તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
ગિરનાર ટોકીઝ પાસે ડીજીએફટી ઓફિસના જોઇન્ટ ડિરેકટર જે. બી. બીસ્નોઇની હત્યા થયાનો ગુનો નોંધતી સીઆઇડી ક્રાઇમ
૨૫-૩-૨૦૨૩ની અકસ્માતે મૃત્યુની ઘટનામાં પત્નિ સુમન બીસ્નોઇની ફરિયાદને આધારે અજાણ્યા સામે અજાણ્યા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઇઃ ડીજીએફટી કચેરીના ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કર્યાની ઘટનાને પરિવારજનોએ પ્રથમથી જ શંકાસ્પદ ઠેરવી હતી

રાજકોટ તા. ૨૯: આજથી ત્રણ વર્ષ પુર્વે ૨૫ માર્ચ-૨૦૨૩ના રોજ ગીરનાર ટોકીઝ નજીક આવેલી ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) કચેરીના ચોથા માળેથી પડી જતાં આ કચેરીના જોઇન્ટ ડિરેક્ટર ઝવરીમલ બંસીલાલ બીસ્નોઇનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટના જે તે સમયે આત્મહત્યાની હોવાની શંકાએ પ્ર.નગર પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરી કાર્યવાહી કરી હતી. આ ઘટનામાં લાંબા સમયથી મૃતકના પરિવારની રજૂઆત બાદ આજે રાજકોટ સીઆઇડી ક્રાઇમ દ્વારા અજાણ્યા સામે ઝવરીમલ બીસ્નોઇની હત્યા કરવામાં આવ્યાનો પત્નિ સુમન ઝવરીમલ બીસ્નોઇની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવતાં સનસનાટી મચી ગઇ છે.
આ બનાવ બન્યો ત્યારે કચેરીમાં ભોગ બનનાર જોઇન્ટ ડિરેક્ટરની સામે થયેલા આક્ષેપોની તપાસ અર્થે સીબીઆઇની ટુકડી પહોંચી હતી અને પુછપરછ માટે બીસ્નોઇની અટકાયત કરી હતી. રાતભર તેમની ઓફિસમાં જ સીબીઆઇની તપાસ અને પુછપરછ ચાલી હતી.
આ દરમિયાન સવારે ૧૦:૫૦ વાગ્યા આસપાસ કચેરીના ભોંય તળીએ ધડામનો અવાજ આવતાં આસપાસના સિક્યુરીટી ગાર્ડ, કર્મચારીઓ અને બહાર આવેલી ચાની કીટલી પર ચા પી લઇ રહેલા લોકો દોડી ગયા હતાં. જ્યાં ઝવરીમલનો લોહીથી લથબથ મૃતદેહ નજરે પડતાં ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. જો કે પાછળથી તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં.
આ બારામાં આજે આઇપીસી ૩૦૨, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ભોગ બનનાર ઝવરીમલના પત્નિ સુમન બીસ્નોઇ (ઉ.વ.૪૮-રહે. મુળ ગામ ખાજુવાલા, જી. બીકાનેર રાજસ્થાન)ની ફરિયાદમાં જણાવાયું છે કે મારા પતિ સીબીઆઇની રેઇડ દરમિયાન પકડાઇ જતાં કસ્ટડીમાં હતાં ત્યારે ડીજીએફટી ઓફિસ બિલ્ડીંગના ચોથા માળેથી પડી જતાં ઇજા થતાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. મને પ્રથમથી આ ઘટનામાં એવી શંકા હતી કે મારા પતિને પોલીસ કસ્ટડી દરમિયાન અજાણ્યા ઇસમો દ્વારા મેન્ટલી અને ફીઝીકલ ટોર્ચર કરી પોલીસ કસ્ટડીમાં ધ્યાન નીહ રાખી ઓફિસની બારીમાંથી ધક્કો મારી દેવાતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મારા દિકરા અને પતિને ધાકધમકી પણ આપવામાં આવતી હતી. ઘટનાની તપાસમાં પણ અજાણ્યા શખ્સો દ્વારા ચેડા કરવામાં આવ્યાની પણ અમને શંકા છે.
તારીખ ૨૪ માર્ચ-૨૦૨૩ના સવારે આશરે નવેક વાગ્યે મારા પતિ રૂટીન મુજબ નોકરી ઉપર ગયા હતાં અને બપોરે દોઢેક વાગ્યે ઘરે જમવા આવ્યા હતાં. ત્યારબાદ અઢી વાગ્યે મારો દિકરો આદિત્ય તેમને ઓફિસે છોડી કોલેજ જવા નીકળ્યો હતો. સાંજે પાંચ વાગ્યે હું અને મારી દિકરી આરઝુ અમારા રાજકોટના સરનામે ફલેટ બી-૨૦૩માં હાજર હતાં ત્યારે ૩થી ૪ લોકોએ આવી સીબીઆઇની ઓળખ આપી સેફટી ડોર ખોલો તેમ જણાવ્યું હતું. જેથી મેં તેમના આઇડી અને વોરન્ટ માંગ્યા હતાં. પરંતુ તેમણે તે બતાવ્યા નહોતાં. અમે બંને એકલા હોઇ દરવાજો ખોલ્યો નહોતો. આ દરમિયાન મેં મારા પતિને ૩થી ૪ ફોન કર્યા હતાં. પણ તેમણે ઉપાડયા નહોતાં. બાદમાં ફોન સ્વીચઓફ થઇ ગયો હતો. દિકરો આદિત્ય ઘરે આવ્યો ત્યારે ઘરના દરવાજે ઉભેલા માણસોની પુછપરછ કરી હતી. તેમને પણ તેમની ઓળખ અને વોરન્ટ બતાવવામાં આવ્યા નહોતાં. પરંતુ એવુ જણાવ્યુ઼ હતું કે તારા પપ્પાને અટક કરી અમદાવાદ લઇ ગયા છીએ, તમારા ઘરની જડતી કરવાની છે. તું દરવાજો ખોલાવ.
ત્યારબાદ અમે અમારા એડવોકેટ સાથે સીબીઆઇના માણસોની વાત કરાવી હતી. તેમની સુચના મુજબ ફલેટનો દરવાજો ખોલ્યો હતો. રાતે અગીયાર વાગ્યા સુધી રકઝક ચાલી હતી. આ દરમિયાન બીજા પાંચથી છ માણસો ફલેટના માલિક અતુલભાઇ જોષી તથા દરવાજો લોક ખોલનાર સહિત દસથી બાર માણસો સાથે લઇને આવ્યા હતાં અને સેફટી લોક ખોલી અંદર પ્રવેશ્યા હતાં. આ દરમિયાન ઘરનો સામાન રફેદફે કરી ત્રણેક જેટલા કોરા કાગળમાં સહી કરવાનું મને કહેતાં મેં ના પાડી હતી.
રાતે દોઢ બે વાગ્યે હું વારંવાર મારા પતિને વાત કરાવવાનું કહેતી રહી હતી પરંતુ આ શખ્સોએ વાત કરાવી નહોતી. આ લોકો જો તમે સહિ નહિ કરો તો તમારા દિકરાને ફસાવી દઇશું તેવી ધમકી આપતાં હતાં. આ પૈકીના એક વ્યક્તિએ ફોન લગાડી સ્પીકર ઉપર પતિ સાથે વાત કરાવવાનું કહી ફોન લગાવ્યો હતો.
પરંતુ એ વખતે મારા પતિ વાત કરી શક્યા નહોતાં અને તેમની ચીસો સંભળાતી હતી. તેમને કોઇ જોર જોરથી ગાળો પણ આપી રહ્યા હતાં. તેમજ મોટા માણસ સામે પડયા છો તેમ કહી ધમકાવી રહ્યા હતાં. વહેલી સવારના સાત વાગ્યા સુધી જડતી ચાલુ રહી હતી. આ દરમિયાન મારા દિકરાને ૧૮ વર્ષનો થશે ત્યારે દારૂના કેસમાં ફસાવી દઇશું તેવી ધમકીઓ પણ અપાઇ હતી. સવારે ૯:૩૦ સુધી જડતીની કાર્યવાહી ચાલુ હતી. જતાં જતાં મને સહી કરવાનું કહેતાં મેં ના પાડી હતી. આ લોકો તેની સાથે લાવેલ બ્લુ બેગ સિવાય અમારા ઘરમાંથી કોઇ વસ્તુ લઇ ગયા નહોતાં.
ત્યારબાદ ૨૫મીની સવારે સવા દસેક વાગ્યે સોશિયલ મિડીયા મારફત અમારા પતિ ઉપર એસીબીનો કેસ થયાની અને તેમની ઓફિસની બારીમાંથી નીચે પડી જતાં સરકારી દવાખાને લઇ જવાયાનું જાણવા મળ્યું હતું. આ દરમિયાન મારા દિયર સંજય બીસ્નોઇ ઉપર ફોન આવ્યો હતો અને તાત્કાલીક બોલાવ્યા હતાં. હું જ્યારે મારા સંતાનો સાથે સિવિલ હોસ્પિટલે ગઇ ત્યારે મારા પતિના મૃત્યુની જાણ થઇ હતી.
આ દરમિયાન સાંજે સાડા ચારેક વાગ્યે અમે જ્યારે હોસ્પિટલે પહોંચ્યા ત્યારે મારા પતિનું પોસ્ટમોર્ટમ પણ થઇ ગયું હતું. સીબીઆઇના એકપણ અધિકારી હાજર નહોતાં. મેં મારા પતિની લાશ સંભાળવા ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ બીજા દિવસે ૨૬મીએ મે અંતિમવિધી માટે કબ્જો સંભાળ્યો હતો. બાદ ૨૭મીએ અંતિમક્રિયા અમારા સમાજના રીતરીવાજ મુજબ બીકાનેર ખાતે કરી હતી.
આ બનાવ સંદર્ભે મને શંકા છે કે પોલીસ કસ્ટડી દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા મેન્ટલી ફીઝીકલી ટોર્ચર કરવામાં આવ્યું હતું. તેમજ તેમનો કસ્ટડીમાં સરખી રીતે ખ્યાલ રાખવામાં આવ્યો નહોતો. મારા પતિ અને દિકરાને ધમકી અપાઇ હતી એટલે મારા પતિનું મર્ડર કરવામાં આવ્યું હોવાની મને પુરેપુરી શંકા હોવાથી આ ફરિયાદ નોંધાવી રહી છું. વધુ તપાસ રાજકોટ સીઆઇડી એકમના મહિલા અધિકારી એમ.એસ. ગોહેલે હાથ ધરી છે.
(3:39 PM IST)










