હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
‘ડબલ મર્ડર' સ્વીકારી જીણાએ પોલીસ સ્ટેશનમાં ઝેર પીધું: દિકરા વિનયે અગાઉ જ પિતા મનસુખભાઇને અલ્પેશ સાથે દારૂ નહિ પીવા ચેતવ્યા હતાં
જુગારી જીણા ભગત ઉર્ફે જીણા ગોહેલનું ઘર અગાઉ પોલીસને મનસુખભાઇએ બતાવ્યું હોઇ તેનો ખાર હતો, તેમજ મનસુખભાઇનું મકાન પણ જીણાને પચાવવું હતું: પોતાના માણસ અલ્પેશભાઇને કારણે પોતાને લાખોની નુકસાની ગઇ હોઇ તેનો પણ જીણાને કાંટો કાઢવો હતોઃ ચાર કોથળી દારૂ અલ્પેશભાઇ મારફત જીણાએ પીવા મંગાવ્યોઃ પછી તેની જાણ બહાર દારૂમાં ઝેરી દવા ભેળવી ‘હવે મારે નથી પીવો, તમે બે'ય પીવો' તેમ કહી જીણો નીકળી ગયા બાદ અલ્પેશભાઇ અને મનસુખભાઇએ દારૂ પીધો અને જીવ ગયો : વિનય ડાભીને શંકા હતી કે જીણો નક્કી કંઇક કરશે આથી તેણે પિતાને સમજાવેલા કે તમે હમણા જીણાના માણસ અને તમારા મિત્ર એવા અલ્પેશભાઇ સાથે દારૂ પીવા બેસતા નહિઃ પણ મનસખુભાઇએ વાત કાને ન લીધી અને દિકરા વિનયની શંકા કમનસિબ રીતે સાચી ઠરીઃ બી-ડિવીઝન પોલીસે જીણા સામે હત્યાનો અને આત્મહત્યાના પ્રયાસનો એમ બે ગુના દાખલ કર્યા : જીણાએ વધુ પુછતાછથી અને ધરપકડથી બચવા પોલીસની ફરજમાં રૂકાવટ કરી વાંદા મારવાની દવાની બોટલ ટેબલ નીચેથી ઉઠાવી પોતાના મોઢામાં ઘણા સ્પ્રે મારી લીધાઃ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ : ડીસીપી હેતલ પટેલ, એસીપી વી. બી. જાડેજાની રાહબરીમાં પીઆઇ જી. આર. ચોૈહાણ, પીએઅસાઇ સોલંકી, રાઇટર હીરાભાઇ રબારી અને ટીમે ભેદ ઉકેલ્યો

હત્યાનો ભોગ બનેલા મનસુખભાઇ ડાભી અને અલ્પેશભાઇ સાબરીયા
રાજકોટ તા. ૧૯: શહેરના સંત કબીર રોડ પર આવેલી ભગીરથ સોસાયટીમાં નવાગામના ૫૦ વર્ષના પ્રોૈઢ મનસુખભાઇ રણછોડભાઇ ડાભી અને તેના મિત્ર કનકનગરના ૪૩ વર્ષિય અલ્પેશભાઇ રાઘવજીભાઇ સાબરીયાના દેશી દારૂ પીધા બાદ ટપોટપ મોત થયાની ઘટનામાં આ ઘટના ડબલ મર્ડરની હોવાનું ખુલ્યું છે. મનસુખભાઇએ જીણા ભગતનું ઘર પોલીસને બતાવી દીધુ હોઇ ખાર હોઇ અને તેનું મકાન પણ જીણાને જોઇતું હોઇ આ કારણે તેની હત્યા કરવાનો પ્લાન ઘડી તેણે પોતાના જ માણસ અને મનસુખભાઇના મિત્ર એવા અલ્પેશભાઇ મારફત ઝેરી દવા ભેળવેલો દારૂ મોકલી બંનેને પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધાનું ખુલ્યું છે. દિકરા વિનયને પહેલેથી જ ભય હતો કે જીણો કંઇક કરશે, આથી તેણે અગાઉથી પિતાને અલ્પેશ સાથે અને દારૂનહિ પીવા, સંબંધ નહિ રાખવા સમજાવ્યા હતાં. પણ તે નહિ સમજતાં અલ્પેશ સાથે પીવા બેઠા હતાં અને મોત મળ્યું હતું.
ભગીરથ સોસાયટીના વરલી-મટકાના આંકડાના જુગારીની છાપ ધરાવતાં જીણા વિઠ્ઠલભાઇગોહેલ ઉર્ફે જીણા ભગતે જ જૂની અદાવત અને મકાન પચાવી પાડવાના ઇરાદે બે પ્રૌઢ મિત્રોને દેશી દારૂમાં ઝેરી પદાર્થ ભેળવી દઈ જીણાએ ડબલ મર્ડરની ઘટનાને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે. અગાઉ પોતે વરલી મટકા રમાડતો હોઇ પોલીસને મનસુખભાઇએ ઘર બતાવી દીધુ હોઇ તેનો ખાર ં બૂટલેગર કમ જુગારી જીણા ભગતને હતો. આથી તેણે મનસુખભાઇને મારી નાંખવા ઘાતકી પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યું હતું. બી-ડિવીઝન પોલીસે આ બનાવમાં હત્યાનો ભોગ બનેલા મનસુખભાઇ ડાભીના દિકરા આરટીઓ પાછળ હુડકો ક્વાર્ટર ધનેશ્વર મહાદેવ ચોકમાં રહેતાં અને ઇીમટેશનનની મજુરી કરતાં વિનય મનસુખભાઇ ડાભી (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી ભગીરથ સોસાયટી-૧૦માં રહેતાં જીણા વિઠ્ઠલભાઇ ગોહેલ ઉર્ફે જીણા ભગત વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
પોલીસ સ્ટેશનેથી મળતી વિગત મુજબ વિનય ડાભીએ ફરિયાદમાં જણાવ્યું છે કે પિતા મનસુખભાઇ ડાભી (ઉ.વ.૫૦) સંત કબીર રોડ પર ભગીરથ સોસાયટી શેરી નં.૧૦ના કોર્નર પર આવેલા જૂના વડીલોપાર્જિત મકાનનું નવું બાંધકામ કરવાનું હોવાથી છેલ્લા પાંચ-છ દિવસથી ત્યાં જ રહેતા હતા. ગત તારીખ ૧૭/૦૫ના રોજ રાત્રિના સવા નવેક વાગ્યાના અરસામાં મનસુખભાઇએ પુત્ર વિનયને ફોન કરીને જણાવ્યું હતું કે-મને પેટમાં બહુ ઝીણું-ઝીણું દુખે છે, તું તાત્કાલિક અહીં આવી જા. જેથી વિનયે શા માટે પેટમાં દુઃખે છે? એવુ પુછતાં પિતા મનસુખભાઇએ કહેલું કે-હું, અલ્પેશ દારૂ પીવા બેઠા હતાં અને દારૂ જીણા ભગતના ઘરેથી અલ્પેશ લાવ્યો હતો. આ દારૂ પીધા બાદ મને અને અલ્પેશને પેટમાં દુઃખાવો ચાલુ થયો છે. જીણા ભગતે દારૂમાં કંઇક ભેળવ્યું હોય તેવું મને લાગે છે. બાદમાં વિનયે જણાવ્યું કે નાનો ભાઈ નીલેશ ટીફીન લઈને આવે જ છે. ત્યારબાદ નીલેશ જૂના મકાને પહોંચતા તેણે પિતા મનસુખભાઇ અને તેમના મિત્ર અલ્પેશભાઈ રાઘવજીભાઈ સાબરીયા (ઉ.વ.૪૩) ને ઘર પાસે જ બેભાન હાલતમાં પડેલા જોયા હતા.
ઘટનાની જાણ થતાં જ મોટો પુત્ર વિનય પણ દોડી આવ્યો હતો અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બંનેને રાજકોટ સરકારી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. પણ ત્યાં ફરજ પરના ડોક્ટરે તપાસીને મનસુખભાઇ તથા અલ્પેશભાઈને મળત જાહેર કર્યા હતા.
વિનયએ વધુમાં જણાવ્યું હતું કે મારા પિતા મનસુખભાઇ છેલ્લા પાંચેક વર્ષથી દારૂ પીવાની ટેવ ધરાવતા હતા અને અલ્પેશભાઈ સાબરીયા તેમના મિત્ર હોવાથી બંને અવારનવાર સાથે દારૂ પીતા હતા. અલ્પેશભાઈ અગાઉ આરોપી જીણા ભગતને ત્યાં કામ પણ કરતો હતો. આજથી પાંચેક મહિના પહેલા પોલીસ અમારા ભગીરથ સોસાયટીના ઘરે મારા પિતા મનસુખભાઇ પાસે આવી હતી અને ઘરે આવી હતી અને બૂટલેગર જીણા ભગતનું ઘર પૂછતા, તેમણે બાજુની ગલીમાં આવેલું જીણાનું ઘર બતાવી દીધું હતું. આ બાબતની ખાર રાખીને જીણો ભગત અવારનવાર મારા પિતા મનસુખભાઇ સાથે ઝઘડો કરતો હતો અને ધમકી આપતો હતો કે-તેં પોલીસને મારું ઘર કેમ બતાવ્યું? હું તને જીવતો નહીં રહેવા દઉં.
આ ઉપરાંત મારા પિતા મનસુખભાઇનું ભગીરથ સોસાયટીવાળું મકાન મોકાની જગ્યા પર હોવાથી જીણા ભગતની દાનત બગડી હતી અને તે મકાન પચાવી પાડવા માંગતો હતો. તે મારા પિતાને વારંવાર દબાણ કરતો હતો કે આ મકાન મને આપી દો, નહીંતર હું તને જાનથી મારી નાખીશ. અલ્પેશભાઈ પણ ઘણી વખત મારા પિતાને ચેતવણી આપતા હતા કે-તમને જીણો ભગત જીવતો મુકશે નહીં. આથી મેં મારા પિતા મનસુખભાઇને અલ્પેશ સાથે દારૂ પીવાની કે જીણા ભગત સાથે કોઈ સંબંધ રાખવાની ના પાડી હતી, કારણ કે મને શંકા હતી કે જીણો દારૂમાં કંઈક ભેળસેળ કરીને પિતાને મારી નાખશે, અને આખરે એ જ આશંકા સાચી ઠરી હતી.
મારા પિતા મસખુભાઇએ પોલીસને જીણાનું ઘર બતાવ્યાનું મનદુઃખ રાખી અને મકાન પડાવી લેવાના બદઈરાદાથી જીણા ભગતે દેશી દારૂમાં કોઈ ઝેરી પદાર્થ કે કેમિકલ ભેળવી દઈ મારા પિતા અને તેમના મિત્ર અલ્પેશભાઈ સાબરીયાનું મોત નીપજાવી ડબલ મર્ડરનો ગુનો આચર્યો છે. વિનયની આ વિગતોને આધારે પોલીસે જીણા વિઠલભાઈ ગોહેલ (સગર) વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડીસીપી હેતલ પટેલ, એસીપી વી. બી. જાડેજાની સુચના અંતર્ગત પીઆઇ જી. આર. ચોૈહાણ, એએસઆઇ હીરાભાઇ રબારી, પીએસઆઇ જે. આર. સોલંકી અને ટીમે વધુ તપાસ યથાવત રાખી છે.
જીણાએ પ્રાથમિક તપાસમાં એવુ પણ રટણ કર્યુ હતું કે અલ્પેશ પણ પોલીસનો બાતમીદાર બની ગયો હતો આથી પોતાને લાખોની નુકસાની વરલીના જુગારમાં થઇ હતી. અલ્પેશ મારફત જ જીણાએ ચાર કોથળી દારૂ મંગાવ્યો હતો અને અગાઉથી પોતાની પત્નિ મારફત મંગાવી લાખેલી માકડ-વંદા મારવાની દવા દેશી દારૂની કોથળીઓમાં ભેળવી દઇ બાદમાં પોતાને હવે પીવો નથી તેમ કહી અલ્પેશને કોથળીઓ આપી દઇ તેને તથા મનસુખભાઇને પી લેવા કહેતાં અલ્પેશ કોથળીઓ લઇને આવ્યા બાદ તેણે અને મનસુખભાઇએ આ દવાવાળો દારૂ પી લેતાં મોત થયા હતાં.
દરમિયાન ડબલ મર્ડરના આરોપી જીણા વિઠ્ઠલ ગોહેલને બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ રૂમમાં પુછપરછ માટે પોલીસે સાડા નવેક વાગ્યે બેસાડયો હતો ત્યારે તેણે પુછપરછમાં એવી કબુલાત આપી હતી કે તેણે મનસુભાઇ અને અલ્પેશભાઇને દેશી દારૂમાં વંદા અને મચ્છર મારવાનો સ્પ્રે ભેળવીને દારૂ પીવડાવી દીધાની કબુલાત આપી હતી. આ પછી તેની ધરપકડની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે પોલીસ સ્ટેશનમાં ટેબલ નીચે એક વંદા મારવાની દવાનો સ્પ્રે રાખેલો હોઇ તે જીણાની નજરે ચડતાં પોતે ચાલાક હોઇ અને ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોઇ પોતાની ધરપકડની કાર્યવાહી દરમિયાન પોતાની વધુ પુછતાછ ન થાય તે માટે થઇને તેણે દવાનો સ્પ્રે લઇ પોતાના મોઢામાં ઘણા સ્પ્રે ઝડપથી મારી લીધા હતાં. આથી તુરત જ તેને હાજર પોલીસ સ્ટાફે પકડી લીધો હતો અને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. આ રીતે આરોપી જીણાએ પોલીસની ફરજમાં રૂકાવટ કરી ડબલ મર્ડરના ગુનામાં વધુ પુછપરછથી બચવા માટે પોલીસ સ્ટાફને ધક્કો મારી મોઢામાં ઝેરી દવાના સ્પ્રે મારી લઇ આપઘાત કરવાની કોશિષ કરી હોઇ કોન્સ. જગદીશભાઇ વાંકની ફરિયાદ પરથી જીણા વિઠ્ઠલભાઇ ગોહેલ-સગર સામે પીઆઇ જી. આર. ચોૈહાણ, હીરાભાઇ રબારીએ વધુ એક ગુનો નોંધ્યો હતો. હોસ્પિટલમાંથી રજા મળ્યે તેની સામે વિશેષ કાર્યવાહી થશે.










