તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
આખી જિંદગી ડબલ્યાવેડા જ કરજો, કાંઇ નહિ થાય કોંગ્રેસથી...ઇન્સ્ટામાં મેસેજ કરવા મામલે છરી ઉડી
વોર્ડ નં. ૪ના હારેલા કોંગ્રેસના ઉમેદાર શિતલબેનના પતિ હાર્દિકભાઇ પરમારને નિલેષે મેસેજ મોકલતાં ગાળાગાળીઃ સમાધાન માટે પારૂલ બગીચા પાસે ભેગા થયા બાદ જામી પડી : હાર્દિકભાઇ પરમાર અને વચ્ચે પડેલા મિત્ર સંજય સોલંકીને ઇજાઃ બી-ડિવીઝન પોલીસે નિલેષ ચોૈહાણ અને તેના ભાઇ અજય ચોૈહાણ સામે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨૯: ગઇકાલે મહાનગર પાલિકાની ચુંટણીની મત ગણતરી થતાં ફરીથી ભાજપનો કેશરીયો લહેરાયો હતો. આ વચ્ચે વોર્ડ નં. ૪ના કોંગ્રેસના પરાજીત ઉમેદવાર શિતેલબેન પરમારના પતિ હાર્દિકભાઇ પરમાર અને હાર્દિકભાઇના મિત્ર સંજયભાઇ સોલંકી પર કુવાડવા રોડ પારૂલ બગીચા નજીક બે સગા ભાઇઓએ છરીથી હુમલો કરતાં ફરિયાદ થઇ છે. હારેલા મહિલા ઉમેદવારના પતિ હાર્દિકભાઇને ઇન્સ્ટાગ્રામ પર નિલેષ ચોૈહાણે ‘આખી જિંદગી ડબલ્યાવેડા જ કરજો કાંઇ નહિ થાય તમારા કોંગ્રેસથી' એવો મેસેજ કરતાં બંને વચ્ચે ગાળાગાળી થયા બાદ સમાધાનની વાત કરવા ભેગા થયા ત્યારે વાત વણસી જતાં હાર્દિકભાઇ અને તેના મિત્ર પર નિલેષ અને તેના ભાઇ અજયએ હુમલો કર્યો હતો.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે મોરબી રોડ સેટેલાઇટ ચોક મહેશ્વરી પાર્ક મેઇન રોડ પર રહેતાં હાર્દિકભાઇ ખોડાભાઇ પરમાર (ઉ.વ.૩૬)ની ફરિયાદ પરથી કુવાડવા રોડ લાતી પ્લોટમાં રહેતાં નિલેષ ચોૈહાણ અને અજય ચોૈહાણ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. હાર્દિકભાઇ પરમારે જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને જામનગર રોડ ન્યારાના પાટીયા પાસે સચ્ચા સોદા નામે ખાણીપીણીનો વેપાર કરુ છું. મંગળવારે ૨૮મીએ બપોરે હું ગોંડલ રોડ ચોકડીએ હતો ત્યારે મારા મોબાઇલ ફોનમાં ઇન્સ્ટાગ્રામમાં નિલેષ ચોૈહાણ-૧ના નામથી મારી આઇડીમાં વોઇસ મેસેજ આવ્યો હતો. જેમાં ‘આખી જિંદગી ડબલ્યાવેડા જ કરજો, કાંઇ નહિ થાય તમારા કોંગ્રેસથી' તેવો ઓડીયો હોઇ મેં તેનો રિપ્લાય અપ્યો હતો કે-એ તો બધાને ખબર જ છે કે ડબલ્યાવેડા કોણ કરે છે? મારા રિપ્લાય પછી નિલેષે મને વોઇસ મેસેજથી ગાળો દીધી હતી અને મેં પણ સામે ગાળો દીધી હતી.
ત્યારબાદ સાંજના પોણા છએક વાગ્યે હું પાણીના ઘોડા પાસે પેડક રોડ પર હતો ત્યારે નિલેષ ચોૈહાણે મને ફોન કરીને-તું ક્યાં છો? જલ્દીથી પારૂલ બગીચા પાસે આવ તેમ કહ્યું હતું. મારે મારી સ્કોર્પિયો મિત્ર સંજય ગોવિંદભાઇ સોલંકીને આપવાની હોઇ જેથી હું ગાડી લઇને કુવાડવા રોડ રણછોડદાસ બાપુના આશ્રમ પાસે ગયો હતો. આ વખતે પણ નિલેષના ફોન વારંવાર આવતાં હતાં. જેથી હું અને મારા મિત્ર સંજય બંને કાર લઇને પારૂલ બગીચા પાસે ગયા હતાં. આ વખતે નિલેષ શ્રેયસ સ્કૂલ પાસે ઉભો હતો. આ વખતે નિલેષે કહેલું કે-અમે ઓરીજીનલ રાજપૂત છીએ. આથી મેં પણ તેને નાત ભાઇ હોવાને નાતે મેસેજમાં ગાળાગાળી નહિ કરવા સમજાવ્યો હતો. આ વખતે અમારી બંને વચ્ચે ગેરસમજ થઇ હતી તેનું સમાધાન થઇ ગયુ હતું.
ત્યાં જ નિલેષનો ભાઇ અજય એકટ્ીવા પર અન્ય એક શખ્સને લઇને આવ્યો હતો અને મારી સાથે ગાળાગાળી અને ઝપાઝપી કરવા માંડયો હતો. આ દરમિયાન અજયએ પેન્ટના નેફામાંથી છરી કાઢી હતી અને મને ડાબા પડખામાં ઘા મારી દીધો હતો. આ પછી તે જેમ ફાવે તેમ છરી ફેરવવા માંડતાં મારા મિત્ર સંજયએ હાથ વચ્ચે નાખતા તેને આંગળાના ભાગે ઇજાઓ થઇ હતી. ઝપાઝપી વખતે હું અને નિલેષ બંને ઓટલા પર પડી ગયા હતાં. માણસો ભેગા થઇ જતાં અમને છોડાવ્યા હતાં. મિત્ર સંજયને લોહી નીકળતું હોઇ હું તેને કારમાં મધુરમ હોસ્પિટલે લઇ ગયો હતો. તેમ વધુમાં હાર્દિકભાઇએ જણાવતાં બી-ડિવીઝન પીઆઇ જી. આર. ચોૈહાણની રાહબરીમાં પીએસઆઇ જે. આર. સોલંકીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સામો પક્ષે પણ પોતાના પર હુમલો થયાનો આક્ષેપ કરાયો હતો.
(4:10 PM IST)










