<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

મવડીપ્‍લોટ અમરનગરમાં કિશન મેવાડાને પાડોશી દીપે ગાળો દઇ જર્મન શેફર્ડ કૂતરો છુટો મુકી બટકા ભરાવ્‍યા! : જુઓ વિડીયો

તું ક્રાઇમ બ્રાંચમાં બાતમી આપે છે...અગાઉ મોબાઇલ ફોન બાબતે પણ અમને હેરાન કર્યા'તા...કહી ગાળો દઇ કૂતરો બાંધવાની સાંકળથી પણ ફટકાર્યોઃ વચ્‍ચે પડેલા યુવાનના પત્‍નિને પણ ગાળો ભાંડી

તસ્વીરમાં જર્મન શેફર્ડ કૂતરાઍ કઇ રીતે હુમલો કરી બટકા ભર્યા તે દ્રશ્યો જાઇ શકાય છે, આ ઉપરાંત કૂતરો બાંધવાની સાંકળથી પણ મારકુટ કરવામાં આવી હતી

રાજકોટ તા. ૨૯:  શહેરના મવડી પ્‍લોટ વિસ્‍તારમાં ક્રાઈમ બ્રાંચમાં બાતમી આપતો હોવાની શંકા રાખી પાડોશમાં રહેતા શખ્‍સે એક રિક્ષાચાલક યુવક પર પોતાના પાળેલા જર્મન શેફર્ડ કૂતરાને છોડી મુકી હુમલો કરાવ્‍યાનો ચોંકાવનારો કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે. આરોપીએ કૂતરાને ઉશ્‍કેરી યુવકને શરીરે બટકા ભરાવવા ઉપરાંત કૂતરાને બાંધવાની લોખંડની સાંકળથી પણ માર માર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડાયો છે, જ્‍યાં તેની ફરિયાદના આધારે પોલીસે પાડોશી સામે ગુનો નોંધ્‍યો છે.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે મવડી પ્‍લોટ ફાયર બ્રિગેડ સામે વૃંદાવન એસ્‍ટેટની બાજુમાં ખોડીયાર કૃપા અમનગર-૧ ખાતે રહેતાં કિશનભાઇ રમેશભાઇ મેવાડા (ઉ.વ.૩૪)ની ફરિયાદ પરથી અમરનગર-૧માં તેના પાડોશમાં જ રહેતાં દીપ કૃષ્‍ણસિંહ જાડેજા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

કિશનભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે અને પરિવારમાં પિતા, પત્‍નિ સાથે રહે છે. તેણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે સોમવારે ૨૮મીએ સાંજે સાતેક વાગ્‍યાના અરસામાં તે તેના ઘર પાસે રિક્ષા નંબર જીજે૩૮ડબલ્‍યુ-૩૬૨૯ પાસે બેઠો હતો. આ સમયે  શેરીમાં રહેતા કળષ્‍ણસિંહ જાડેજાનો પુત્ર દીપ પોતાનું જર્મન શેફર્ડ કૂતરૂં લઈને ત્‍યાં આવ્‍યો હતો. આ પછી દીપે કિશનભાઈને જોઈને અચાનક બેફામ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. કિશનભાઈએ શું થયું શા માટે મને ગાળો આપો છો તેમ કહી ગાળો ેવાની ના પાડતાં તેણે વધુ ઉશ્‍કેરાઇ જઇ કહ્યું હતું કે- તું અમારી ક્રાઈમ બ્રાંચમાં બાતમી આપે છે અને અગાઉ મોબાઈલ બાબતે પણ અમને ખોટી રીતે હેરાન કરેલ હતાં.

ત્‍યારબાદ દીપે પોતાની પાસે રહેલા જર્મન શેફર્ડ કૂતરાને કિશનભાઈ પર હુમલો કરવા માટે છોડી મુકયો હતો. કૂતરાએ કિશનભાઈ પર ત્રાટકીને તેમના ડાબા હાથ, જમણા હાથ તેમજ ડાબા પગના ભાગે બટકા ભરી લીધા હતા, જેના કારણે લોહી વહેવા લાગ્‍યું હતું. આ રીતે કૂતરો તૂટી પડતાં કિશનભાઈ જમીન પર પડી ગયા હતાં. તે બચવાની કોશિશ કરી રહ્યા હતા ત્‍યારે દીપે કૂતરાને બાંધવાની લોખંડની સાંકળ વડે કિશનભાઈના માથા અને ચહેરાના ભાગે આડેધડ ફટકા મારવાનું શરૂ કર્યું હતું.

આ પછી કિશનભાઇ દીપના વધુ મારથી અને તેના કૂતરાથી જેમતેમ કરીને બચીને પોતાના ઘરમાં ભાગી ગયા હતા. ત્‍યારબાદ  દીપ તેમના ઘર પાસે આવ્‍યો હતો અને કીશનભાઇના પત્‍નિને પણ ગાળો ભાંડી હતી. બનાવને પગલે શેરીમાંથી દીપકભાઈ હુમ્‍બલ સહિતના આસપાસના લોકો દોડી આવ્‍યા હતા. લોકોનું ટોળું એકઠું થઈ જતાં આરોપી દીપ પોતાનું કૂતરૂ લઈને સ્‍થળ પરથી પોતાના ઘર તરફ ભાગી ગયો હતો.

બનાવ બાદ ઈજાગ્રસ્‍ત કિશનભાઈના પિતા રમેશભાઈએ તાત્‍કાલિક ૧૧૨ પોલીસ કંટ્રોલ રૂમ અને ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સને જાણ કરી હતી. ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફતે ઈજાગ્રસ્‍ત યુવકને રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યો હતો. તબીબોના જણાવ્‍યા મુજબ કિશનભાઈને માથાના ભાગે ચેન વાગવાથી કપાળે તથા આંખ પાસે ઇજાઓ પહોંચી છે, તેમજ બંને હાથ અને પગમાં કૂતરાએ બટકા ભરતાં ઈજાઓ થઈ છે. સિવિલ હોસ્‍પિટલના ટ્રોમા સેન્‍ટર ખાતે સારવાર દરમિયાન કિશનભાઈની ફરિયાદ પરથી માલવીયાનગર પીઆઇ જે. એમ. કૈલાની ફરિયાદ પરથી પીએસઆઇ સી. પી. રાઠોડે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:41 PM IST)