<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

મોડી રાતે એકાદ વાગ્‍યે ઝટકા તારની ફેન્‍સીંગ તોડી ભેલાણ કરાવ્‍યું

કુવાડવાના ખોરાણામાં એડવોકેટના ખેતરના ઉભા પાકમાં ૪૫ ગાય-ભેંસ છુટા મુકી દીધાઃ ૨.૭૯ લાખની નુકસાની ખોરાણાના બટુક હાડગરડા અને તેના દિકરા જયેશ વિરૂધ્‍ધ દિપકભાઇ લીંબાસીયાની કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૮: કુવાડવાના સણોસરા ગામે રહેતાં એડવોકેટની નજીકના ખોરાણા ગામે આવેલી જમીન જે તેમણે ભાગમાં વાવવા આપી છે તેમાં ખોરાણા ગામના પિતા-પુત્રએ મોડી રાતે ઝટકા તારની ફેન્‍સીંગ તોડી ૪૫ ગાય-ભેંસ ઘુસાડી દઇ તુવર, ધાણા, કપાસ, સોયાબીનના ઉભો પાક ચરાવી દઇ ૨.૭૯ લાખની નુકસાની કરતાં પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે સણોસરા ગામે રહેતાં દિપકભાઇ ધનજીભાઇ લીંબાસીયા (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી ખોરાણા ગામના બટુક તેજાભાઇ હાડગરડા અને જયેશ બટુકભાઇ હાડગરડા નામના પિતા-પુત્ર વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

દિપકભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને વકિલાત કરવાની સાથે ખેતીકામ કરી મારા પરિવારનું ગુજરાન ચલાવુ છું અને મારી પાસે ૭૫ વીધા જમીન રેવન્‍યુ સર્વે નંબર ૩૩૩ પૈકીની ગલમધરો તરીકે ઓળખાય છે તે ખોરાણા ગામના સીમાડે આવેલી છે. આ જમીન મેેં કૈલાશભાઇ ગોવર્ધનભાઈ ભુરીયા (રહે. કોહીઆ ફળીયા દોતડ ગામ જી. જાંબુઆ મધ્‍યપ્રદેશ)ને ભાગમાં વાવેતર કરવા માટે આપી છે. અહિ હાલમાં તેણે સોયાબીન તથા કપાસ તથા તુવેર તથા મસાલાના ધાણાનુ વાવેતર કર્યુ છે. ગઇ તા.૧૫/૧૧ના રોજ રાત્રીના સવા એકાદ વાગ્‍યાના અરસામાં મારા મજુર દીવાન ભીમા અમલીયારનો ફોન આવ્‍યો હતો અને કહ્યુ઼ હતું કે આપણા ખેતરમાં ઝટકાના તારનુ ફેન્‍સીંગ તોડી કોઇ માણસો માલઢોર ચરાવે છે અને આશરે ૪૫ જેટલી ગાય તથા ભેંસ છે.

આ વાત સાંભળતા જ હું તથા મારા મોટા ભાઇ ચં દુભાઈને સાથે લઇ અમારી વાડીએ પહોંચ્‍યો હતો. ત્‍યાં જઇ જોતાં પશુ ઉભા પાકમાં ચરતા હતા. મેં ટોર્ચ લાઇટ કરી જોતાં  બે અજાણ્‍યા શખ્‍સે ત્‍યાથી પોતાના પશુ મુકીને ભાગી ગયા હતાં. આ પશુઓને ત્‍યા બેસાડી રાખેલ હતા બાદ મેં ૧૧૨માં ફોન કરતા પોલીસની ગાડી આવી હતી. ે બાદ ગાડીમાં બેસી હું પોલીસ સ્‍ટેશન  પહોંચ્‍યો હતો. પરંતુ પશુના માલિકના નામ સરનામાની ખબર ન હોઇ જેથી જે તે વખતે ફરીયાદ નોંધાવી નહોતી. બાદ વહેલી સવારના સાતેક વાગ્‍યે આ પશુ માલિક અમારી વાડીએ આવ્‍યા હતા. ત બટુકભાઈ તેજાભાઇ હાડગરડા તથા તેમનો પુત્ર જયેશભાઇ હાડગરડા (રહે. ખોરાણા) હતા. આ બંનેને હું ઓળખતો હતો.

બંનેએ અમારી વાડીના ઉભા પાકમાં ભેલાણ કરાવી પશુ ચરાવી સોયાબીનના ઉભા પાકમાં રૂ.૮૪,૦૦૦  તથા સોયાબીનના પાલામાં રૂ.૩૦,૦૦૦, મસાલાના ધાણામાં આશરે રૂ.૯૦,૦૦૦ તથા કપાસના ઉભા પાક માં રૂ.૫૦,૦૦૦ તથા તુવેરના ઉભા પાકમાં રૂ.૨૫,૦૦૦ જેટલું નુકશાન કરી કુલ રૂ.૨, ૭૯,૦૦૦નું નુકશાન કર્યુ હોઇ ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં દિપકભાઇ લીંબાસીયાએ જણાવતાં કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનના પીઆઇ એ. એન. જાનીની રાહબરીમાં હેડકોન્‍સ. નારણભાઇ શીરોળીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:13 PM IST)