<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

શ્રેષ્‍ઠ કલેકટરો-ડી.ડી.ઓ.ને. કર્મયોગી પુરસ્‍કાર અપાશે

સરકારે ધારાધોરણો જાહેર કર્યા : ૩૪ જિલ્લાઓને ૪ ભાગમાં વહેંચાયા : રૂા. પ૧ હજાર ઇનામ અને ૪૦ લાખની ગ્રાન્‍ટ

રાજકોટ, તા. ૭ રાજય સરકારે શ્રેષ્‍ઠ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને પ્રોત્‍સાહન આપવા માટે કર્મયોગી પુરસ્‍કાર આપવાની ફેરફાર સાથેની નવી યોજના જાહેર કરી છે. ૩૪ જિલ્લાઓને જુના કોર્પોરેશન ધરાવતા જિલ્લા, નવા કોર્પોરેશન ધરાવતા જિલ્લા, આદિવાસી જિલ્લા અને અન્‍ય જિલ્લા તેમ ચાર ભાગ પાડેલ છે.

સામાન્‍ય વહીવટ વિભાગના નાયબ સચિવ રાજેન્‍દ્રસિંહ રાઠોડની સહીથી તા. ૬ જુલાઇ ર૦ર૬ ના દિવસે આ અંગેનો પરિપત્ર પ્રસિધ્‍ધ કરવામાં આવેલ છે.  પરિપત્રમાં જણાવ્‍યા મુજબ આ યોજના જિલ્લા કલેક્‍ટર/ જિલ્લા વિકાસ અધિકારીઓ માટે કર્મયોગી પુરસ્‍કાર યોજના તરીકે ઓળખાશે. આ યોજના વર્ષ ૨૦૨૬- ૨૭ ના નાણાકીય વર્ષથી અમલી બનશે.

જે જિલ્લા કલેક્‍ટર/ જિલ્લા વિકાસ અધિકારીએ જે તે નાણાકીય વર્ષ દરમ્‍યાન એક જ જિલ્લામાં છ માસથી વધુ સમય માટે સેવા/ફરજ બજાવી હોય તેવા જિલ્લા કલેક્‍ટર/ જિલ્લા વિકાસ અધિકારીનું નામ પુરસ્‍કાર આપવા માટે વિચારણાને પાત્ર ગણાશે. આ યોજના હેઠળ, જે તે વર્ષ માટે અધિકારીશ્રી પુરસ્‍કાર મેળવે તે જ અધિકારીશ્રીને, તે પછીના તુરંતના વર્ષ માટે પુરસ્‍કાર પાત્ર હોવા છતાં તે અધિકારીશ્રીનું નામ વિચારણામાં લેવામાં આવશે નહી. જો કે એક વર્ષ છોડીને તે પછીના વર્ષમાં, પુરસ્‍કારની પસંદગી માટે તેમના નામની વિચારણા કરી શકાશે.

પરંતુ જે અધિકારીશ્રી જે તે વર્ષ માટે, પુરસ્‍કાર મેળવે, તે જ અધિકારીશ્રીને તે પછીના તુરંતના વર્ષ માટે, અગાઉના વર્ષથી અલગ હોદ્દો ધરાવતા અધિકારીશ્રી હશે તો, પુરસ્‍કારને પાત્ર રહેશે. દા.ત. જે અધિકારીશ્રીને, જે વર્ષમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે પુરસ્‍કાર મળેલ હોય અને તે જ અધિકારીશ્રી, તે પછીના તુરંતના વર્ષમાં કલેક્‍ટર તરીકે કાર્યરત હોય તો, તે કલેક્‍ટર તરીકે તે વર્ષ માટે, પુરસ્‍કારને પાત્ર ગણાશે. પરંતુ તેઓએ ઉપર મુજબ એક જ જિલ્લામાં ઓછામાં ઓછી છ માસથી વધુ ફરજ બજાવેલ હોવી જોઇશે.

 ૪ - કેટેગરીમાં (દરેક કેટેગરીમાં ૪ કલેક્‍ટર અને ૪ જિલ્લા વિકાસ અધિકારી એટલે કે કુલ ૮- આઠ અધિકારીશ્રી) પુરસ્‍કાર પાત્ર ઠરતા જે તે જિલ્લાના શ્રેષ્ઠ કલેક્‍ટર/ શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારીને રૂ. ૫૧,૦૦૦/- (એકાવન હજાર પુરા)નો રોકડ પુરસ્‍કાર આપવામાં આવશે.

જે અધિકારીશ્રીને પુરસ્‍કાર મળેલ હોય અને તે અધિકારીશ્રીને મળેલ રોકડ પુરસ્‍કાર રૂ. ૫૧.૦૦૦/- નો ઉપયોગ અંગત હેતુઓ માટે ન કરતાં, તેનો ઉપયોગ સમગ્ર વહીવટી તંત્રની ટીમને ઉપયોગી બાબતો માટે અથવા જે તે જિલ્લાની યોજનાકીય આવશ્‍યકતા અનુસાર કરવાનો રહેશે. આ ઉપરાંત પુરસ્‍કાર મેળવનાર અધિકારીશ્રી તેઓ જે જિલ્લાનું પ્રતિનિધિત્‍વ કરતા હોય તે જિલ્લાને રૂ. ૪૦,૦૦,૦૦૦/- (રૂપિયા ચાલીસ લાખ)ની રકમ જિલ્લાના વિકાસ માટે આપવામાં આવશે.

(3:45 PM IST)