<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ

પ્રકૃતિના જતન અને ઠેરઠેર વૃક્ષારોપણનો સંકલ્પ કરવા પી.ડી.યુ. મેડીકલ કોલેજના લાઇબ્રેરીયન ડૉ.રાજેશ ત્રિવેદીની અપીલ

રાજકોટ: સમગ્ર જીવસૃષ્ટિનું સર્જન પર્યાવરણમાંથી જ થયું હોવાથી તેનું જતન એ જ સંજીવની છે. માનવીય જીવનના અસ્તિત્વ અને પર્યાવરણની જાળવણી માટે સૌ કટિબદ્ધ થાય તે જરૂરી છે. ઇતિહાસ અનુસાર, વિશ્વમાં સૌ પ્રથમ ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે પ્રકૃતિના સંરક્ષણ અને ઉપયોગીતાનો પ્રારંભ કર્યો હતો, જે શિકાર પર અંકુશ અને વન્ય જીવોના રક્ષણ તરીકે આજે પણ શિલાલેખોમાં અંકિત છે.

પર્યાવરણ એટલે આપણી આસપાસનું એવું આવરણ જેના પર સંપૂર્ણ જૈવિક અને અજૈવિક પરોબળોની કુદરતી પ્રક્રિયા આધારિત છે. 

 

આજથી આશરે એકસો બે વર્ષ પહેલાં પર્યાવરણવિદોને ભવિષ્યના જોખમોનો ખ્યાલ આવી ગયો હતો. તેના ૫૩ વર્ષ પછી, એટલે કે ૧૯૭૨ની પાંચમી જૂને સ્ટોકહોમ ખાતે વિશ્વના પ્રતિનિધિઓ એકઠા થયા અને સંયુક્ત રાષ્ટ્રસંઘે આ દિવસને "વિશ્વ પર્યાવરણ દિવસ" તરીકે ઉજવવાનું નક્કી કર્યું. કોરોના મહામારી દરમિયાન આપણને ઓક્સિજન માટે પર્યાવરણની અનિવાર્યતા સમજાઈ ચૂકી છે.

 

ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ અને ગ્રીન હાઉસ ઇફેક્ટ જેવી વૈશ્વિક સમસ્યાઓના નિવારણ માટે "વૃક્ષો વાવો, જીવન બચાવો" નો સંકલ્પ કરવો જરૂરી છે. વૃક્ષો આપણને ખોરાક, શુદ્ધ હવા અને ઓક્સિજન આપે છે, તાપમાન ઘટાડે છે અને પૂર તથા જમીનનું ધોવાણ અટકાવે છે. ભવિષ્યની સુરક્ષા માટે ઘર, ઓફિસ કે કિચન ગાર્ડનમાં વૃક્ષો ઉછેરવા જોઈએ અને વૃક્ષ છેદન કે પક્ષીઓના શિકાર સામે સંબંધિત વિભાગને જાણ કરવી જોઈએ.

 

પર્યાવરણ બચાવવા માટે દરેક વ્યક્તિએ ઈકોફ્રેન્ડલી બનવું પડશે. ખુલ્લો કચરો ન બાળવો, પ્લાસ્ટિકના બદલે કાગળની બેગ વાપરવી, ચાર રસ્તા પર વાહનનું એન્જિન બંધ રાખવું, બ્રેકનો ઉપયોગ ઘટાડવો, બિનજરૂરી વીજળી, કમ્પ્યુટર, ટીવી અને ચાર્જરના પ્લગ અનપ્લગ કરવા જેવા નાના પ્રયાસો મોટું પરિવર્તન લાવી શકે છે. મનુષ્ય પૃથ્વીનો અધિપતિ બનીને જમીન, જળ અને વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યો છે, જેનાથી ઋતુચક્ર ખોરવાય છે. સંતતિ વિનાના લોકોનું ભાવિ જેમ ધૂંધળું છે, તેમ વૃક્ષ વિનાના રાષ્ટ્રો પણ લાચાર હોય છે. આથી, શુભ કાર્યોમાં વૃક્ષારોપણને પ્રાધાન્ય આપી પર્યાવરણને પોતાના કુટુંબ સમાન ગણી તેનું જતન કરવાનો સંકલ્પ લેવા પી.ડી.યુ. મેડીકલ કોલેજ, રાજકોટના લાઇબ્રેરીયન ડૉ.રાજેશ ત્રિવેદી (મોબાઈલ નંબર: ૯૮૯૮૦૨૭૫૧૪) દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

(10:54 AM IST)