News of Tuesday, 22nd September 2026
જમીન દફતર ખાતાના કર્મચારીઓની હડતાલના કારણે લોકો અને વકીલોને ભારે મુશ્કેલીઃ બાર એસો. દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

રાજકોટ, તા.૨૨: જમીન દફતર (ડીઆઇએલઆર) ખાતાના વર્ગ-૩ના કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓ અને ગ્રેડ પે મુદ્દે શરૂ કરવામાં આવેલી અચોક્કસ મુદતની હડતાળને કારણે સામાન્ય પ્રજા, ખેડૂતો, અસીલો તેમજ વકીલ આલમ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
કર્મચારીઓ પેન ડાઉન સ્ટ્રાઇક અને માસ સીએલ બાદ હવે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતાં તમામ પ્રકારની સરકારી માપણી અને દસ્તાવેજી પ્રક્રિયાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ રાજકોટ બાર એસોસિએશન દ્વારા કલેકટર તંત્ર મારફત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી તાકીદે હસ્તક્ષેપ કરવા માંગણી કરવામાં આવી છે.
આ રજૂઆતમાં જણાવ્યું છે કે, હડતાળને કારણે કોર્ટ કાર્યવાહીમાં વિલંબ થઇ રહ્યો છે. સિવિલ અને મહેસૂલી કોર્ટમાં ચાલતા જમીન-મિલકતના વિવાદોમાં ડીઆઇએલઆર ખાતાનો માપણી રિપોર્ટ અને પંચરોજકામ સૌથી મુખ્ય પુરાવો ગણાય છે. ત્યારે હડતાળના કારણે સ્થળ તપાસ કે માપણી રિપોર્ટ સમયસર અદાલતમાં રજૂ ન થવાથી કેસો આગળ વધી શકતા નથી અને માત્ર નવી મુદ્દતો (તારીખો) જ પડી રહી છે. પરિણામે ન્યાય પ્રક્રિયા અટકી ગઈ છે અને વારંવાર કોર્ટના ધક્કા ખાતા અસીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે વકીલો અને પક્ષકારો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ભું થયું છે.જેના કારણે બૅન્ક લોન, રિયલ એસ્ટેટ સેક્ટર પણ મુશ્કેલીમાં મુકાયા છે.
મકાન બાંધકામ ક્ષેત્રમાં પ્રોપર્ટી કાર્ડ, જૂની ફેરફાર નોંધો (નં.૬), ક્ષતિ સુધારણા અને જૂના નકશાઓ ન મળવાને કારણે વકીલો દ્વારા ટાઇટલ સર્ચ રિપોર્ટ તૈયાર થઈ શકતા નથી. કાનૂની અભિપ્રાય વિના બઃકો દ્વારા લોન મંજૂર કરવામાં આવતી ન હોવાથી ધિરાણ પ્રક્રિયા અટકી ગઈ છે. જમીન-મકાનના સોદા રદ થવાની નોબત આવી છે અને બિનખેતી તથા વારસાઈ નોંધણીની મંજૂરીઓ પણ અધવચ્ચે અટવાઈ ગઈ છે. આમ, માત્ર વકીલો જ નહીં પરંતુ સમગ્ર રિયલ એસ્ટેટ અને આર્થિક ગતિવિધિઓને મોટો ફટકો પડ્યો છે.
ઓનલાઇન પોર્ટલ શોભાના ગાંઠિયા સમાન બન્યા સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત, AnyRoR અને iORA પોર્ટલ મારફતે ઘરબેઠા પારદર્શક સેવાઓના દાવા કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત સાવ વિપરીત છે. પોર્ટલ પર માત્ર અરજીઓ સ્વીકારાય છે, પરંતુ ફિલ્ડમાં માપણી કરનાર સ્ટાફ હડતાળ પર હોવાથી તમામ કામગીરી પેન્ડિંગ મોડમાં આવી ગઈ છે. ઓફલાઇન તંત્ર ઠપ થતાં ઓનલાઇન સિસ્ટમ પણ લકવાગ્રસ્ત બની ગઈ છે.
આ હડતાળનો તાત્કાલિક અંત આવે એ માટે રાજકોટ બાર એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે સંબંધિત કર્મચારી મંડળ સાથે તુરંત વાટાઘાટો કરવા અને હડતાળ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોર્ટ સંબંધિત માપણી, પ્રમાણિત નકલો, પ્રોપર્ટી કાર્ડ અને નકશાઓ માટે વૈકલ્પિક તંત્ર ગોઠવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.
(3:03 PM IST)










