<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

રાજકોટમાં દલિતોની સહકારી મંડળીની જમીન પર ભૂમાફિયાઓનો કબ્‍જોઃ પોલીસ કમિશનર સમક્ષ ધા

ગવરીદળ અને ખીજડીયા ગામની સીમમાં આવેલી જમીન પચાવી પાડ્‍યાનો આક્ષેપ; કુવાડવા પોલીસ ન્‍યાય ન આપતી હોવાની રજૂઆત

રાજકોટઃ રાજકોટ તાલુકા અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી લિમિટેડ દ્વારા શહેર પોલીસ કમિશનરને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં આક્ષેપ કરવામાં આવ્‍યો છે કે, ગવરીદળ અને ખીજડીયા ગામમાં મંડળીને સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીન પર ભૂમાફિયાઓએ ગેરબંધારણીય રીતે કબ્‍જો જમાવી દીધો છે. મંડળીના હોદ્દેદારોએ આક્ષેપ કર્યો છે કે ધાક-ધમકી આપીને ગરીબ દલિત ખેત મજૂરોને તેમની જ માલિકીની જમીન પર જતા રોકવામાં આવી રહ્યા છે. મંડળીના પ્રમુખ શૈલેષભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્‍યું છે કે, જમીન પચાવી પાડનારા તત્‍વો એવો દાવો કરી રહ્યા છે કે તેઓએ આ જમીન મંડળીના પૂર્વ પ્રમુખ મૂળજીભાઈ ચાવડા પાસેથી વેચાતી લીધી છે. જોકે, મૂળજીભાઈએ આ બાબતે સ્‍પષ્ટતા કરી છે કે તેમણે કોઈને જમીન વેચી નથી અને દસ્‍તાવેજોમાં તેમની ખોટી સહીઓ કરવામાં આવી છે. નિયમ મુજબ, આ જમીન અનુસૂચિત જાતિના સભ્‍યો સિવાય અન્‍ય કોઈને વેચી કે તબદીલ કરી શકાતી નથી, તેમ છતાં સરેઆમ કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. રજૂઆતમાં કુવાડવા પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર સામે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્‍યા છે. મંડળીના સભ્‍યોનું કહેવું છે કે, અનેકવાર ફરિયાદો અને પુરાવાઓ આપવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. ઉલટાનું, આરોપીઓને છાવરવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે. હાલની સ્‍થિતિ એવી છે કે માલદાર લોકો જમીન પર કબ્‍જો જમાવીને બેઠા છે અને અસલી હકદાર એવા ગરીબ દલિતો મજૂરી કરવા મજબૂર બન્‍યા છે. આ મામલે તાત્‍કાલિક તપાસ કરી જમીન ખુલ્લી કરાવવા પોલીસ કમિશનરને નમ્ર વિનંતી કરવામાં આવી છે.

 તસ્‍વીરમાં શૈલેષભાઇ પરમાર - (પ્રમુખ, તાલુકા ખેતી મંડળી), માવજીભાઇ રાખસીયા - સામાજીક આગેવાન, પ્રકાશ સોલંકી - સામાજીક આગેવાન, કનુંભાઇ મકવાણા - સભ્‍યો મંડળીના, ઉદયભાઇ રાઠોડ - સભ્‍યો મંડળીના, રમણીકભાઇ - સભ્‍યો મંડળીના, પ્રવિણભાઇ રાઠોડ- સભ્‍યો મંડળીના નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:22 PM IST)