<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનના પીઆઇ વસાવા સસ્‍પેન્‍ડ થતાં પોલીસબેડામાં ચકચાર

જંગલેશ્વરના ફિરોઝનો ૭૦.૩૮ કરોડનો દારૂ ઝડપાયા બાદ આકરા પગલા : ઇન્‍કવાયરી પહેલા જ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની આકરી કાર્યવાહીઃ પ્ર.નગરથી બદલી બાદ કુવાડવામાં ચાર્જ સંભાળનારા પીઆઇ સામે આકરા પગલાથી સ્‍ટાફમાં ફફડાટ સાથે કચવાટ

 

રાજકોટ તા.૨૨:  તાજેતરમાં ગાંધીનગરની સ્‍ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)એ કુવાડવા જીઆઇડીસીમાં દરોડો પાડી જંગલેશ્વરના નામચીન બુટલેગર ફિરોઝ ઉર્ફે ફિરીયાનો ૭૦.૩૮ લાખનો દારૂ ઝડપી લીધો હતો. આ મામલે ઇન્‍કવાયરી શરૂ થાય એ પહેલા જ કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનના પીઆઇ વી. આર. વસાવાને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ સસ્‍પેન્‍ડ કરી દેતાં પોલીસબેડામાં ચકચાર  સાથે કચવાટની લાગણી પણ ફેલાઇગઇ છે. તાજેતરમાં જ પ્ર.નગર પોલીસ સ્‍ટેશનમાંથી બદલી પામીને કુવાડવા ખાતે મુકાયેલા પીઆઇ વી.આર. વસાવા પ્રમાણિક અધિકારીની છાપ ધરાવે છે. પોતાના પોલીસ સ્‍ટેશનના કાર્યક્ષેત્રથી અને ક્‍યાં શું ચાલે છે તેનાથી હજુ પુરતા વાકેફ પણ થયા ન હોઇ બુટલેગર ફિરોઝનો પોણા કરોડનો દારૂ ઝડપાતાં તેમાં તેમનો ભોગ લેવાઇ જતાં પોલીસબેડામાં જ કચવાટની લાગણી પેદા થઇ છે.

કડક અધિકારીની છાપ ધરાવતાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ કુવાડવા રોડ પોલીસની હદમાંથી ત્રણ દિવસ પહેલા ઝડપાયેલા પોણા કરોડ આસપાસના દારૂના પ્રકરણમાં હાલ તુર્ત કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનના પીઆઇ વી. આર. વસાવાને ફરજમાં બેદરકાર ગણી સસ્‍પેન્‍ડ કરી દેતાં સમગ્ર શહેરના પોલીસબેડામાં ચકચાર જાગી છે.  ઉચ્‍ચ સ્‍તરેથી લેવાયેલા આ આકરા પગલાના કારણે કુવાડવા પોલીસ સ્‍ટેશનનો સમગ્ર ડી સ્‍ટાફ અને અન્‍ય પોલીસ કર્મચારીઓ ભારે ચિંતા ફેલાઇ ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ ગત તા. ૧૯ જૂનના શુક્રવારના રોજ સ્‍ટેટ મોનીટરીંગ સેલની ટીમને એક અત્‍યંત ચોક્કસ અને ખાનગી બાતમી મળી હતી. આ બાતમીના આધારે એસએમસીના ઉચ્‍ચ અધિકારીઓએ કુવાડવા રોડ પર આવેલા આરકે૯ ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં ઓચિંતો દરોડો પાડ્‍યો હતો. જેમાં ૭૦.૩૮ લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્‍થા પકડી એક આરોપીની ધરપકડ કરી તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ અને પકડાયેલા આરોપીની પૂછપરછમાં સામે આવ્‍યું હતું કે આ વિદેશી દારૂનો મોટો જથ્‍થો મંગાવનાર  જંગલેશ્વર વિસ્‍તારનો નામચીન લિસ્‍ટેડ બુટલેગર ફિરોઝ સંધી હતો. આ ઉપરાંત દરોડાના સ્‍થળ પરથી એક શંકાસ્‍પદ ક્રેટા કાર પણ મળી આવી હતી, જેના નંબર જીજે.૦૧.આરએન. ૬૪૪૦ છે. આ કારના માલિક સુલતાન સંધી હોવાનું તપાસમાં ખુલ્‍યું હતું. આ મામલે એસએમસીએ એકને પકડી છને વોન્‍ટેડ જાહેર કરી તપાસ કુવાડવા પોલીસને સોંપી હતી. જો કે પોલીસ કમિશનર દ્વારા હજુ ઇન્‍કવાયરીનો ઓર્ડર થયો નથી. આ ઇન્‍કવાયરીમાં બીટ જમાદાર તેમજ અન્‍ટ સ્‍ટાફની ભુમિકા પણ ચકાસવામાં આવશે. બીજી તરફ લિસ્‍ટેડ બૂટલેગર ફિરોઝને શોધવા ક્રાઇમ બ્રાંચ  સહિતની ટીમો કામે લાગી છે. પીઆઇ સસ્‍પેન્‍ડ થયાની આ ઘટનાએ પોલીસબેડામાં ચકચાર જગાવી છે. અગાઉ પણ કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનના એક પીઆઇ સસ્‍પેન્‍ડ થયા હતાં.

(10:44 AM IST)