<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

જિલ્‍લા સહકારી સંઘની ચૂંટણીમાં છેલ્‍લી ઘડીએ ‘નોન-કોરમ'નો ખેલ!

પ્રદેશ ભાજપે છેલ્લી ઘડીએ ૪થી ૬ નામ માંગતાં જિલ્‍લા સંગઠન પાસે સમયના અભાવની દલીલઃ વર્તમાન પ્રમુખ-ઉપપ્રમુખને રિપીટ કરવાની ભલામણની ચર્ચા વચ્‍ચે ચૂંટણી મોકૂફ : દિનેશ ભુવા અને મગન વડાવીયાના નામની ભલામણ થયાની ચર્ચા, પ્રદેશે નવા નામો મંગાવ્‍યાઃ ચૂંટણીને લઈને ભાજપ સંગઠનમાં ફરી આંતરિક ખેંચતાણની ચર્ચા

રાજકોટઃ રાજકોટ જિલ્‍લા સહકારી સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે યોજાનારી ચૂંટણી છેલ્‍લી ઘડીએ મોકૂફ રહેતા સહકારી તેમજ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. આસિસ્‍ટન્‍ટ કલેક્‍ટરના અધ્‍યક્ષસ્‍થાને યોજાનારી આ ચૂંટણી અંગે ભાજપ સંગઠન તરફથી ઉમેદવારોના નામને લઈને થયેલી પ્રક્રિયા અંતિમ તબક્કે પહોંચતા સમગ્ર મામલે નવો વળાંક આવ્‍યો હોવાનું જાણવા મળે છે.

સૂત્રોના જણાવ્‍યા મુજબ, ચૂંટણીનું એજન્‍ડા જાહેર થયા બાદ જિલ્‍લા ભાજપ દ્વારા વહેલી તકે પ્રદેશ કક્ષાએ જાણ કરવાની અપેક્ષા હતી. જોકે, જિલ્‍લા ભાજપ પ્રમુખ અલ્‍પેશ ઢોલરીયા દ્વારા પ્રદેશ કક્ષાએ ચૂંટણી અંગેની જાણ મોડેથી કરવામાં આવી હોવાની ચર્ચા છે. પ્રદેશને કરવામાં આવેલી રજૂઆતમાં હાલ રાજકોટ જિલ્‍લા સહકારી સંઘના પ્રમુખ તરીકે દિનેશ ભુવા અને ઉપપ્રમુખ તરીકે મગન વડાવીયાને જ પુનઃ જવાબદારી સોંપવા અંગે ભલામણ કરવામાં આવી હોવાની પણ ચર્ચા છે.

આ રજૂઆત બાદ પ્રદેશ ભાજપ દ્વારા મામલાને ગંભીરતાથી લઈ જિલ્‍લા સંગઠન પાસેથી માત્ર બે નામ નહીં પરંતુ ૪થી ૬ નામનો પેનલ મોકલવા સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, જેથી પ્રદેશ કક્ષાએ યોગ્‍ય કાર્યકર્તાની પસંદગી અંગે નિર્ણય લઈ શકાય.

બીજી તરફ, ચૂંટણીને હવે માત્ર એક દિવસનો સમય બાકી હોવાથી ૪થી ૬ નામનો પેનલ તૈયાર કરી પ્રદેશને મોકલવો શક્‍ય ન હોવાનું જિલ્‍લા ભાજપ પ્રમુખ તરફથી જણાવાયું હોવાનું જાણવા મળે છે. પરિણામે પ્રદેશ કક્ષાએ ચૂંટણીમાં ‘નોનકોરમ' રાખવાની સૂચના આપવામાં આવી અને આજે યોજાનારી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી મોકૂફ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ સમગ્ર ઘટનાક્રમથી રાજકોટ જિલ્‍લા ભાજપમાં સહકારી સંસ્‍થાઓની ચૂંટણીમાં ઉમેદવારી અને પક્ષીય ભલામણને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને તાજેતરમાં રાજકોટ-લોધિકા સહકારી સંઘની ચૂંટણીમાં પક્ષના મેન્‍ડેટને લઈને ઊભા થયેલા વિવાદ બાદ જિલ્‍લા ભાજપ પ્રમુખની ભૂમિકા અંગે પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ હતી. તાજેતરના અહેવાલોમાં મેન્‍ડેટ વિરુદ્ધ ચૂંટણી લડનારા આગેવાનો અંગે પ્રદેશને રજૂઆત થયાનો ઉલ્‍લેખ છે.

 લોધિકા સંઘની ચૂંટણી બાદ અલ્‍પેશ ઢોલરીયા સામે વિજય સખીયા સહિતના આગેવાનો દ્વારા જાહેરમાં આક્ષેપો કરવામાં આવ્‍યા હતા; જોકે આ આક્ષેપો સંબંધિત પક્ષોની રજૂઆતો તરીકે જ જોવાના રહે છે.

હવે રાજકોટ જિલ્‍લા સહકારી સંઘની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી ફરી ક્‍યારે યોજાશે અને પ્રદેશ ભાજપ દ્વારા અંતે કયા નામો પર પસંદગી ઉતારવામાં આવશે તે અંગે સહકારી ક્ષેત્રમાં ઉત્‍સુકતા વધી છે. ખાસ કરીને વર્તમાન હોદ્દેદારોને યથાવત રાખવામાં આવશે કે પ્રદેશ કક્ષાએ નવા નામોને તક આપવામાં આવશે, તેના પર સૌની નજર રહેશે.

(2:49 PM IST)