તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
પિતા-પુત્રની ક્રૂર હત્યાના કેસમાં ન્યાયિક લડત તેજ : મેઘપર ઝાલા ડબલ મર્ડર કેસમાં સરકારે રોક્યા પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા
જમીન માપણીના વિવાદમાં ૨૯ ઘા ઝીંકી ખેલાયેલા લોહિયાળ ખેલમાં ગુન્હેગારો સામે પીડિત પરિવારની રજૂઆતને ગ્રાહ્ય રાખી ખાસ સરકારી વકીલની કરાઈ સ્પેશ્યલ પી.પી. તરીકે નિમણુંક

રાજકોટ : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના સળગતા વિવાદમાં પિતા-પુત્રની ઘાતકી ડબલ મર્ડરની ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી મૂક્યો હતો, જેમાં હવે પીડિત પરિવારની ન્યાયની ગુહાર રંગ લાવી છે. આ ચકચારી કેસની મજબૂત કોર્ટ કાર્યવાહી માટે ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લઈને રાજકોટના વિખ્યાત ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયાની સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર (સ્પેશ્યલ પી.પી.) તરીકે સત્તાવાર નિમણુંક કરવામાં આવી છે.
તારીખ ૯ જૂન ૨૦૨૬ના રોજ બપોરે આશરે ૩:૩૦ વાગ્યે દિગ્વીજયસિંહ પ્રતાપસિંહ ઝાલા પોતાના ભાઈ જયપાલસિંહ, પુત્ર હર્ષવર્ધનસિંહ, કૌટુંબિક ભાઈ સંજયસિંહ અને માપણી અધિકારી કીર્તિભાઈ સાથે ખેતરની માપણી કરાવી રહ્યા હતા. તે સમયે પડોશી મહેન્દ્રસિંહ શિવુભા ઝાલાના ઈશારે બાઈક પર આવેલા તેમના બે પુત્રો મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલાએ છરી વડે હિંસક હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ઝનુનપૂર્વક હર્ષવર્ધનસિંહને ૧૧ અને જયપાલસિંહને ૧૮ ઘા ઝીંકી લોહીલુહાણ કરી દીધા હતા, જેમનું ટંકારા સરકારી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ મામલે ટંકારા પોલીસે ગુના રજિસ્ટર નંબર ૦૫૧૫/૨૬થી BNSની કલમ ૧૦૩(૧), ૩(૫) અને જી.પી. એક્ટની કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધી બંને આરોપી ભાઈઓની અટકાયત કરી લીધી હતી.
(10:52 AM IST)










