તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 28th July 2026
હાઇકોર્ટ બેંચના મુદ્દે આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છના વકીલો કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર કરશે
વકીલ મંડળો દ્વારા કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર પણ અપાશે

રાજકોટ, તા.૨૮: હાઇકોર્ટ બેંચ મેળવવા રાજકોટમાંથી છેલ્લા ૩૦ વર્ષથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે આ માંગણીને વિશેષ ગતિ મળી છે. આ લડત માત્ર વકીલો પૂરતી સીમિત ન રાખતા સામાન્ય પ્રજા સુધી પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઝુંબેશના ભાગરૂપે બુધવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના તમામ બાર એસોસિએશનો દ્વારા એક દિવસ કોર્ટ કામકાજથી અલિપ્ત રહી પ્રતિક હડતાલ પાડવામાં આવશે અને સવારે ૧૦:૪૫ કલાકે વકીલો પૂર્ણ ડ્રેસ કોડમાં સજ્જ થઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે.
મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લા તથા તાલુકા મથકોએ વકીલો એકઠા થઈને જે તે સ્થળે કલેક્ટર, નાયબ કલેક્ટર કે મામલતદાર સહિતના જવાબદાર અધિકારીઓને આવેદનપત્ર આપશે. રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા અને સેક્રેટરી નિલેશ પટેલની આગેવાની હેઠળ વકીલોનું પ્રતિનિધિમંડળ કલેક્ટરને રજૂઆત કરવા પહોંચશે. સૌરાષ્ટ્ર-કચ્છની આ ન્યાયિક લડતને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે આગામી દિવસોમાં પ્રજાને જાગળત કરવાના વિવિધ કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત, ભવિષ્યમાં વિસ્તારના તમામ ધારાસભ્યો, સાંસદ સભ્યો, મેયર, જિલ્લા પંચાયતના હોદ્દેદારો, ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય વિવિધ વેપારી તથા સામાજિક સંસ્થાઓને પણ લેખિતમાં રજૂઆતો કરવામાં આવશે
(3:09 PM IST)










