તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
જીજ્ઞેશ દાદા માફી માગેઃ માતા સીતા વિશેના ઉચ્ચારણોથી પ્રચંડ રોષ
રામચરિત માનસમાં રાવણ અને કુંભકર્ણનો સંવાદ દર્શાવી માતા જાનકી ઉપર અભદ્ર ટિપ્પણી કરતા સોશ્યલ મિડીયા ઉપર રોષ ફાટી નિકળ્યો : રામચરિત માનસમાં આવો સંવાદ છે તેનું પ્રુફ નહી મળે તો કાયદેસરની કાર્યવાહીઃ જીગ્નેશદાદા માફી માંગે - સાધુ સમાજ દેવી દેવતાઓનું અપમાન કરવું એવી કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે, ફરિયાદ દાખલ કરવામાં આવશેઃ રામાનંદી નવનિર્માણ સેના અધ્યક્ષ નિખિલ નિમાવત

રાજકોટઃ તા.૨૬: બે દિવસથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તથાસ્તુ વિદ્યાપીઠના જીગ્નેશદાદા (રાધે રાધે) નો વિડિયો ખુબ વાયરલ થયો છે અને ચર્ચામાં પણ છે જેમાં જીગ્નેશદાદાએ રામાયણનો એક પ્રસંગ ટાંકયો છે જેમાં રાવણ સીતા માતાનું અપહરણ કરી જાય છે. જેમાં તેણે રામચરિત માનસમાં રાવણ અને કુંભકર્ણનો સંવાદ દર્શાવી ભગવાન શ્રી રામનું રૂપ ધારણ કરી સીતા માતા વિશે જીગ્નેશ ઠાકરે(દાદાએ) બફાટ કર્યો છે જેને લઇ સમગ્ર હિન્દુ સમાજ રોષે ભરાયો છે.
ગુજરાત ૨૪ ન્યુઝના પ્રસિધ્ધ થયેલા અહેવાલ મુજબ જીગ્નેશ દાદા ફરીવાર વિવાદમાં આવ્યા છે અને સનાતની સમાજ સખત નારાજ થયો છે. ભાવનગર રામકથા અને ભાગવત કથાના વક્તા ભાનુબાપુએ મંતવ્ય આપતા જણાવ્યુ હતું કે, બે દિવસથી જીગ્નેશ દાદાનો એક વિડીયો ફરી રહ્યો છે અને એ વિડીયો જોતા જીગ્નેશ દાદાએ વ્યાસગાદી પરથી આવું નહીં બોલવું જોઈએ અથવા તો દાદા બોલ્યા છે તો કઈ રામચરિત માનસમાં રાવણ અને કુંભકરણનો આવો ભયંકર સંવાદ છે એનું પ્રુફ પાંચથી સાત દિવસમાં આપવા વિનંતી અથવા તો પાંચ સાત દિવસમાં તેમનું પ્રુફ નહી મળે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વ્યાસગાદીને ન શોભે એવા શબ્દોમાં તેમણે રામચરિત માનસના આ પ્રસંગનું વર્ણન કર્યું છે જે અયોગ્ય છે.
જ્યારે અન્ય સમગ્ર સાધુ સમાજનું કહેવું છે કે, જેનું ધ્યાન કરવાથી જેના ચરણકમલની અંદર મસ્તક મૂકવાથી ભગવતી જાનકી નિર્મળ બુદ્ધિને આપનારી અને અતિશય પ્રિય કરુણાનિદાન ભગવાન રામજીનું પ્રિય પાત્ર છે એમને લઈ અને કોઈ સંવાદો થાય ત્યારે વ્યાસપીઠની એક ગરિમા છે, પાત્રોની એક મહિમા છે. ત્યારે વ્યાસપીઠની એક જવાબદારી છે. કોઈ પાત્રની ગરિમા અને મહિમાનું હનન ન થાય. એ જ વક્તા છે વક્તાએ પૂર્ણ કાર્યથી સમજદારીથી, જવાબદારીથી, વફાદારીથી સનાતન ધર્મના શાષાને વફાદાર રહેવું જોઈએ. વ્યાસપીઠ ઉપરથી ગમે તે ન બોલાય, ગમે એવી ભાષાની અંદર કોઈ પાત્ર સાથે ચર્ચા ન કરાય. આખો સાધુ સમાજ સીતાજી ઉપર જે ચર્ચા થઈ છે તે વિદ્વત કથાકારો દ્વારા સમજદારીથી સમજી લે, જોઈ લે અને જગદંબા જાનકીજીના ચરણમાં પુનઃ વંદના કરી અને માફી માંગી લે તેવી માંગ કરી છે.
જ્યારે રામાનંદી નવનિર્માણ સેના અધ્યક્ષ નિખિલ નિમાવતએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ ભારતના પ્રખ્યાત કથાકાર એવા જીગ્નેશ દાદા તરફથી કથા દરમિયાન રાવણ અને કુંભકર્ણનો એક સંવાદ રજૂ કરવામાં આવ્યો છે. જીગ્નેશ દાદાએ આ કથામાં જે એને સંવાદ રજૂ કર્યો કર્યો છે તેનો ખુલાસો માગું છું કે રામાયણ અથવા તો કોઈપણ હિન્દુ ગ્રંથમાં આવો સંવાદ કયાં રજૂ કરવામાં આવ્યો છે? કઈ જગ્યાએ લખવામાં આવ્યો છે? તો તમે વ્યાસપીઠ ઉપર બેસી અને તમારા મનમાં કોઈપણ વિચાર આવે અને તમે રજૂ કરી શકો એવું ન ચાલે. આ માતા જાનકી ઉપર અભદ્ર ટિપ્પણી જરાય સાખી લેવામાં નહી આવે. આ સમગ્ર હિન્દુ ધર્મનું અપમાન છે. અમારી સેના દ્વારા સમગ્ર ગુજરાતમાંથી જીગ્રેનદાદા ઉપર ભારતીય દંડ સંહિતા મુજબની કાર્યવાહી કરી અને હિન્દુ ધર્મને ઠેસ પહોંચાડવી તથા જાણી જોઈને હિન્દુ ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરવું એવી કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે, ફરિયાદ દાખલ કરવામાં આવશે. જો આ કથા દરમિયાન તમે તમારી ભૂલ નહીં સ્વીકારો અથવા તો એનો જાહેર ખુલાસો નહીં આપો તો સમગ્ર ગુજરાતમાં આનો પડઘો મોટો પડશે. નિખિલ નિમાવતે ચેતવણી આપતા જણાવ્યું હતું કે, વારંવાર હિન્દુ ધર્મનું અપમાન કરવું તે ખૂબ જ નિંદનીય બાબત છે તેથી આ કથા દરમિયાન જીગ્નેશદાદા જાહેર ખુલાસો આપે અને જાહેરમાં એ જ મંચ ઉપરથી માફી માંગે.
ભાગવત કથાકાર જીગ્નેશદાદાએ માતા સીતાજી વિશે કરેલ અભદ્ર ટીપ્પણીથી સમસ્ત સનાતન હિન્દુ સમાજ નારાજ છે અને જો આ સંવાદ વિશે કથાકાર દ્વારા તાત્કાલિક માફિ નહીં માગવામાં આવે તો જીગ્નેશદાદા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે
(3:06 PM IST)










