<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

હૃદય બેસી જતાં ૩૫ વર્ષના કપિલભાઇ અને ૫૪ વર્ષના અનિતાબેનના મૃત્‍યુ

આંબેડકરનગર અને વિતરાગ સોસાયટીના પરિવારોમાં શોકઃ બેભાન હાલતમાં વેલનાથ પાર્કના સુરેશભાઇનું મૃત્‍યુથી સ્‍વજનોમાં ગમગીની

રાજકોટ તા. ૬: હૃદય રોગના હુમલાથી વધુ એક યુવાન અને એક મહિલાના મૃત્‍યુ થયા છે. જ્‍યારે એક પ્રોૈઢનું બેભાન હાલતમાં મૃત્‍યુ થયું હતું. તહેવારના દિવસોમાં સ્‍વજનોના મૃત્‍યુથી પરિવારોમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્‍યા મુજબ ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૧૦માં રહેતાં કપિલભાઇ જેઠાભાઇ સોંદરવા (ઉ.વ.૩૫) નામના યુવાન સવારે ઘરે હતાં ત્‍યારે છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. કપિલભાઇ બે બહેનના એકના એક મોટા ભાઇ હતાં અને પરિણીત હતાં. તે ઓફિસમાં નોકરી કરતાં હતાં. હૃદય રોગનો હુમલો આવી ગયાનું સગાએ જણાવ્‍યું હતું.

બીજા બનાવમાં ગાંધીગ્રામ સોમેશ્વર મહાદેવ મંદિર પાસે વિતરાગ સોસાયટીમાં રહેતાં અનિતાબેન ભગવાનદાસ તેદલાણી (ઉ.વ.૫૪) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તેમને સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. હૃદય રોગનો હુમલો આવી ગયાનું બહાર આવ્‍યું હતું.

ત્રીજા બનાવમાં કોઠારીયા વેલનાથ પાર્ક-૨માં રહેતાં સુરેશભાઇ દેવજીભાઇ જીંજુવાડીયા (ઉ.વ.૫૫) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. મૃતકને ટીબીની બિમારી હોવાનું જણાવાયું હતું. ત્રણેય બનાવમાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે માલવીયાનગર, ગાંધીગ્રામ, આજીડેમ પોલીસને જાણ કરી હતી.

(3:48 PM IST)