તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
રાજકોટમાં LCB ઝોન-૨નો સપાટો: ૨૯૫ બોટલ દારૂ અને રીક્ષા સાથે રીઢા ગુનેગારને દબોચી લેવાયો
૪૫ ગુનામાં સામેલ ઘંટેશ્વરના વનરાજ ઉર્ફે વિશાલ ભગુભાઇ રાઠોડને ડીસીપી રાકેશ દેસાઈની રાહબરીમાં પીએસઆઇ આર.એચ. ઝાલા, એએસઆઈ જે.વી. ગોહિલ, હરપાલસિંહ જાડેજા અને ટીમે પકડી લીધો

રાજકોટ: શહેર પોલીસ દ્વારા દારૂબંધીના કાયદાના કડક અમલીકરણ વચ્ચે એલ.સી.બી. ઝોન-૨ની ટીમે મોટી સફળતા મેળવી છે. આ કિસ્સામાં જામનગર રોડ પરથી લાખોના મુદ્દામાલ સાથે એક રીક્ષાચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે.
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને તેમની ટીમ દ્વારા શહેરમાં દારૂ-જુગારની બદીઓને નાબૂદ કરવા માટે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ સૂચનાના અનુસંધાને એલ.સી.બી. ઝોન-૨ ના પીએસઆઈ આર.એચ. ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે જામનગર રોડ પરથી પસાર થતી એક સીએનજી રીક્ષામાં દારૂનો જથ્થો છુપાવીને લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે આ બાતમીના આધારે ઘંટેશ્વર ૨૫ વારીયા ક્વાર્ટર પાસે વોચ ગોઠવી હતી.
બાતમી મુજબની સીએનજી રીક્ષા આવતા જ પોલીસ ટીમે તેને ચારેબાજુથી કોર્ડન કરી લીધી હતી. રીક્ષાની તપાસ કરતા તેમાંથી રોયલ સિલેક્ટ અને રોયલ સ્પેશ્યલ ડીલક્સ વ્હીસ્કીની પ્લાસ્ટિકની સીલબંધ ૨૯૫ બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો અને હેરફેર માટે વપરાયેલી રીક્ષા સહિત કુલ રૂ. ૯૪,૨૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્થળ પરથી પોલીસે વનરાજ ઉર્ફે વિશાલ ભગુભાઇ રાઠોડ (ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટર નં.૧૨૨૩ જામનગર રોડ) નામના શખ્સની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી વનરાજ ઉર્ફે વિશાલ અગાઉ ૪૫ જેટલા ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે. તેની સામે રાજકોટના વિવિધ પોલીસ સ્ટેશનોમાં દારૂબંધી, મારામારી અને જુગારધારા હેઠળ અસંખ્ય કેસો નોંધાયેલા છે. આ કામગીરીમાં એલ.સી.બી. ઝોન-૨ના એ.એસ.આઇ. જયંતીભાઇ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, રાજેશભાઇ મિયાત્રા તથા હેડ કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.
(1:38 PM IST)










