<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

લખન અને સાગ્રીતે યુવાનને ‘તારે ગાંજો જોઇએ છે?' એવું પુછ્‍યા બાદ છરી બતાવી રોકડ લૂંટી લીધી

ચુનારાવાડ ચોકમાં નામચીન શખ્‍સે સાગ્રીત સાથે મળી ફરી ગુનાખોરી આચરી ખાનગી નોકરી કરતો કટારીયા ચોકડીનો યુવાન પ્રદિપ શુક્‍લ પાનની દુકાને વિમલ લેવા ઉભો ત્‍યારે બનાવઃ બે માંથી એક જીણા વાળવાળો લખન છે તેવું જાણવા મળતાં થોરાળા પોલીસને જાણ કરી

રાજકોટ તા. ૨૫:  શહેરના ચુનારાવાડ ચોક પાસે લૂંટની એક ઘટના બની છે. પાનની દુકાને વિમલ લેવા ઊભેલા એક ખાનગી કંપનીના કર્મચારીને બે અજાણ્‍યા શખ્‍સોએ પહેલા તેને ગાંજો જોઇએ છે? તેવું પુછ્‍યું હતું ત્‍યારે યુવકે ના પાડતા બંને શખ્‍સો ઉશ્‍કેરાઈ ગયા હતાં અને તને કોઇની હવા છે? તેમ કહી ઝઘડો કરી પાકીટ બતાવવાનું  કહી ઝપાઝપી કરી છરી બતાવી ઘા મારી દેવાની ધમકી આપી રૂા. પાંચ હજારની રોકડ લૂંટી ગયા હતાં. પોલીસે તપાસ કરતાં બેમાંથી એક જીણા વાળવાળો શખ્‍સ નામચીન ગુનેગાર લખન બચુ માલાણી હોવાનું ખુલ્‍યું હતું. ૪૨ જેટલા ગુનામાં સામેલ આ શખ્‍સ અને તેના સાગ્રીતને શોધવા તપાસ શરૂ કરવામાં આવી છે.

જાણવા મળ્‍યા મુજબ આ બનાવમાં થોરાળા પોલીસે કાલાવડ રોડ કટારીયા ચોકડી રંગોલી પાર્ક પાસે આવાસ ક્‍વાર્ટર નં. ક્‍યુ-૧૦૨માં રહેતાં અને કુવાડવા ચોકડીએ આવેલી જલારામ એગ્રો કંપનીમાં નોકરી કરતાં પ્રદિપભાઇ રાજેશભાઇ શુક્‍લ (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી લખન બચુ અને અજાણ્‍યા શખ્‍સ સામે ગુનો નોંધ્‍યો છે. ફરિયાદની વિગત મુજબ ગત તા. ૧૪/૫ના રોજ સાંજે તે પોતાનું હોન્‍ડા સાઈન મોટરસાયકલ લઈને કારખાનેથી ઘર તરફ નીકળ્‍યા હતા. રાત્રિના સવા આઠેક વાગ્‍યાના અરસામાં તેઓ ચુનારાવાડ ચોક પાસે આવેલી એક પાનની દુકાને વિમલ લેવા માટે ઊભા રહ્યા હતા.

પ્રદિપભાઈ પાનની દુકાનેથી વિમલ લઈને જ્‍યારે પોતાનું બાઈક લેવા પરત ફર્યા ત્‍યારે તેમના મોટરસાયકલ પર બે અજાણ્‍યા શખ્‍સો બેઠેલા હતા. પ્રદિપભાઈએ તેમને ગાડી પરથી ઊભા થવાનું કહેતા જ બંનેમાંથી એક આશરે ૩૦ થી ૩૩ વર્ષનો જીણા વાળવાળો અને ઘઉંવર્ણો શખ્‍સ બોલ્‍યો હતો કે-તારે ગાંજો જોઈએ છે? જેથી પ્રદિપભાઈએ ના પાડતા જ તેની સાથે રહેલો ૨૦ થી ૨૫ વર્ષનો અન્‍ય એક શખ્‍સ ઉશ્‍કેરાઈ ગયો હતો. બંને જણાએ તને કોઈની હવા છે કે શું? અમે કહીએ તેમ કર તેમ કહીને પ્રદિપભાઈ સાથે ઝપાઝપી શરૂ કરી દીધી હતી અને પાકીટ માગ્‍યું હતું.

પણ પ્રદિપભાઈએ પોતાનું પાકીટ આપવાની ના પાડી, ત્‍યારે જીણા વાળવાળા ૩૦-૩૩ વર્ષના શખ્‍સે પોતાના નેફામાંથી તીક્ષ્ણ છરી કાઢી લીધી હતી. તેણે પ્રદિપભાઈને છરી બતાવી જો પાકીટ નહીં આપે તો ઘા મારી દઈશ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્રદિપભાઈ ગભરાઈ જતાં તેમણે પોતાનું પાકીટ કાઢી આપ્‍યું હતું. આ શખ્‍સે પાકીટમાંથી અંદર રાખેલા રૂ. ૫,૦૦૦ની રોકડ રકમ કાઢી લીધી હતી અને ખાલી પાકીટ પરત આપી બંને શખ્‍સો ત્‍યાંથી પગપાળા જ નાસી છૂટયા હતા.

આ લૂંટની ઘટનાને પગલે આસપાસના સ્‍થાનિક લોકો અને રાહદારીઓ એકઠા થઈ ગયા હતા. ભેગા થયેલા લોકોમાંથી કોઈએ પ્રદિપભાઈને જણાવ્‍યું હતું કે છરી બતાવનાર અને લૂંટ ચલાવનાર જીણા વાળવાળા શખ્‍સનું નામ લખન બચુ છે. જ્‍યારે તેની સાથેના બીજા શખ્‍સનું નામ જાણી શકાયું ન હતું. ઘટના બાદ ભોગ બનનારે તાત્‍કાલિક ૧૧૨ નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. શરૂઆતમાં ડર અને સગા-સંબંધીઓની સલાહ લેવાના કારણે ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હતો. અંતે ફરિયાદ લખાવાવનું નક્કી કરી પોતાના મિત્ર ભાર્ગવભાઇ સાથે થોરાળા પોલીસ સ્‍ટેશને પહોંચી જાણ કરતાં પીઆઇ એસ. પી. સોઢાની રાહબરીમાં હેડકોન્‍સ. આઇ. એલ. ઝાલાએ ગુનો નોંધતા તપાસ શરૂ થઇ છે.

ડી. સ્‍ટાફ પીએઅસાઇ એમ. એસ. મહેશ્વરી, પીએસઆઇ એ. પી. રતન અને ટીમે લખન સહિત બંનેને શોધી કાઢવા તપાસ શરૂ કરી છે. લખન અગાઉ ચોરી, ચિલઝડપ, લૂંટ સહિત ૪૦થી ૪૨ ગુનાઓમાં સંડોવાઇ ચુક્‍યો છે

(3:53 PM IST)