News of Thursday, 26th November 2026
જંગલેશ્વરકાંડઃ મોટા મગરમચ્છો બચી ગયા? નાની માછલીઓ ફસાઇ !!
સાંસકૃતિક વિભાગના અધિકારી ઉનાવા ફરજ મોકૂફ, ડો. જયેશ વકાણી સહિત બે અધિકારીઓ સામે માત્ર ખાતાકીય તપાસઃ રૂ.૨૭.૨૦ લાખના ફૂડ બિલથી શરૂ થયેલા વિવાદમાં રૂ.૧૮ લાખથી વધુના બિલમાં કપાત અને રૂ.૨ લાખથી વધુની રિકવરી

રાજકોટ, તા. ર૬: મ્યુનિ. કોર્પોરેશન જંગલેશ્વરમાં હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચને લઈને સર્જાયેલા વિવાદમાં અંતે તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. મેયર ડો. નેહલ શુક્લ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા બાદ જાહેર થયેલા રિપોર્ટના આધારે સાંસ્કળતિક વિકાસ વિભાગના અધિકારી કૌશિક ઉનાવાને ફરજમોકૂફ કરવામાં આવ્યા છે. જ્યારે આરોગ્ય વિભાગના અધિકારી ડો. જયેશ વકાણી તથા સેન્ટ્રલ વર્કશોપ વિભાગના અધિકારી સામે ખાતાકીય તપાસનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, આ કાર્યવાહીને પગલે મોટા મગરમચ્છો બચી ગયા અને નાની માછલીઓ જ જાળમાં આવી છે કે કેમ? તેવો સવાલો ઊભા થયા છે.
ફેબ્રુઆરી-૨૦૨૬ દરમિયાન જંગલેશ્વરમાં હાથ ધરાયેલા મેગા ડિમોલિશન વખતે અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસ જવાનોના ખાણી-પીણી પાછળ રૂ.૨૭.૨૦ લાખનું ફૂડ બિલ રજૂ થતાં ભારે વિવાદ સર્જાયો હતો. જેમાં રૂ.૨૦.૬૮ લાખનું ભોજન બિલ, રૂ.૬.૩૦ લાખની ચા-કોફી અને બિસ્કિટનો ખર્ચ ઉપરાંત ૨૧ હજાર કપ ચા, ચાર હજાર બોટલ લીંબુ શરબત સહિતની વિગતો સામે આવી હતી. મિનરલ વોટર પાછળ પણ રૂ.૧૨ લાખથી વધુનું બિલ ચર્ચામાં આવ્યું હતું.
સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થયેલા ફૂડ બિલને મંજૂરી આપવાના બદલે પેન્ડિંગ રાખી અધિકારીઓ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો હતો. સમગ્ર પ્રકરણમાં મેયર ડો. નેહલ શુક્લએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવી વિશેષ તપાસ કમિટી રચવા તેમજ તમામ બિલો, ખર્ચની મંજૂરીની પ્રક્રિયા અને જવાબદાર અધિકારીઓની ભૂમિકાની નિષ્પક્ષ તપાસ કરવા સૂચના આપી હતી.
હવે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા જાહેર કરાયેલા તપાસ રિપોર્ટમાં ચા-નાસ્તો, ભોજન, પાણી, પેસેન્જર વાહનો, ઇલેક્ટ્રિક કામગીરી, એલ.ઈ.ડી. ટીવી, મંડપ, વીડિયોગ્રાફી અને ડ્રોન સહિતની કામગીરીના ખર્ચમાં વિવિધ ક્ષતિઓ દર્શાવવામાં આવી છે. દોશી ઇલેક્ટ્રિક, ગ્લોબલ કોમ્યુનિકેશન, ઉમિયાજી મંડપ, બાલાજી વીડિયો અને એન.પી. વીડિયો સહિતની એજન્સીઓના બિલમાં કપાત તથા રિકવરી કરવાનો નિર્ણય લેવાયો છે. રૂ.૧૮ લાખથી વધુના બિલમાં કપાત અને રૂ.૨ લાખથી વધુની રિકવરી કરવામાં આવનાર છે. જોકે, એક અધિકારીને ફરજમોકૂફ કરવામાં આવ્યા છે ત્યારે અન્ય બે અધિકારીઓ સામે માત્ર ખાતાકીય તપાસનો નિર્ણય લેવાતાં કાર્યવાહીના માપદંડો સામે સવાલો ઊભા થયા છે. ખર્ચને મંજૂરી આપનાર ઉચ્ચ અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે કે કેમ? મેયરના નિષ્પક્ષ તપાસના આદેશ બાદ હવે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર મંડાઈ છે.(૬.૧પ)
મેયરના આદેશ બાદ તપાસ થઈ, હવે ઉચ્ચ અધિકારીઓની જવાબદારી નક્કી થશે?
રાજકોટઃ જાહેર નાણાંના ખર્ચમાં પારદર્શિતા જળવાય તે માટે મેયર ડો. નેહલ શુક્લએ નિષ્પક્ષ તપાસના આદેશ આપ્યા હતા. હવે તપાસ રિપોર્ટ જાહેર થઈ ગયો છે ત્યારે લાખો રૂપિયાના ખર્ચની મંજૂરી આપનાર અને સમગ્ર કામગીરીનું સુપરવિઝન કરનાર ઉચ્ચ અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી છે કે કેમ? માત્ર બિલમાં કપાત, રિકવરી અને ખાતાકીય તપાસથી પ્રકરણ પૂરું થશે કે ઉચ્ચ સ્તરે પણ જવાબદારી નક્કી થશે?
એક અધિકારીઓને છાવરવા મંત્રીઓની ભલામણ? મનપા લોબીમાં ગરમાગરમ ચર્ચા
રાજકોટઃ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ પ્રકરણમાં કેટલાક અધિકારીઓને બચાવવા માટે મંત્રી કક્ષાએથી ભલામણો આવી હોવાની ચર્ચા મહાનગરપાલિકાની લોબીમાં ચાલી રહી છે. એક અધિકારી અને એક મંત્રી એક જ શહેરના હોવાનું તેમજ સંબંધિત અધિકારીની નિમણૂક વખતે પણ ભલામણ થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સંબંધિત અધિકારી સામે હાલ માત્ર ખાતાકીય તપાસનો નિર્ણય લેવાયો હોવાથી રાજકીય ભલામણોની અસર કાર્યવાહી પર પડી છે કે કેમ? તેવો સવાલ ચર્ચાઈ રહ્યો છે.
(3:07 PM IST)










