<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

શરદ પૂનમે બહેનો માટે ‘ક્રિષ્‍ના રાસોત્‍સવ'

કોઠારીયા કોલોની યુવા ગ્રુપ અને નારી સુરક્ષા સમિતિ દ્વારા શેઠ હાઇસ્‍કૂલના મેદાનમાં : નાત જાત કે ધર્મના ભેદભાવ વગર કોઇપણ બહેનોને વિનામુલ્‍યે પાસ વિતરણ : વિજેતાઓને ઇનામોથી નવાજાશે

રાજકોટ તા. ૧૯ : કોઠારીયા કોલોની યુવા ગ્રુપ અને જિલ્લા નારી સુરક્ષા સમિતિના સંયુકત ઉપક્રમે શ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ મહંતશ્રી આપાગીગાનો ઓટલોના સહયોગથી દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૨૫ ના રવિવારે રાત્રે બહેનો માટે ‘ક્રિષ્‍ના મહિલા રાસોત્‍સવ ૨૦૨૬'નું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે સતત ૨૯મા વર્ષે આ આયોજન કરાયુ છે. તા. ૨૫ ના રવિવારે રાત્રે ૮ થી ૧ સુધી ૮૦ ફુટ રોડ, બગીચા સામે, પી.એન્‍ડ ટી.વી. શેઠ હાઇસ્‍કુલના વિશાળ ગ્રાઉન્‍ડમાં મહિલા રાસોત્‍સવ જામશે.

દીપપ્રાગટય મંડળની નાની બાળાઓના હસ્‍તે કરી રાસોત્‍સવ ખુલ્લો મુકાશે. પરંપરા મુજબ સંસ્‍થા અને દાતાઓના આર્થિક સહકારથી સારો દેખાવ કરનારને ઇનામોથી નવાજવામાં આવશે. આ રસોત્‍સવમાં કોઇપણ ધર્મ કે જાતિના ભેદભાવ વગર દરકે બહેનોને નિઃશુલ્‍ક પ્રવેશ અપાશે. જો કે વ્‍યવસ્‍થાના ભાગરૂપે પાસ પ્રથા રાખેલ છે. આ પાસ મેળવવા તા.૨૦ થી નટેશ્વરધામ મંદિર, ૮૦ ફુટ રોડ, શેઠ હાઇસ્‍કુલની બાજુમાં સાંજે  ૬ થી ૭ દરમિયાન સંપર્ક કરી શકાશે. ફકત બહેનોને વહેલા તે પહેલાના ધોરણે વિનામુલ્‍યે પાસ વિતરણ કરાશે.

વર્ષોની પરંપરા મુજબ પ્રાચીન રાસોત્‍સવમાં શરદ પૂનમના દિવસે ગરબી મંડળની બાળાઓ, શહેરભરના મહીલાઓ ઉત્‍સાહભેર આ ક્રિષ્‍ના રાસોત્‍સવમાં ભાગ લેશે. બહેનોની સુરક્ષા માટે હેલ્‍પલાઇન મો.૯૪૨૬૨ ૨૯૩૯૬ ઉપર સંપર્ક કરી શકાશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કોઠારીયા કોલોની યુવા ગ્રુપના પ્રમુખ ગજેન્‍દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઇન્‍દુભા રાઓલ, નારી સુરક્ષા સમિતિના પદ્દમાબા ચૌહાણ, માલતીબેન ચાવડા, એડવોકેટ હિંમતભાઇ લાબડીયા, જયંતિભાઇ હીરપરા, નાગજીભાઇ પટેલ, પ્રવિણભાઇ લાખાણી, વિભુતિબેન ત્રિવેદી, હલિમાબેન વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા કોઠારીયા કોલોની યુવા ગ્રુપ અને આયોજન સમિતિના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:23 PM IST)