તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th October 2026
ખોડલધામ ટ્રસ્ટ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા રાજકોટમાં દશેરાએ અદ્યતન ડાયગ્નોસ્ટિક સેન્ટરનો શુભારંભ
વ્યાજબી દરે વિશ્વસનીય નિદાનની પહેલ : અનેક પ્રકારના પરિક્ષણોની સેવા ઉપલબ્ધ થશે

રાજકોટ તા. ૧૬ : આરોગ્ય સેવાઓને વધુ સુલભ, ગુણવત્તાયુક્ત અને સામાન્ય નાગરિકોને પરવડે તેવી સરદાર પટેલ કલ્ચરલ અને ખોડલધામ ટ્રસ્ટ ફાઉન્ડેશન રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં અદ્યતન ટેકનોલોજીથી સજજ SPCE ડાયગ્નોસ્ટિક સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યું છે.
આગામી તારીખ ૨૦ ઓક્ટોબરના મંગળવારે દશેરાના દિવસે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલના હસ્તે આ ડાયગ્નોસ્ટિક સેન્ટરનો પ્રારંભ કરવામાં આવશે. સામાન્ય પરિવારોને આરોગ્ય નિદાનમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી રહેલું આ ડાયગ્નોસ્ટિક સેન્ટર વ્યાજબી દરે કાર્યરત રહેશે. સેન્ટરમાં અત્યાધુનિક મેડિકલ સાધનો અને ટેકનોલોજીની મદદથી નિષ્ણાત ડોક્ટર્સ તથા પેરા મેડિકલ સ્ટાફ દ્વારા વિવિધ પ્રકારનાં નિદાન પરીક્ષણોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સોનોગ્રાફી, ડિજિટલ એક્સ-રે, મેમોગ્રાફી, કલર ડોપ્લર, ટીએમટી, ઇસીજી, ઇકોકાર્ડિયોગ્રાફી સહિત વિવિધ લેબોરેટરી તપાસોની સુવિધાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બ્લડ ટેસ્ટ, બાયોકેમિસ્ટ્રી, હોર્મોનલ તપાસો અને અન્ય જરૂરી નિદાન સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે. આ અત્યાધુનિક SPCF ડાયગ્નોસ્ટિક સેન્ટર રાજકોટના મવડી વિસ્તારમાં ન્યૂ માયાણીનગર ખાતે આવેલા સરદાર પટેલ ભવન ખાતે કાર્યરત થશે. જરૂરિયાતમંદ દર્દીઓ માટે હોમ કલેક્શનની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
SPCF ડાયગ્નોસ્ટિક સેન્ટર ખાતે રેડિયોલોજિસ્ટ, પેથોલોજિસ્ટ, કાર્ડિયોલોજિસ્ટ સહિતના પોત પોતાના ક્ષેત્રના નિષ્ણાત ડોક્ટર્સ સેવા આપશે. વધુ માહિતી માટે મો.૭૪૩૪૮ ૨૯૨૯૮, ૭૪૩૪૮ ૨૯૨૯૯ અને હોમ કલેકશન માટે મો.૭૪૩૪૮ ૨૯૨૯૭ ઉપર સંપર્ક કરવા જણાવાવયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ હરેશભાઇ પરસાણા, મંત્રી જી. એલ. રામાણી, સહમંત્રી વિજયભાઇ શિયાણી, સીઇઓ શાંતનુભાઇ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:13 PM IST)










