News of Saturday, 19th September 2026
બાલભવનમાં કિડઝ એન્ડ મોમ નવરાત્રી મહોત્સવ
આ વખતે બાળકોની સાથે માતાઓ, બહેનો પણ રાસ રમશે : ૧પ૦૦ ખેલૈયાઓ ગરબે ઘુમશે : ઇનામો

રાજકોટ : બાલભવન રાજકોટ દ્વારા છેલ્લા ૭૦ વર્ષથી બાળકોની અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવી રહેલ છે. આ પ્રવૃત્તિઓ ઉપરાંત બાલ મહોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો, બાલસભા, ઇન્ડોર રમત ગમત સ્પર્ધાઓ અને દરેક તહેવાર તથા નવરાત્રી ભૂલકાઓ સાથે ઉજવવામાં આવતું હોવાનું યાદીમાં જણાવાયું છે.
દર વર્ષે બાલભવન રાજકોટ દ્વારા નવરાત્રીનું એકમાત્ર એવું આયોજન કરવામાં આવે છે કે જયાં ફકત બાળકો ઓરકેસ્ટ્રાના તાલમાં, જગમગાટ રોશની તેમજ વિઝયુઅલ સ્ક્રીન ઇફેકટ અને માતાજીની આરાધના સાથે ઝુમી ઉઠે છે. આ વર્ષે ભૂલકાઓ સાથે મમ્મીઓ પણ એક સાથે એક જ પટાંગણ એટલે કે બાલભવનમાં આંગણે અર્વાચીન દાંડીયારાસ રમી શકે તેવું આયોજન બાલભવન રાજકોટનાં ટ્રસ્ટી શ્રી ડૉ. અલ્પનાબેન ત્રિવેદી (હેલીબેન) અને શ્રી યજ્ઞેશભાઇ જોષીનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે.
નવરાત્રી મહોત્સવ તા. ૧૧.૧૦.ર૦ર૬ થી ર૦.૧૦.ર૦ર૬ સુધી બાલભવનમાં વિશાળ જોકર ગ્રાઉન્ડમાં ઓરકેસ્ટ્રાનાં તાલે રાસ-ગરબા નૃત્યનાં પડઘમ સાથે દરરોજ રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ દરમ્યાન ઉજવાશે.
જેમાં આ વખતે પ થી ૧૬ વર્ષનાં બાળકો સાથે તેનાથી મોટા બહેનો - મમ્મીઓ ભાગ લઇ શકે છે. (ગૃપ-એ) પ થી ૧૦ વર્ષ (ગૃપ-બી) ૧૧ થી ૧૬ અને ૧૬ વર્ષથી મોટા (બહેનો) (ગૃપ-સી) પ્રમાણે બાળકો - બહેનો ફોર્મ ભરી શકે છે. સીઝન પાસ ધરાવનાર દરેક બાળક-બહેનોને પ્રિન્સ/પ્રિન્સેસ જાહેર કરી ઇનામ પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવશે. જેના ફોર્મ ભરવાની છેલ્લી તા. ૧૭ સુધીની છે. વધુ માહિતી માટે ફોન નં. ૦ર૮૧-ર૪૪૦૯૩૦ ઉપર સંપર્ક કરી શકાય છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે બાલ ભવનના કિરીટ વ્યાસ, પી.ડી. જાડેજા, આસીફ સૈયદ, તૃપ્તીબેન ચૌહાણ, રીશીતાબેન જોષી, શિલ્પાબેન પંડયા, માલાબેન રાઠોડ, શૈલીબેન મહેતા, વર્ષાબેન વ્યાસ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:39 PM IST)










