<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

સાળીની દિકરીની પજવણી કરનારને ટપારતાં કૈલાસભાઇ સોલંકી પર ધોકા-પાઇપથી હુમલો

કોઠારીયા સોલવન્‍ટ શીતળાધારનો બનાવઃ બે સગા મામા અજયભાઇ, સાગરભાઇ અને તેના દિકરા સંજયએ હુમલો કર્યોઃ સામા પક્ષે અજયભાઇ મકવાણાને પણ ઇજા પહોંચી

રાજકોટ તા. ૧: શહેરના કોઠારીયા સોલવન્‍ટ વિસ્‍તારમાં એક યુવાન પર તેના જ બે સગા મામા અને મામાના દિકરાએ ધોકા-પાઇપથી હુમલો કરી લોહીલુહાણ કરી નાંખતા સારવાર માટે દાખલ થયો છે. વળતા હુમલામાં તેના એક મામા પણ ઘાયલ થઇ જતાં તે પણ હોસ્‍પિટલમાં પહોંચ્‍યા હતાં. યુવાને આક્ષેપ સાથે કહ્યું હતું કે તેની સાળીની દિકરીની મામાનો દિકરો પજવણી કરતો હોઇ તેને ઠપકો દેતાં મારામારી થઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા સોલવન્‍ટ શિતળાધાર પાસે પચ્‍ચીસ વારીયામાં રહેતાં કૈલાસભાઇ કાનજીભાઇ સોલંકી (ઉ.વ.૩૨) નામના યુવાન પર સાંજે ઘર પાસે માધવ હોટલ નજીક હતાં ત્‍યારે તેના જ સગા બે મામા અજયભાઇ મકવાણા અને સાગરભાઇ મકવાણા તથા મામાના દિકરા સંજયે મળી ધોકા-પાઇપથી હુમલો કરી બેફામ માર મારતાં માથા, શરીરે ઇજાઓ થતાં લોહીલુહાણ થઇ ગયા હતાં. દેકારો મચાવતાં લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં.

કૈલાસભાઇ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. કૈલાસભાઇના કહેવા મુજબ પોતે ભંગારની ફેરી કરી ગુજરાન ચલાવે છે. પોતે બે ભાઇ અને એક બહેનમાં વચેટ છે અને સંતાનમાં બે દિકરા તથા બે દિકરી છે. તેની સાળીની દિકરીની મામાનો દિકરો પજવણી કરતો હોઇ તેને આ બાબતે ઠપકો આપતાં ખાર રાખી બે મામા અને તેના દિકરાએ મળી હુમલો કર્યો હતો.

સામા પક્ષે અજયભાઇ મનજીભાઇ મકવાણા (ઉ.વ.૪૦-રહે. કોઠારીયા સોલવન્‍ટ) પણ પોતાના પર ભાણેજ કૈલાસ તેમજ તેની સાથેના દેવજી ઉર્ફે દેવા સહિતે ઇંટથી હુમલો કરી ઇજા પહોંચાડયાની ફરિયાદ સાથે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં પોલીસે તેનું પણ નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(2:35 PM IST)