તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
સર્વેશ્વર ચોક કા રાજાઃ દુંદાળા દેવની સન્મુખ દીકરીઓએ તલવાર રાસ કરી શૌર્યનું પ્રદર્શન કર્યું

રાજકોટઃ રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોક ખાતે સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ‘સર્વેશ્વર ચોક કા રાજા' ગણેશ મહોત્સવમાં રાજકોટના રાજવી પરિવારના યુવરાજ જયદિપસિંહજીએ પોતાના મિત્રવર્તુળ સાથે હાજરી આપી હતી. કાશ્મીરાબેન નથવાણી અને બીનાબેન આચાર્યએ મહાઆરતીનો લાભ લીધો હતો. આજે સોમવારે પણ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયેલ છે. રકતદાતાઓએ રકતદાન કરવા અનુરોધ કરાયો છે.
ગણપતિ દાદાની મહાઆરતીનો લાભ મહેશભાઈ રાજપૂત અને તેમના પરિવારે લીધો હતો. પોલીસ કમિશનર બ્રજેશ ઝા, પીસીબીના પીઆઈ શ્રી ગોંડલીયા તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના પુત્ર ઋષભભાઈ રૂપાણીએ પણ હાજરી આપી હતી. સર્વેશ્વર ચોક કા રાજા ગણપતિ મહોત્સવમાં રાજકોટના શ્રીશક્તિ તલવારબાજી ગ્રૂપની દીકરીઓએ ગણપતિ દાદાની સન્મુખ તલવાર રાસ રજૂ કર્યો હતો. તલવાર રાસ દરમિયાન દીકરીઓએ પોતાની કળા, તાલમેલ અને શૌર્યનું પ્રદર્શન કર્યું હતું. પરંપરાગત તલવારબાજીની કળા દ્વારા તેમણે દુંદાળા દેવની આરાધના કરી હતી. આ રજૂઆતથી ઉપસ્થિત ભાવિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને દીકરીઓએ પોતાની શક્તિ તથા કૌશલ્યનો પરિચય આપ્યો હતો
(4:09 PM IST)










