફ્રેક્ચર હોવાથી ઓપરેશન કરવું પડ્યું છે. આ મામલે જયશ્રીબેને હોસ્પિટલના બિછાનેથી જ પોતાના પતિ વિરૂધ્ધ ફરિયાદ કરતાં પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં હેડકોન્સ. એસ. સી. ઓગણીયાએ ગુનો દાખલ કરતાં એએસઆઇ આર. ડી. ગોહિલે ગુનો નોંધ્યો છે.
(2:15 PM IST)










