તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st October 2026
દિવાળી પહેલા રસોડાનું બજેટ ખોરવાશે ! સિંગતેલમાં રૂ.૧૫, કપાસિયા તેલમાં રૂ.૨૦નો વધારો
નવી મગફળીમાં ભેજ વધુ હોવાથી પિલાણ ઘટયું, સૌરાષ્ટ્રમાં મગફળીના ઉત્પાદનમાં ઘટાડાથી ડબ્બાના ભાવ ૩૦૦૦ને પાર

રાજકોટ, તા. ૩૧: દિવાળી પહેલા જ ગુજરાતની ગળહિણીઓને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યભરમાં ખાદ્યતેલના ભાવમાં ઉછાળો આવ્યો છે. ખાસ કરીને ગુજરાતમાં સૌથી વધુ વપરાતા સિંગતેલ અને કપાસિયા તેલમાં ભડકો થયો છે.
વેપારીઓના જણાવ્યા મુજબ છેલ્લા એક સપ્તાહમાં સિંગતેલના ડબ્બે રૂ. ૧૫ નો વધારો નોંધાયો છે.
અગાઉ જે ૧૫ કિલોનો ડબ્બો રૂ. ૨૯૭૦ થી ૩૦૩૦ માં મળતો હતો તે હવે રૂ. ૩૦૩૦ થી ૩૦૮૦ સુધી પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલમાં ડબ્બે રૂ. ૨૦ નો વધારો થયો છે, જેનો ભાવ રૂ. ૨૫૭૫ થી વધીને રૂ. ૨૬૨૫ થયો છે.
હાલ માર્કેટ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઈ છે, પણ તેમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી તેલનું ઉત્પાદન ઓછું નીકળે છે. તેના કારણે ઓઈલ મિલોએ ખરીદી ધીમી કરી છે.
આ વર્ષે સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર વિસ્તારમાં ઓછા વરસાદને કારણે મગફળીના પાકને મોટું નુકશાન થયું છે. ગયા વર્ષે ૬૨ લાખ ટન ઉત્પાદન સામે આ વર્ષે ૫૦.૩૩ લાખ ટન જ ઉત્પાદનનો અંદાજ છે. દિવાળીના તહેવારે ખાદ્યતેલની માંગ વધી હોવાથી પણ ભાવમાં તેજી છે.
વેપારીઓના મતે આ ભાવ વધારો કામચલાઉ છે.
દિવાળી પછી બજારમાં સુકી મગફળીનો પૂરતો જથ્થો આવશે અને મિલોનું પિલાણ પૂરા જોશમાં શરૂ થશે ત્યારે ડબ્બે રૂ. ૩૦ થી ૪૦ નો ઘટાડો થવાની શકયતા છે.
હાલ પૂરતું તહેવારોની સીઝનમાં લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડશે.
(3:50 PM IST)










